કાલડંખ

આવા જ કોઈ તડકીલા દિવસે આંગણામાં ઢોળાયું હતું પડછાયાનું મૌન
એમ જ ઊગી આવ્યું હતું અંધારું
પણ એવી નાની નાની કેટલી ઘટનાની તું સાક્ષી છે ?
આમે ય તું કયાં સાક્ષી હોય છે મારા એકે ય અગત્યના અવસરની ?
નગર આખું કોઈ મોટા પ્રસંગની તડામાર તૈયારી કરતું હોય છે
ત્યારે હું નાની નાની શકયતા મનમાં
રમાડયા કરું.
સંબંધનું સઘળું સુંદર રૂપ હું મારા જ દૃષ્ટિકોણથી ગોઠવી રહું
કોઈ હોય ના આંગણે તોય વમળાતા મૌનને ઊલટથી વાત કહું
આખરે થાકી જવાય છે આવા એકધારા, એકલા અખતરાઓથી
શાંત કરો એને તો પણ પોકારી ઊઠે કે કશું જ અહીં તારું નથી
ઊઠવાની ઈચ્છા થતી નથી ને ઊઠયા પછી ઊંઘ આવતી નથી
શું પીવું ? શાને પીવું ? મનગમતી જે ચીજ તે પણ ભાવતી નથી.
પ્રકાશ એનું પોત ખોઈ બેઠો છે, અંધારાનો પ્રભાવ પણ ઘટેલો છે
તને યાદ છે, આપણે હાથમાં હાથ મૂકી સમયને કેટલો ઘૂંટેલો ?
દિશાઓને સંકેલીને મૂકી દીધી છે, સમયને દૂર ફેંકી દીધો છે
જીવનરસનો હતો જે છેલ્લો ઘૂંટ તે પણ પી લીધો છે
તું હોય ના હોય હવે કોઈ ફરક પડતો નથી મને
કદાચ મારી છેલ્લી અવદશાના સમાચાર મળે તો દુ:ખ ન થવું જોઈએ તને

નિસર્ગ આહીર : ૩૦ નવેમ્બર, ર૦૦૮

કદાચ તને

અને આ આકાશના નવા જ રંગ તને આપી શકાયા હોત કદાચ
પહેરાવી શકાઈ હોત તને ઝાકળની ઓઢણી
સૂર્યના આગમને કેવી ઝળકી રહેત તું સાવ જ પારદર્શક,
આખા ને આખા વનનો વૈભવ તારી અંદર રોપ્યો તો ય તને તો માંડ ફૂટી એક કૂંપળ
નિરાંતનો એક ખંડ રચ્યો છે મેં મારી અંદર કેવળ તને પ્રેમ કરવા
અને તું શૂન્યતા ભરીને ચાલી જાય છે કોઈને મળવા
બારીમાંથી જોતો રહું છું કેવળ યાદો
નથી જ લેવું કશું જ તારી પાસેથી મારે
આપવો છે કેવળ અઢળક પ્રેમ પણ
તારી તો કશી લેવાની ય પાત્રતા નથી
કદાચ તને ગમતું હશે સોનાનું પાંજરું
કદાચ તને આપી શકાયું હોત પાંખો વિનાનું ઉડ્ડયન

નિસર્ગ આહીર : મે રપ, ર૦૦૮.

ઉપાલંભ

આ આંખની જ વાત છે,
તેં જોતાં જોતાં અમને ન જ જોયા હોય
એમ જોયા કર્યું
કદીક આંખને ફેરવી લીધી
કદીક અપલક ઠેરવી દીધી,
શરમનો ડોળ કરી લીધો
તીરછી આંખે ગટગટ પીધો
વૈભવ વિનાની મારી ત્વચાની રાણી બની બેઠી,
તું સ્પર્શે નજરથી ને ફૂલપરી ઊતરી આવે હેઠી,
મને શોધતી આંખ જાણે ભૂલું પડેલું હરિણબાળ,
તારાથી ય વધારે તું સૃષ્ટિની લે છે સંભાળ
ઢળતી, ઊઘડતી, પાછી વળતી,
કનડતી, ફફડતી, તરફડતી, રડતી….
તારી આંખોને મેં જોઈ છે ભરપૂર
અને
હવે મારાથી આંખ ફેરવી લે છે એ પણ વાત તો આંખની જ છેને ?

