Author: Nisarg Ahir
Navbharat Sahitya by Nisarg Ahir
Awards By Nisarg Ahir
શબ્દનું સત્ય
હજી યે નરસિંહનાં પ્રભાતિયાં ગુર્જરીકાનનમાં ગુંજે છે : ‘હે જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા…’. મીરાંનો મર્મ હૈયાંને હજી યે ઘેલાં કરે છે : ‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે…’. પાનબાઈ, ગંગાસતી, રવિસાહેબ, ભાણસાહેબ, તોરલ એ બધાં હજી રાતને રળિયાત કરવા ઊતરી આવે છે. ‘વીજળીને ચમકારે મોતીડાં’ સદીઓથી લોકો પરોવતા આવ્યા છે. તુલસીદાસ, કબીર કે મહાપ્રભુજીનો ભાવાવેશ હજી યે કોઈના મુખ પરે ઝળકી રહે છે. કયું તત્ત્વ છે આ, કયું સત્ત્વ છે આ, જે લોકોને ભાવચેતના સાથે એકાકાર કરે છે ? ઉત્તરરૂપે એટલું જ જડે કે શબ્દનું સત્ય અને સૌંદર્ય એમાં એટલું તો ઘનીભૂત થયું છે કે હજી ય રસ અને ભાવની અસ્ખલિત ધારારૂપે ભીંજવી રહે છે.
આની સામે એક બીજું કડવું સત્ય, સાંપ્રત વાસ્તવને મૂકવા માગું છું : હમણાં ગુજરાતી કવિતાનું એક નવા દૃષ્ટિકોણથી સંપાદન હાથ પર લીધું છે. એ કારણસર પ્રસિદ્ધ વાંચનાલયમાંથી કાવ્યસંગ્રહો મેળવું છું. ખૂબ દુઃખ થાય છે કે આપણે જેને ઉત્તમ કે મોટા ગજાના કવિઓ કહીએ છીએ એનાં કાવ્યો ધૂળથી આવૃત્ત છે અને વર્ષોથી વંચાયાં જ નથી ! એક બાજુ નરસિંહમીરાં છે, બીજી બાજુ સાંપ્રત કવિતાની આ સ્થિતિ છે. આપણને દુઃખ થાય તો પણ એ સ્વીકારવું જ રહ્યું કે કવિતા પ્રત્યે સરેરાશ માણસને જરા ય રસ રહ્યો નથી, પ્રેમ તો છે જ નહિ. કોઈ પણ સંસ્કૃત અને સભ્ય માણસને ચિંતા ઉપજે એવી આ સ્થિતિ છે. આમ કેમ થઈ રહ્યું છે ? ચિંતા, ચિંતન અને સમજણને કારણે મને જે જવાબો મળે છે તે મુક્તમને મૂકવા માગું છું :
૧. શબ્દ એનું સત્ત્વ ગુમાવી બેઠો છે. માણસો પારાવાર જુઠ્ઠું બોલે છે એની એને ખબર પણ નથી અને સામેની વ્યક્તિ જુઠ્ઠું જ બોલે છે એવી પ્રતીતિ તો છે જ. કારણ વગર પણ માણસ જુઠ્ઠું બોલે છે. કોઈ મોટું પ્રયોજન હોય તો સમજી શકાય, પણ સાવ નાનાં નાનાં કારણો લઈને પણ તે જુઠ્ઠું બોલે છે. આ જુઠ્ઠાણાંને કારણે, અંગત રીતે શબ્દને અભડાવ્યો હોવાને કારણે દરેક શબ્દમાં એને અધુરપ લાગે છે. પરિણામે શબ્દ એનું મૂળ પ્રયોજન, સત્ત્વ, પ્રાથમિક અર્થ ખોઈ બેઠો છે. જેમકે આપણે કોઈને કહીએ કે ‘આવજો’ તો એમાં ખરેખર આવવાનો ભાવ કેટલો હોય છે તે તપાસીએ છીએ ખરાં ? અથવા કોઈને એમ કહીએ કે ‘અમે ચોક્કસ તમારે ત્યાં આવીશું’ એમાં ‘ચોક્કસ’નો અર્થ વસ્તુતઃ ઉમેરીએ છીએ ખરાં ?
