પ્રલાપ

કર્ણપ્રિય અવાજ પણ કાન પાસેથી જ પાછો ફરી જવાની આ ઘટના
ને પેલું પંખી ગાવા ખાતર ગાયા કરે ત્યાં દૂર-સુદૂર
આ બન્નેની વચ્ચેની અવસ્થામાં મને મૂકીને જતાં રહેવું તારું
હજી પણ રેતીની ડમરી જેમ ઘુમરાયા કરે
આવ, આવી જા આ કશા જ અહેસાસ વિનાની ક્ષણોમાં
પાનખરનાં પર્ણોની માફક સમય ખર્યા કરે છે
ને કોઈને કશી જ ગણતરી નથી
પાંદડાં જેવું જ લીલું હતું આયખું એ ઊડી ગયું પેલા પક્ષીની પાંખે
અથવા તો લક્કડખોદે એને કરકોલી નાખ્યું છે
માળા તો છે હજી પણ, તું છોડી ગઈ હતી એવા જ
એમાં ઈંડાંનું અકબંધ રહસ્ય નથી
પાંખો નીચે સંકેલાઈને પડેલું ભવિષ્ય નથી
દૃશ્યો જોતી આ આંખો છે કે પ્રસંગોને પસાર થવાનો રસ્તો?
મારો પ્રત્યેક ધ્વનિ તૂટી પડે અફળાઈને એવી દીવાલો કોણે ચણી દીધી છે ?
મને ઘણી વાર લાગે કે તને પ્રશ્ન ન પૂછું, ભરપૂર પ્રેમ કરું
પણ સામે પ્રશ્નાર્થોની, આશંકાઓની, અવિશ્વાસની અજસ્ર ધારાઓ જાઉં છું ને
મારી હયાતી પ્રશ્ન બનીને ભીંજાતી રહે એવી જ વ્યવસ્થા કોઈએ કરી છે એમ લાગ્યા કરે
આ પ્રતીતિ વગરનું જીવવું અને જીવ્યા વગર ઝૂરવું
એ જ કદાચ મારા ભાગે આવેલી નિયતિ છે
કદાચ તું પણ લાચાર હશે
હા, કદાચ…

નિસર્ગ આહીર : ૩૦.૧.ર૦૧ર

વો તો નહી

અગર દૂર જાને કી બાત હૈ
મુજે કુછ બતાના નહી
કચ્ચી ઉમર મેં બહુત દર્દ સહા
અબ જ્યાદા સતાના નહી
જિતના દેખના થા દર્પણ મેં
દેખ લિયા, અબ ક્યા?
સબસે પર હૈ તુજસે મેરા રિશ્તા
નયા નાતા જતાના નહી

નિસર્ગ આહીર : 24.6.2011

ચાલ સખી

ચાલ સખી, શહેર છોડી કયાંક દરિયાકિનારે જઈએ,
બીજો બધો બોજો બાજુએ મૂકી મજાનાં મોજાં થઈએ.

સંબંધના નામે છેતરે એવા લોકમાં
કોઈ પોતીકાની તલાશ છે,
હર ચહેરા પર મૃગજળના છાંટા
હવે થોડીક વર્ષાની આશ છે,
મોટા મહેલની માયા નહિ, એકબીજાની આંખમાં રહીએ,
ચાલ સખી, શહેર છોડી કયાંક દરિયાકિનારે જઈએ.

હૈયું ખોલી કરીએ વાત
ઈચ્છાથીય અધિક સુખ આપીએ,
લેવાનું શું, દેવાનું શું?
લેણદેણથી સંબંધ નહિ માપીએ,
સમજવાનું સમજી લેશું સહજ, કારણ વગર ન કહીએ,
ચાલ સખી, શહેર છોડી કયાંક દરિયાકિનારે જઈએ.

નિસર્ગ આહીર : જુલાઈ ૧, ર૦૦૯.