નિસર્ગ આહીર : મે ૧ર, ર૦૦૮

તુમ હી હો જૈસે

તેરે વો નઝારેં મેરે લહુ મેં મિલ ગયે જૈસે સંગ તેરે રાત મેં ભી ફૂલ ખિલ ગયે જૈસે
આહટ તેરી, મેરે કાનો ને યૂં પહની હૈ
તેરે ઘર મેં ભી ચલે તું, મુઝે સુનાઈ દે
મિલું તુઝે તો બારિસ હોતી હૈ મદ્ધમ પર સદિયોં સે બાદલ સી હૈ મીરે સીને મેં
ગાલ તેરે છૂ લું તો સિતારેં હિલ ગયે જૈસે
તેરે વો નઝારેં મેરે લહુ મેં મિલ ગયે જૈસે
કભી કભી તુઝે તેરે ઘર મેં બૈઠી સોચકર
મૈં સોચું, મુઝે હી દીવાર બના લું
તન્હાઈ તેરી સહી નહિ જાયે મુજસે હર દિશા કો તેરા હી ચહેરા બના દું દૂર તું જાયે તો લગે હજારોં દિલ ગયે જૈસે તેરે વો નઝારેં મેરે લહુ મેં મિલ ગયે જૈસે

નિસર્ગ આહીર : 4.7.2011

જીવતરનો ઝાઝેરો

જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે, વાતો કહી એ તો વહી ગઈ પવનમાં
તો ય પલ પલનું રૂપ લહેરાય આ સામે;
સખી, કંઈ માગ્યું નથી ને માગવું નથી જેટલો આપી શકાય બસ પ્રેમ આપું,
મેં કદી લખ્યું ન તારું નામ ક્યાંય
પણ પ્રત્યેક શ્વાસે પર્વ જેમ સ્થાપું,
તવ પંથે પંડ આ પરમ પદ પામે;
જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે.

નિસર્ગ આહીર : 30.6.2011

તારા નામે

જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે, વાતો કહી એ તો વહી ગઈ પવનમાં
તો ય પલ પલનું રૂપ લહેરાય આ સામે;
સખી, કંઈ માગ્યું નથી ને માગવું નથી જેટલો આપી શકાય બસ પ્રેમ આપું,
મેં કદી લખ્યું ન તારું નામ ક્યાંય
પણ પ્રત્યેક શ્વાસે પર્વ જેમ સ્થાપું,
તવ પંથે પંડ આ પરમ પદ પામે;
જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે.

નિસર્ગ આહીર : 30.6.2011

તને પૂછું, સખી ?

સૌથી સવાયા સ્વજનની ઝંખના જાગી’તી તે તું છે, સખી ?
પલપલ પરમ પ્રેમની પાયલ વાગી’તી તે તું છે, સખી ?
કોઈએ સહાય માગી, કોઈએ સુખ માગ્યું, કોઈએ શ્વાસ,
કોઈ એકે મને ગમતી મમતાને માગી’તી તે તું છે, સખી ?
મારાં કંઈ કેટલાંય વાદળ અમથેઅમથાં દરિયે વહી ગયાં,
એક અલબેલી નદી સાવ અલગ ભાગી’તી તે તું છે, સખી ?
ફૂલો, પર્વત, દરિયો, ઝરણાં, ચાંદ… કેટલું બધું જોયું,
કાયમી કોઈ કામણની લગની લાગી’તી તે તું છે, સખી ?
મોજાં માફક સમય સાથે સઘળું વહી ગયું ને કશું યાદ નથી,
બસ, એક જ પલને તળ સુધી તાગી’તી તે તું છે, સખી ?
સંબંધો હતા અનેક પણ પાનખરના પર્ણ-શા ખરતા રહ્યા,
આશની ડાળે એક સાચી સગાઈ ટાંગી’તી તે તું છે, સખી ?