ર. કૃતક, છદ્મવેશી, અર્થહીન અને બબૂચક બકવાશનો આ જમાનો છે. બીજાને પ્રભાવિત કરવા માટે, આંજી નાખવા માટે, લલચાવવા માટે, પોતાનું જ્ઞાન સાબિત કરવા માટે, માત્ર અન્યને સારું લગાડવા માટે આપણે કારણ વગર શબ્દોનો જમેલો કરીએ છીએ. જાહેરાતની દુનિયાથી માંડીને ‘હું તને આખું આકાશ ભરીને પ્રેમ કરું છું’ એમ અંગત એકરાર સુધી આપણે શબ્દોની મોહજાળ રચીએ છીએ જે શબ્દનું શબ્દપણું ખોઈ નાખે છે.
૩. કવિતામાં આવતો શબ્દ પણ કૃતકતા અને દંભ લઈને આવે છે. જેની પોતાને જરા પણ પ્રતીતિ નથી, નિજનું દર્શન નથી, આગવી અનુભૂતિ નથી તેને કાવ્યવિષય બનાવીને, ‘કવિ’ તરીકેની પદવી મળે અને ‘વાહ વાહ’ થાય તેવા મોભા ખાતર જ કાવ્યરચના થાય છે. અત્યારે કવિતા લખવી ખૂબ જ સરળ છે. થોડીક પ્રતિભા હોય અને ઘણો બધો આયાસ હોય એટલે કવિ થવું ખૂબ આસાન છે. આ વાતને હું આમ સમજાવવા માગું છું : સાહિત્યના વિદ્યાર્થી કે શિક્ષક પાસે ગ્રંથસ્થ કાવ્યસંગ્રહો છે; તે અંગેનાં વિવેચનો છે; કાવ્યમાં પ્રયોજાતી રચનારીતિ એવી પ્રતીક, કલ્પન, કાવ્યબાની, છંદ, અલંકાર ઈત્યાદિની સમજ છે તો થોડીક છેકભૂંસથી આસાનીથી કવિ થઈ શકાય છે. આ બધાં ઓજારો છે, જેનાથી કાવ્યસદૃશ પદાર્થ ઘડી તો શકાય જ. સૌથી મોટી બાબત એ છે કે અત્યારે સાહિત્યનાં સેંકડો સામયિકો છે તેમને પાનાંઓ ભરવાની જરૂર હોય જ છે. એટલે કવિપદવાંચ્છુંઓને ‘કવિ’ થયાનો આનંદ મળે છે. એક ચિંત્ય બાબત એ પણ છે કે વર્તમાનમાં ‘પ્રસ્તાવના’ લખી આપવા પણ ઘણા તત્પર હોય છે. મારો અનુભવ છે કે આ પ્રકારની પ્રસ્તાવનામાં માત્ર કવિતાનાં વખાણ જ કરવામાં આવે છે, કવિતા વખાણવાયોગ્ય ન હોય તો પણ. ભાગ્યે જ કોઈ કવિતાનાં નબળાં પાસાંઓને તીવ્ર રીતે વખોડે છે. અત્યારનું વિવેચન પણ શંકા ઉપજાવે તેવું છે. મોટા ભાગના કહેવાતા ‘વિવેચકો’ સજજતા વગરના, કાવ્યપદાર્થની સમજ વગરના હોય છે, એટલે ગતાનુગતિક અહેવાલ આપ્યા સિવાય કશું જ નવું કરતા નથી. પારિતોષિકો, ચંદ્રકો કે ઈનામો પણ એટલાં બધાં છે કે કોઈકને તો આપવાં જ પડે. એટલે આવા કાવ્યસંગ્રહોને એ પણ સહજ રીતે મળી જાય છે. આ બધાંનું તારણ એ જ કે કાવ્યરચના પરત્વે કોઈ જ ગંભીર માપદંડો ઊભા થતા ન હોવાને કારણે કવિતા કે કાવ્યસંગ્રહ પ્રગટ કરવા સરળ છે અને ‘કવિ’નું પ્રતિષ્ઠિત વિશષેણ સાવ સસ્તામાં પ્રાપ્ત કરવું સરળ છે. આ કારણોસર કવિતાએ, શબ્દના સત્ત્વે ખૂબ જ સહન કરવાનું આવ્યું છે.