કોઈ નહિ

ઋતુ ઋતુના ચાંદ જોયા પણ રાતે તું ઊગે એવું તો કોઈ નહિ,
તાજાં તાજાં ફૂલ પર સોહે એ ઝાકળ તારા વિના જોઈ નહિ;
તને દૂરથી આવતી જોઈ મારામાં બેપાંચ ચોમાસાં વાવું, સૈ, ધોધમાર ધારા અધવચ્ચ અટકે એવું તે કેવું તારું જાવું?
અભાવભીનું આભ ઝીંકાયું માથે તો ય આંખ આ રોઈ નહિ;
ઋતુ ઋતુના ચાંદ જોયા પણ રાતે તું ઊગે એવું તો કોઈ નહિ;
વહાલ આપ ગાલ આપ પણ વહાલી, વિકલ્પ આપ નહિ,
કોઈ પળ કોઈ કૂંપળ નથી તારા વિનાની, એને કાપ નહિ,
સમય તો બધું લઈ લે લૂંટી લે, મેં તને કદીય ખોઈ નહિ;
ઋતુ ઋતુના ચાંદ જોયા પણ રાતે તું ઊગે એવું તો કોઈ નહિ.

નિસર્ગ આહીર : 1.7.2011

કાલડંખ

આવા જ કોઈ તડકીલા દિવસે આંગણામાં ઢોળાયું હતું પડછાયાનું મૌન
એમ જ ઊગી આવ્યું હતું અંધારું
પણ એવી નાની નાની કેટલી ઘટનાની તું સાક્ષી છે ?
આમે ય તું કયાં સાક્ષી હોય છે મારા એકે ય અગત્યના અવસરની ?
નગર આખું કોઈ મોટા પ્રસંગની તડામાર તૈયારી કરતું હોય છે
ત્યારે હું નાની નાની શકયતા મનમાં
રમાડયા કરું.
સંબંધનું સઘળું સુંદર રૂપ હું મારા જ દૃષ્ટિકોણથી ગોઠવી રહું
કોઈ હોય ના આંગણે તોય વમળાતા મૌનને ઊલટથી વાત કહું
આખરે થાકી જવાય છે આવા એકધારા, એકલા અખતરાઓથી
શાંત કરો એને તો પણ પોકારી ઊઠે કે કશું જ અહીં તારું નથી
ઊઠવાની ઈચ્છા થતી નથી ને ઊઠયા પછી ઊંઘ આવતી નથી
શું પીવું ? શાને પીવું ? મનગમતી જે ચીજ તે પણ ભાવતી નથી.
પ્રકાશ એનું પોત ખોઈ બેઠો છે, અંધારાનો પ્રભાવ પણ ઘટેલો છે
તને યાદ છે, આપણે હાથમાં હાથ મૂકી સમયને કેટલો ઘૂંટેલો ?
દિશાઓને સંકેલીને મૂકી દીધી છે, સમયને દૂર ફેંકી દીધો છે
જીવનરસનો હતો જે છેલ્લો ઘૂંટ તે પણ પી લીધો છે
તું હોય ના હોય હવે કોઈ ફરક પડતો નથી મને
કદાચ મારી છેલ્લી અવદશાના સમાચાર મળે તો દુ:ખ ન થવું જોઈએ તને

નિસર્ગ આહીર : ૩૦ નવેમ્બર, ર૦૦૮

કદાચ તને

અને આ આકાશના નવા જ રંગ તને આપી શકાયા હોત કદાચ
પહેરાવી શકાઈ હોત તને ઝાકળની ઓઢણી
સૂર્યના આગમને કેવી ઝળકી રહેત તું સાવ જ પારદર્શક,
આખા ને આખા વનનો વૈભવ તારી અંદર રોપ્યો તો ય તને તો માંડ ફૂટી એક કૂંપળ
નિરાંતનો એક ખંડ રચ્યો છે મેં મારી અંદર કેવળ તને પ્રેમ કરવા
અને તું શૂન્યતા ભરીને ચાલી જાય છે કોઈને મળવા
બારીમાંથી જોતો રહું છું કેવળ યાદો
નથી જ લેવું કશું જ તારી પાસેથી મારે
આપવો છે કેવળ અઢળક પ્રેમ પણ
તારી તો કશી લેવાની ય પાત્રતા નથી
કદાચ તને ગમતું હશે સોનાનું પાંજરું
કદાચ તને આપી શકાયું હોત પાંખો વિનાનું ઉડ્ડયન

નિસર્ગ આહીર : મે રપ, ર૦૦૮.

