બેરંગ

આવવાનું તમામ જોમ
તારી ઉદાસ આંખના પડછાયામાં
કયાંક ઢબૂરાઈ જતું હોય એમ લાગે છે.
ખૂબ દૂરનાં નાનાં નાનાં ઝાડ પણ આખરે તો વૈશાખના તડકામાં
પોતાનું શરીર સંકોરીને સાવ કયાંક દૂર ભાગી જવા મથે છે
પણ એની નિયતિ નક્કી કરનાર
અષાઢની રાતનો વરસાદ
કયાંક ખોવાઈ ગયા પછી પાછો આવ્યો નથી એનો વસવસો લઈને
હું આ પાસેના નાનકડા ઝરણાંની બખોલમાં આવીને બેઠો છું
પંખીની પોતાની પાંખનો ભાર વરતાવા લાગે
એવો અમારો આ પ્રાંત છે.
વાનરની નાની એવી દુનિયાનું પાંખાળુ ગૌરવ
આપણી જ ચેતનાના નાનાનાના ખંડમાં આવીને
બેસી ગયાનો અનુભવ લઈને
આપણી જ સાવ નાનકડી અને રૂપકડી દુનિયાનો ભાર લઈને
કોઈક ખૂણાનું મૌન મારી અંદર જ સંકેલીને
જાણે કોઈ ચાલતું હોય એમ સતત લાગ્યા કરે છે
એવા આ મજાના દિવસો છે.

નિસર્ગ આહીર : માર્ચ ૨૨, ૨૦૧૦

લખી તને

ખૂબ ખુશ થયો એ ક્ષણ પર લખી તને,
શિલાલેખ-શી કાયમી કરી સખી, તને
સાવ સૂનું તો નહોતું નગર પણ
હર રસ્તાની ધારે ઝંખી તને
અર્થ વગરની શી આ આવન-જાવન
કોઈ ગમતું ઉડ્ડયન આપું પંખી, તને
માદક માદક આંખોમાં આ નીલું નીલું શું છે ?
શું નીલબિલ્લોરી કોઈ સાપણે ડંખી, તને ?

નિસર્ગ આહીર : ૧૩ ફેબ્રુઆરી, ર૦૧૩

વહન કરી દીધું

મુઠ્ઠીમાં સમાય એવી વાતનું વાયરાની જેમ વહન કરી દીધું
ટીપુંક અમીની આશા હતી ને પછી પાણીથી છલોછલ સરોવર પીધું
કદીય નહિ ધારેલું કે જેની સંગ રંગો ફોરે
એ જ અંધારું પહેરીને લૂંટશે
પાણી પીવડાવી મોટું કરે ને પછી
જીવનભર ફૂલોને ફળોને ચૂંટશે
ચીંધી’તી આંગળી જ સહેજ પછી આખું આકાશ ગટગટ પીધું
નદીનું નામ દઈ નદીની જેમ જ વહે
પછી આપણે દરિયો જાવાનું મન થાય કે નહિ ?
અમથા પથ્થરની ઠેસ લાગતી’તી એ
છોકરી પછી તો પર્વત પરથી પણ વહી
થોડાંક ઝરણાં જોયાં થોડાંક હરણાં જોયાં પછી જંગલ આખાનું નામ લીધું

નિસર્ગ આહીર : મે રપ, ર૦૧૦

વિરંગ

પાણી કેટલું ઝિલાયું અંદર એમ કહે,
આમ તો કેટલાંય ચોમાસાં વહ્યાં.
તું જીવે છે ને હું પણ જીવું છું,
કેટલું આપણ એકબીજામાં રહ્યાં ?
કૈં કૈં રસ્તાઓ ઓળંગી આવી ઊભાં,
પગલાં ન એકે ય અંદર ગયાં.
તું મૂંગી ને હું અવાક્‌ આ બાગમાં,
કૈં ફૂલ બોલ્યાં, કૈં પાંદડાં ખરખર થયાં.
અંદર કોઈ આકાર ઊભો ન થયો,
આમ તો તેં અનેક કાવ્યો મને કહ્યાં.
આકાશે તો સાચવ્યાં પક્ષી અનેક,
પણ ખરેલાં પીંછાં ન સહેજે સહ્યાં.