૪. અત્યારે ગીત અને ગઝલનું ચલણ છે અને ગંભીર કવિ થવું હોય તો સૉનેટ ઉત્તમ ઓજાર છે. એ ખરું કે છંદની માવજત માગી લે છે એટલે સૉનેટમાં બહુ ઓછાનો પ્રવેશ થાય છે. હકીકતએ છે કે આપણે ગીત-ગઝલ કરતાં સૉનેટ કે છંદોબદ્ધ કાવ્યને વધારે મહત્ત્વ આપીએ છીએ, પણ મારો બહુ જ સ્પષ્ટ મત છે કે સૉનેટમાં બહુધા છંદમાં લખાયેલી ગદ્યકથાથી વિશેષ કઈં જ નથી હોતું. આપણે ત્યાં બહુ જ મોટા ગણાયેલા સૉનેટકવિઓની રચનાઓ તપાસવાથી એ તદ્દન સ્પષ્ટ થશે. એમાં કૃતકતા અને ઊર્મિમાંદ્યતા હોય છે. ગઝલ સૌથી ચલણી, તરત જ ખપી જતો પદાર્થ છે પણ એ ખૂબ જ જોખમી છે તેની બહુ ઓછાને સભાનતા છે. માત્રામેળ છંદ, રદીફ અને કાફિયાની સમજ આવી જતાં કાવ્યાભાસી રચનાઓનો હાઈબ્રીડ ફાલ ઊતરવા લાગે છે. કવિસંમેલનોમાં ગઝલ જ તાડીઓ પડાવે છે. એનું કારણ બહુ ઓછાને ખબર છે કે ગઝલમાં દરેક શે’ર સ્વતંત્ર હોવાને કારણે, માત્ર બે જ મિસરામાં ભાવ બંધાતો હોવાને કારણે, તુરત જ રસાનુભૂતિ થાય છે; જયારે ગીત, ગઝલ કે અછાંદસમાં સમગ્ર કૃતિ એક જ ભાવપિંડ લઈને આવતી હોય છે એટલે એ સમગ્રતામાં પમાય છે. બીજું કારણ એ પણ છે કે ગઝલ સભારંજની છે, એ પ્રસ્તુતિની કલા છે; એને કારણે તરત જ અપીલ કરે છે. અંગત અનુભવ એવો છે કે કવિ દ્વારા પ્રસ્તુત થયેલી ગઝલ, જેણે ખૂબ તાળીઓ પડાવી હોય કે ‘દુબારા, દુબારા’ નો અવાજો ઉઘરાવ્યા હોય, તે નીરવ શાંતિમાં વાંચવાથી સાવ જ ફિક્કી પણ જણાય. અત્યારનાં ગીતોમાં પરંપરામાં સ્થાપિત થયેલા એવા કૃતક રોમેન્ટિક ભાવ-લપેડા હોય છે અને ગઝલોમાં માત્ર ચાતુરીપૂર્વકનાં, ચબરાકિયાં વિધાન જ હોય છે. એમાં ક્યાંય રસ, ધ્વનિ ઈત્યાદિનાં ધોરણો અનુભવાતાં નથી. સમગ્ર રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે અત્યારની કવિતા એટલે આકર્ષક લાગતી શબ્દરમત અને રૂપકડી ભભક. કોઈને કવિ થવું હોય તો શું જરૂરી છે ? અત્યારની સ્થિતિને આધારે ઉત્તરો આ પ્રમાણે આપી શકાય : ૧. માત્રામેળ છંદો શીખી લેવા. ર. પ્રાસની સમજ હોવી જોઈએ. ૩. શબ્દોનો અન્વય નવી રીતે ગોઠવતાં આવડવો જોઈએ, એટલે પદક્રમ ઊલટાવતાં આવડવો જોઈએ, જેમકે ‘તારી આંખમાં આંસુ છલકે એ મીઠાં લાગે’ એમ નહિ, પણ ‘આંસુ છલકે તારી આંખમાં એ મીઠાં લાગે.’ પછી એમાં ‘દીઠાં લાગે’, ‘મજીઠાં લાગે’ ઈત્યાદિ રદીફ-કાફિયાથી કામ ચાલે. ૪. સીધેસીધું કથન કવિતામાં ખપતું નથી, એમાં ચાલાકી કે ચબરાકિયાપણું, વિશિષ્ટતા હોવી જોઈખે. જેમકે, ‘તું મારામાં પ્રેમરૂપે આવી’ એમ નહિ પણ ‘તું તો મારામાં ફૂટી નીકળેલ પ્રેમ નામની ડાળખી’ એમ લખો એટલે કવિતા થઈ કહેવાય. પ. વિષય ન મળે, અનુભવ ન હોય તો પણ ચિંતા નહીં. રસ્તા, વસંત, તડકો, દરિયો, બારણું, યાદ, તું, ઝરૂખો… બસ, આમાંથી કોઈને રદીફ તરીકે લઈ લો, ચાતુરીપૂર્વક કાફિયા મૂકી દો, એને છંદમાં ઢાળી દો એટલે તમે કવિ. બોલો, શી મોટી વાત છે કવિ થવામાં ? કોઈને કવિ થવું હોય તો મેં આ સરળ રસ્તા બતાવ્યા છે.
લખાણના પ્રસ્તારને કારણે હવે હું લાંબી યાદી આપવાનું ટાળું છું. તો, આવી સ્થિતિને કારણે આપણી કવિતાએ, સમગ્ર સાહિત્યે ખૂબ જ સહન કરવું પડ્યું છે. ઉપાય શું કાવ્યને જીવાડવાનો ? જરા એ વિશે પણ વિચાર કરીએ. તો, સૌ પ્રથમ તો આપણે શબ્દનું મહત્ત્વ સમજીએ. શબ્દ બ્રહ્મ છે, નાદ પણ બ્રહ્મ છે. આપણી પરંપરામાં બ્રહ્મથી મોટી કોઈ જ સંજ્ઞા નથી. જરા વિચારો, શબ્દને આટલું મહત્ત્વ આપવામાં આવેલું છે, પણ આપણે તો એને સાવ તુચ્છ કરી નાખ્યો છે. શબ્દ એક સાધના પણ છે, જીભના ટેરવે કે આંગળીના ટેરવે તરત જ વહેતું ધ્વનિરૂપ તો એ નથી જ નથી. અનુભૂત, પુરસ્કૃત, જયોતિર્રૂપ, ઉઘાડરૂપ એમ શબ્દને જયારે માનીશું અને એની તમામ અર્થવત્તા સાથે પ્રયોજીશું ત્યારે જ એ એના મૂળરૂપમાં પમાશે એ બધાએ સમજી લેવાની જરૂર છે. કવિમિત્રો, આપણે એ ખાસ સમજી લેવું જોઈએ કે સ્વરૂપજ્ઞાન, વિષયની માવજત, છંદ-અલંકાર પરનું પ્રભુત્વ, કલ્પનપ્રતીક જેવી રચનાપ્રયુક્તિઓ એ તમામ તો શબ્દનાં સહાયકો છે, પણ કવિતાનો પ્રાણ તો છે સંઘટ્ટિત ને સંયોજિત શબ્દ. જો એ શબ્દ આપણને એની સમગ્રતામાં ઝળહળ ન કરે તો બીજાંને એ પ્રફુલ્લિત કરે એમ માની લેવું ભૂલભરેલું છે. અને જે આપણે ન પામી શકીએ, માની ન શકીએ, પ્રતીત ન કરી શકીએ, આંનદી ન શકીએ એ શબ્દ કવિતા દ્વારા અન્યને પ્રભાવિત કરશે એમ કેમ માની લેવામાં આવે છે ? શબ્દપ્રાગટ્ય આપણી જરૂરિયાત છે કે પછી આપણે વિવિધ ઓજારો લઈને કવિતાને ઘડવા બેસીએ છીએ ? જો આ બન્ને વચ્ચેનો તફાવત સમજાય તો પણ બસ છે. મીરાં, નરસિંહ, તુલસી, કબીર કે આપણા સંતકવિઓ માટે શબ્દ તો સાધના હતી અને પોતાની સહજ અભિવ્યક્તિ હતી. તેઓ કોઈ કવિપદના વાંચ્છું નહોતા, મોહતાજ નહોતા જ. લોકોએ એને કવિ માન્યા છે. તે તો છે ‘ભક્ત નરસૈયો’ કે ‘દાસી મીરાં’.