ઉપાલંભ

આ આંખની જ વાત છે,
તેં જોતાં જોતાં અમને ન જ જોયા હોય
એમ જોયા કર્યું
કદીક આંખને ફેરવી લીધી
કદીક અપલક ઠેરવી દીધી,
શરમનો ડોળ કરી લીધો
તીરછી આંખે ગટગટ પીધો
વૈભવ વિનાની મારી ત્વચાની રાણી બની બેઠી,
તું સ્પર્શે નજરથી ને ફૂલપરી ઊતરી આવે હેઠી,
મને શોધતી આંખ જાણે ભૂલું પડેલું હરિણબાળ,
તારાથી ય વધારે તું સૃષ્ટિની લે છે સંભાળ
ઢળતી, ઊઘડતી, પાછી વળતી,
કનડતી, ફફડતી, તરફડતી, રડતી….
તારી આંખોને મેં જોઈ છે ભરપૂર
અને
હવે મારાથી આંખ ફેરવી લે છે એ પણ વાત તો આંખની જ છેને ?

નિસર્ગ આહીર : મે ૧ર, ર૦૦૮

તુમ હી હો જૈસે

તેરે વો નઝારેં મેરે લહુ મેં મિલ ગયે જૈસે સંગ તેરે રાત મેં ભી ફૂલ ખિલ ગયે જૈસે
આહટ તેરી, મેરે કાનો ને યૂં પહની હૈ
તેરે ઘર મેં ભી ચલે તું, મુઝે સુનાઈ દે
મિલું તુઝે તો બારિસ હોતી હૈ મદ્ધમ પર સદિયોં સે બાદલ સી હૈ મીરે સીને મેં
ગાલ તેરે છૂ લું તો સિતારેં હિલ ગયે જૈસે
તેરે વો નઝારેં મેરે લહુ મેં મિલ ગયે જૈસે
કભી કભી તુઝે તેરે ઘર મેં બૈઠી સોચકર
મૈં સોચું, મુઝે હી દીવાર બના લું
તન્હાઈ તેરી સહી નહિ જાયે મુજસે હર દિશા કો તેરા હી ચહેરા બના દું દૂર તું જાયે તો લગે હજારોં દિલ ગયે જૈસે તેરે વો નઝારેં મેરે લહુ મેં મિલ ગયે જૈસે

નિસર્ગ આહીર : 4.7.2011

જીવતરનો ઝાઝેરો

જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે, વાતો કહી એ તો વહી ગઈ પવનમાં
તો ય પલ પલનું રૂપ લહેરાય આ સામે;
સખી, કંઈ માગ્યું નથી ને માગવું નથી જેટલો આપી શકાય બસ પ્રેમ આપું,
મેં કદી લખ્યું ન તારું નામ ક્યાંય
પણ પ્રત્યેક શ્વાસે પર્વ જેમ સ્થાપું,
તવ પંથે પંડ આ પરમ પદ પામે;
જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે.

નિસર્ગ આહીર : 30.6.2011

તારા નામે

જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે, વાતો કહી એ તો વહી ગઈ પવનમાં
તો ય પલ પલનું રૂપ લહેરાય આ સામે;
સખી, કંઈ માગ્યું નથી ને માગવું નથી જેટલો આપી શકાય બસ પ્રેમ આપું,
મેં કદી લખ્યું ન તારું નામ ક્યાંય
પણ પ્રત્યેક શ્વાસે પર્વ જેમ સ્થાપું,
તવ પંથે પંડ આ પરમ પદ પામે;
જીવતરનો ઝાઝેરો ભાગ તારા નામે.

નિસર્ગ આહીર : 30.6.2011