નિસર્ગ આહીર : ૩૦.૧.ર૦૧ર

વીતક

હું કહું ન કહું તને કંઈ ફરક ન પડે ચૂપ છું એટલે જ તારા જવા ટાણે
છું દુ:ખી પણ દર્દ તો મારે જ સહેવાનું હૃદયની વાત તો આંખ પણ ન જાણે
સૌ અટવાયા છે ખુદના જ આવેગમાં
કોઈનો ભાવ અહીં બીજા કોણ પ્રમાણે?
કેટલું કઠિન છે ખુદે વણેલું વસ્ત્ર ફાડવું?
તારું જ નામ વણ્યું’તું તાણે ને વાણે

નિસર્ગ આહીર : 25.6.20011

વીતરાગ

આંખથી વેધક વૈશાખી રજ ખરે
મહીં તું જ વાયરા-શી ફરફરે,
એને જ જો નથી આવવું અહીં
કોઈ એની ઈચ્છાનું શું કરે ?
ભટકતો રહું ઘટ્ટ અંધાર-શો
અરે, કોઈ તો મને દીવો ધરે,
મૂળમાં જ અગન મારી ઓછી
વર્ષોની રાખ વળી ગઈ ઉપરે,
નથી અમથીય એની બીક મને
મારામાંનું જ કંઈક મારાથી ડરે.

નિસર્ગ આહીર : ફેબ્રુઆરી ૧૬, ર૦૦૮

વેદન

કોઈ જ નવું સંવેદન પ્રવેશ ન પામે ભીતર,
બારણે બેસી તારો ભૂતકાળ પહેરો ભરે છે;
બહેરી છે વસંત કે બાર બાર મહિને સાંભળે,
રોજ ટોડલે બેસી કોયલ નાહક ટહુકા કરે છે;
અકબંધ છાંયડો પાથરવાની પ્રતીક્ષા છે પણ,
રોજેરોજ આયખાનાં પાંદડાં ટપાટપ ખરે છે.

નિસર્ગ આહીર : 15.7.2011

પ્રિય

સૌની સાથે જ છે છતાં બધાથી પર તું, પ્રિય,
લે આ સંબંધ ખાલી કર્યો, એને ભર તું, પ્રિય;
કદી ન હો તારો પંથ પથરાળ ને પીડાદાયક,
સપનાંઓનું સરવર ભર્યું એમાં તર તું, પ્રિય;
સાચા સગપણમાં કોઈ બંધન નહિ, નહિ આજ્ઞા,
તારી લીલા જોવાની મજા, ફાવે તે કર તું, પ્રિય;
મારે અંગે ઊગી કોની આ પ્રેમલ પગલાંછાપ ?
અંદર ઊતરી જોયું તો કરે હરફર તું, પ્રિય;
મને થાય કે સુખના આખેઆખા દરિયા આપું,
ખોબો ધર, આંખો ધર કે અંતર ધર તું, પ્રિય.

નિસર્ગ આહીર : જુલાઈ ૮, ર૦૦૯.

પ્રેમોલ્લાસ

અડધા છૂટેલા શબ્દથી વેરાયું મૌન હવે આંગણામાં ઝાડ થઈ લહેરે
જે જે ચૂકી ગઈ કહેવાનું તે બધું સૂક્કાં પાંદડાંની સંગ કોઈ ખંખેરે
આંખમાં આવ્યાં તે આંસુ કહેવાય
મારે મન કોઈ ગેબી મંદિરની ફરફરતી ધજા
ભીની આંખે બોલ બધા ભૂંસી નાખે
તારા જેવી જ માસુમ હોય છે તારી સજા
ધીમે ધીમે તું આશાનાં મોતી પરોવે ને કારણ વગરનાં પાછાં વેરે
અડધા છૂટેલા શબ્દથી વેરાયું મૌન હવે આંગણામાં ઝાડ થઈ લહેરે
હોય શું મારી ઈચ્છાના વૈભવમાં
આરંભથી અંત સુધી ‘તું’ નામનાં ફૂલો
હવે તો આસપાસ કોઈ વેલ વળગી છે
કહે કાનમાં કે પ્રેમ એટલે સુગંધનો ઝૂલો
કદી સપન રૂપે કદી સ્મરણ રૂપે કદી કોઈ નામ વગર આ કાયા તને જ પહેરે
અડધા છૂટેલા શબ્દથી વેરાયું મૌન હવે આંગણામાં ઝાડ થઈ લહેરે

નિસર્ગ આહીર : મે રપ, ર૦૧૦

પ્રેમ એટલે તું

મારે દીવડે તું દિવ્ય સ્થાપે,
એકાંત હોય કે અંધારું, કાપે,
સગપણ તારું સમજણ આપે,
કે પ્રેમ એટલે તું,
કે પ્રેમ એટલે તું…

ગયા ભવની તરસ ટળે,
નવું આકાશ આવી મળે,
ઈચ્છા વગર અઢળક ફળે,
ને અપરંપાર છું,
કે પ્રેમ એટલે તું…

નજર નાખું ને નદી થાય,
પીડા પાણી શી વહી જાય,
મોર બની કોણ મને ગાય ?
ઉત્તરે હું પામું શું ?
કે પ્રેમ એટલે તું…

આરપાર ધોધમાર આવે,
મારામાં મને વરસી લાવે,
ભીની ગંધના જે ભાવ વાવે,
એે કવિતા લખું હું,
કે પ્રેમ એટલે તું…

નિસર્ગ આહીર : જુલાઈ ૧પ, ર૦૦૯