શબ્દનું સત્ત્વ જો ઓળખાય, એનાં તમામ પાસાં, એની સમગ્રતા સાથે અવતરે તો જ કવિતા સ્પર્શે. શબ્દનું સૌંદર્ય પણ હોય છે, પણ આ સૌંદર્યની સાધના કરવી પડે છે. સતત શબ્દમય રહે એને જ એનું સૌંદર્ય મળે છે. જે સાધક નથી એને શબ્દસૌંદર્યનાં દર્શન જરૂર થાય છે, અનુભૂતિ થતી નથી. જે રીતે આપણે મંદિરમાં જઈએ અને મૂર્તિનાં દર્શન જરૂર થાય, પણ એની પ્રતીતિ તો કોઈ નૈષ્ઠિક ભક્તને જ થાય એના જેવી જ આ બાબત છે.
કહેવાનું તાત્પર્ય એ જ છે કે શબ્દનો મહિમા કરીએ. એ જ બોલીએ જે બોલવું જ પડે, એ જ કહીએ જે કહ્યા વિના ચાલે જ નહિ, એ જ લખીએ જે માંહ્યલો લખાવે. નહિતર કવિસંમેલનો થશે, કાવ્યો પ્રગટ થશે, સંગ્રહો છપાશે, પુરસ્કારો મળશે, નામ થશે, વાહ વાહ થશે પણ શબ્દ નિર્જીવ થઈ ક્યાંક પડયો રહેશે. આપણે એનું સત્ત્વ અને સૌદર્ય પામીશું નહિ તો શબ્દ જીવંત નહિ રહે, સચેત નહિ રહે અને પરિણામે કોઈને ય સ્પર્શશે નહિ. એ એક આયાસ બની રહેશે, અનુભૂતિ નહિ રહે. ‘લોકોને સાહિત્યમાં રસ જ નથી’ એમ ફરિયાદ કરવાને બદલે એમ સ્વીકારીએ કે સાહિત્યકારો જ શબ્દોના દલાલ બની ગયા છે, ભક્ત કે આરાધક નહિ. લોકો કવિતાથી દૂર ગયા છે એ સત્ય છે, પણ એથી ય મોટું સત્ય એ છે કે શબ્દનું સત્ય અને સૌંદર્ય સમગ્ર રીતે અવતરિત થશે ત્યારે શબ્દ સાથેની નિસબત પાછી સ્થપાશે. આપણે એવા દિવસોની પ્રતીક્ષા નહિ, પૂર્વતૈયારી કરીએ એ જ અભિપ્રેત છે.
નિસર્ગ આહીર
ગવર્નમેન્ટ આર્ટ્સ કૉલેજ
શ્રી કે. કા. શાસ્ત્રી શૈક્ષણિક સંકુલ
મણિનગર, અમદાવાદ
કલાની વિભાવના
કલા અનેકવિધ અંગો સાથે સંકળાયેલી છે. અહીં સૌંદર્ય, રસ, આનંદ, ભાવન, કલાના પ્રકારો ઇત્યાદિની દૃષ્ટિએ ક્લાનાં વિવિધ પાસાં પર એક ઊડતી નજર નાખીને કલાતત્ત્વને સમજવાનો પ્રયાસ કર્યો છે.