નિસર્ગ આહીર : જુલાઈ ૧૧, ર૦૦૯

તને જોયા કરું

બસ, તને જોયા કરું

ફૂલના રંગમાં ફાલી
પાંદડીના પાલવમાં પોઢે
એક નજર નાખું ત્યાં
આખી વસંત તું ઓઢે,
પલપલ ભાન ખોયા કરું,
બસ, તને જોયા કરું,

આંખે બેઠો મોર
આખો અષાઢ ઘૂંટી પૂછે,
જેના નામે તું ઘેરાયો
એવું એ છોકરીમાં શું છે?
હું મૌન મોહ્યા કરું,

બસ, તને જોયા કરું.
કોઈને મન તું છોકરી
મારે તો કામણનું ધામ,
તું નામનું વાદળ
મબલખ વરસે મારે ગામ,
નેવાં રૂપે રોયા કરું,
બસ, તને જોયા કરું.

નિસર્ગ આહીર : જુલાઈ રર, ર૦૦૯

ઈપ્સાગૃહ

આકાશને ઘરની જેમ ખોલી શકાય છે
સુખના ટેકાવાળાં આસન છે એમાં
કેવળ નીદ્રાની પથારી ત્યાં
હૃદયની ઝંખનામાં રમતા લોકો સાથે કાયમની મિજલસ
જે કરવાં ગમે એ કામ રાહ જુએ છે
સુંદર પુસ્તકના સુંદર શબ્દો કાનમાં એમ જ આવીને બેસી જાય છે
સાંભળવું ગમે એ સંગીત ગૂંજે
ખાવું ગમે એ ભોજન રાહ જુએ
મનગમતાં દૃશ્યો અંદર જ આમંત્રી શકાય છે
હા, જે જે ઝંખ્યું હોય એ બધું જ છે એ ઘરમાં
સવાલ એટલો જ છે :
એ ઘરનો દરવાજા ક્યાં છે ?

નિસર્ગ આહીર : ર.૮.ર૦૧૭

ચાહત

કચકડાના કાચા સંબંધની કડવાશને દૂર કરી નાખીએ
કોઈ ન હોય આપણું તો આપણી જ હયાતીને ચાખીએ

આપણા સૂરજને એકલા એકલા ઊગવાનું ગમતું નથી
નથી ગમતું આ ચાંદાને એકલાં એકલાં કંઈ આથમી જવું,
આપણે કોઈકને ગમવા લાગીએ કે કોઈ આપણને ગમે

અને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે,
હું હોઉં તારા સપનામાં અને મારા સ્પર્શને તું રંગે,

અચાનક આવી મને અંદરબહાર આખેઆખું ચૂમે,
તું આવે ને મન મારું તને આકંઠ આલિંગીને ઝૂમે,
સખી, આખી રાત પછી વહે તારી સંગ રંગેચંગે,
અને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે,

એવું થાય છે હૈયામાં કે નદીઓ ભરી વહાલ કરું,
મારા શરીરના અંગેઅંગ તને શ્વાસ જેમ ભરું,
જાણે તું મારા હોઠ પર છલકાતી ચુંબન-તરંગે,
અને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે,

તું આવે છે તો પૂરેપૂરી આવ મારા હૈયા પર,
કશું જ ન હોય તારાથી દૂર, મારામાં જ ઘર કર,
તને એટલી ચાહવી કે તુંજ હો પ્રેમના ત્રિભંગે,
અને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે.

નિસર્ગ આહીર : માર્ચ રપ, ર૦૧૦