‘તૈત્તિરીય ઉપનિષદ્’ કહે છે કે ‘રસો વૈ સ:’ અર્થાત્ તે પરમાત્મા રસસ્વરૂપ છે અને ‘આનન્દો બ્રહ્મ’ અર્થાત્ આનંદ જ બ્રહ્મ છે. સૌંદર્ય રસ અને આનંદના અંગરૂપ છે. સચ્ચિદાનંદમય નિયંતાનું સત્યમ્, શિવમ્ અને સુંદરમ્-નું રૂપ છે તેમાંથી સુંદરમ્ એટલે જ સૌંદર્યમય સૃષ્ટિ. જીવનના ચાર પુરુષાર્થોમાંથી કામપુરુષાર્થ સાથે સૌંદર્યમયતા પ્રગાઢ રીતે વણાયેલી છે.
માણસનો મૂળ સ્વભાવ આનંદનો છે. એ સર્વ સ્રોતમાંથી બાહ્યાભ્યંતર આનંદનું આકલન કરી જીવનને સુંદરતમ બનાવવા ઈચ્છે છે. ઈન્દ્રિયો દ્વારા પમાતા આનંદનું વૈવિધ્ય અપાર છે, જેમાંથી દૃશ્યાનુભવ એક અગત્યનો હિસ્સો છે. માણસની સૌંદર્યપિપાસા અને સૌંદર્યમાંથી પ્રગટતી આનંદપિપાસાએ અનેક દૃશ્યરૂપોનો આકાર લીધો છે. પ્રકૃતિ અને કલા આવા આનંદસ્રોતનાં મુખ્ય વાહકો છે. કલા એટલે જ માનવ દ્વારા નિર્મિત સૌંદર્યપ્રવૃત્તિ. જગતના અપરિમિત અનુભવો, લાગણીઓ, એષણાઓ, સંઘર્ષો, વેદનાઓ, કલ્પનાઓ, સત્યો, તથ્યો, દર્શનો ઈત્યાદિને કલાકાર અનેકવિધ રીતે કલાકૃતિમાં સૌંદર્યમય રૂપ આપે છે, જે ભાવક માટે રસાસ્વાદનો વિષય બને છે.
સૌંદર્યાનુભૂતિની એક કોટિ રસ છે, જે કલાકૃતિનો સાક્ષાત્ આસ્વાદ કહેવાય છે. ભરતને આસ્વાદાત્મક્તા જ રસ નામના વિધાયક હેતુના રૂપમાં અભિપ્રેત છે. અભિનવગુપ્તના સાહિત્યિક ગુરુ ભટ્ટ તોત રસને પ્રીત્યાત્મક કહે છે; આનંદવર્ધન રસને આહ્લાદાત્મક કહે છે અને અભિનવગુપ્ત એને સાક્ષાત્ આનંદ જ કહે છે.
કલાકૃતિ દ્વારા પ્રાપ્ત થતા રસાસ્વાદને ‘બ્રહ્માનંદ સહોદર’ કહેવામાં આવે છે. કલાની ભાવસૃષ્ટિ આપણા હૃદયને ત્યારે જ સ્પર્શે છે જયારે તેમાં અભિવ્યકત કરવામાં આવેલ રતિ વગેરે ભાવો આપણા ચિત્તની સમકક્ષ હોય. કૃતિમાં અભિવ્યકત થયેલ ભાવ કલાકારના હોય છે, પણ તે જયારે સહૃદયી ભાવકના મન સાથે મેળ સાધે છે તેને સંવાદ કહેવામાં આવે છે. આવો સંવાદ સાધવામાં સક્ષમ અભિવ્યકિતને જ રસાત્મક કહેવામાં આવે છે. જે વિષય સહૃદયના અંગપ્રત્યંગમાં એકદમ ભળી જાય તેને રસ કહેવામાં આવે છે. કલાત્મક અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન ભાવો જન્માવે તે ચિત્તવૃત્તિરૂપ હોય છે. એ વૃત્તિમાં જે મુખ્ય હોય તે જ રસ કહેવાય છે.
જે રીતે કલાકારમાં સર્જન માટેની પ્રતિભાની જરૂર છે, તે જ રીતે ભાવક પાસે પણ સજજતાની અપેક્ષા રહે જ છે. રાજશેખર એને અનુક્રમે ‘કારયિત્રી’ અને ‘ભાવયિત્રી’ પ્રતિભા કહે છે. જો ભાવક કલાનાં અંગો, જીવનની વ્યાપકતા, અનુભૂતિની અસીમિતતાથી ઈત્યાદિથી અપરિચિત હોય તો તે કલાનુભવ વ્યાપક રીતે પામી શકતો નથી.
હવે સર્જનાત્મકતા વિશે વિચારીએ. સર્જન શરૂઆતમાં માત્ર ભગવાનના સંદર્ભે જ વપરાતો શબ્દ હતો, પરંતુ પાછળથી માણસના વિશિષ્ટ કર્મ માટે પણ તે વપરાતો થયો. માણસ પોતાની સ્વતંત્ર અને અલાયદી સૃષ્ટિનું નિર્માણ કરતો થયો અને સર્જકનું પદ પામતો થયો. સર્જકતા એટલે કશુંક નવું અને અપૂર્વ રચવું તે. એક અથવા અનેક વસ્તુના સંકલન કે સંયોજનમાંથી નૂતન વસ્તુ રચવી એટલે સર્જનાત્મકતા. દરેક નવી રચના લાગતી કે નવું સર્જન જણાતી ચીજવસ્તુ કે કલાકૃતિ એ વાસ્તવમાં પૂર્વની કેટલીય પ્રક્રિયા કે વસ્તુપદાર્થનું જ નવ્ય સંવર્ધિત રૂપ હોય છે. એ યાદ રહે કે કશું જ સંપૂર્ણ મૌલિક કે સાવ જ નવું સર્જન નથી હોતું. વસ્તુત: એ તો પરિવર્તિત, સંવર્ધિત, સંકલિત, મિશ્રિત કે સંયોજિત રૂપ હોય છે. માણસને તેની લાખો વર્ષોની સભ્યતા અને સંસ્કૃતિના ફળરૂપે ભાષા, વિચાર, કલ્પના, લાગણી, અભિવ્યકિત, સૌંદર્યનિર્મિતિ જેવા ગુણો સાંપડયા. આ સર્વનાં સુંદર રૂપો સર્જનના નામે ફલિત થયાં.
પરિવર્તન કે પ્રયોગ પણ સર્જનાત્મકતાની ભૂમિ બને છે. સતત કશુંક નવું, વધારે સુંદર કે ઉત્કૃષ્ટ રચવાની વૃત્તિમાંથી સર્જન પોષણ મેળવે છે. માણસ સતત સર્જનશીલ હોય છે, પરંતુ એની સર્જનાત્મકતાની સર્વોચ્ચ સિદ્ઘિ તો છે કલા. કેમકે કલા માણસને આનંદ આપે છે અને આનંદ માણસનો મૂળભૂત સ્વભાવ છે. અનુભૂતિ કે લાગણીની તીવ્રતા માણસને અભિવ્યકિત માટે ઉશ્કેરે છે અને કલ્પના તથા અભિવ્યકિતનું કૌશલ્ય એને સર્જન માટે પ્રેરે છે. માણસે પ્રાપ્ય મર્યાદિત સામગ્રીનો ઉપયોગ કરીને કલામાં અમર્યાદ પરિણામો સિદ્ઘ કર્યાં છે.
માણસ વધારે પડતો તો કલ્પનાની દુનિયામાં રહે છે. વાસ્તવની બરડતા એને નડે છે, પણ કલ્પના દ્વારા તે પોતાનું મનગમતું, અલાયદું, અનોખું, સંપૂર્ણ અને માત્ર આનંદમય જગત રચી શકે છે. આવો કલ્પનાવિહાર કલામાં શકય બને છે. જયાં તે પોતાને સર્જનહારની સમકક્ષા માની શકે છે.
માણસને સૌંદર્ય કાયમ આકર્ષે છે. સૌંદર્યતત્ત્વના મૂળભૂત અંગરૂપ પાંચ ‘સ’ ગણવામાં આવે છે : સમતુલા, સંવાદિતા, સાવયવતા, સપ્રમાણતા અને સુષ્ઠુતા. વ્યાપક રીતે સૌંદર્યનાં અંગો આ પ્રમાણે છે : સમ્માત્રા, સમતુલા, સંવાદિતા, સુસંગતતા, સમગ્રતા, લયબદ્ધતા, સપ્રમાણતા, વિરોધ, એકતા, સુવ્યવસ્થિત ક્રમ, નિશ્ચિત આકાર, ક્ષમતા, વિચિત્રતા, જટિલતા, વિશાલતા, સ્પષ્ટતા, આકાર સૂક્ષ્મતા, મસૃણતા, વર્ણદીપ્તિ, શુદ્ધતા અને સામંજસ્ય.
કલા માણસની સૌંદર્યપિપાસાની આગવી સિદ્ધિ છે. કલા અંગેની ગુજરાતી વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓ પર એક નજર નાખીએ તો-
‘‘કલા એટલે કલાવિધાયકના હૃદગત ભાવને અમુક બાહ્યેન્દ્રિય ગ્રાહ્ય ઉપાદાનમાં વ્યકત કરવો તે – ભાવનું બાહ્યેન્દ્રિય ગ્રાહ્ય પ્રગટ સ્વરૂપ. એ સ્વરૂપ એવું હોવું જોઈએ કે એ જ ભાવ તે જોનાર કે સાંભળનારમાં સંક્રાંત કરી શકે.’’ – રામનારાયણ પાઠક
‘‘કળા આનન્દ આપે છે, પણ એ આનન્દ અંગત રીતે અનુકૂળ સંવેદ્ય લાગણી નથી. આ આનન્દ તે કળાકૃતિના આકલનને નિમિત્તે આપણી ચેતના એકાગ્ર બનીને પોતાને સ્પષ્ટ રૂપે પ્રતીત કરી શકે છે તેનો આનન્દ છે, એ heightened awarenessના અનુભવનો, ચૈતન્યની સન્નદ્ધ (tautness) અવસ્થાના અનુભવનો આનન્દ છે.’’ – સુરેશ જોષી
‘‘કળા કશાની અવેજીમાં નથી, કશાનું પ્રતીક નથી, કોઈ એની બહારના રહસ્ય તરફ અંગુલિનિર્દેશ કરતી નથી. જીવનથી ભિન્ન એવો કોઈ અલૌકિક પ્રદેશ નથી. એ જીવનનો જ વિસ્તાર છે. એને ઈન્દ્રિયગોચર બનાવીને પ્રત્યક્ષતાથી સંવેદવાની છે. એમાંથી કશું કાઢવાનું નથી કે અહેવાલ આપવાનો નથી.’’ – સુરેશ જોષી
‘‘સંગીત આદિ કલાઓની આવી હૃદયવિસ્તાર કરનારી, સંસારની પારનો અનુભવ આપનારી, અને માણસને વ્યવહારની કુટિલતામાંથી મુક્ત રહી આનન્દ અનુભવવાનો માર્ગ બતાવનારી અસર હોત તો તેનો આશ્રય પ્રાચીન કાલથી જ આજપર્યન્તના વિચારવાન જનોએ કર્યો હોત નહિ.’’ – મણિલાલ દ્વિવેદી
એ જ રીતે પશ્ચિમમાંની કલાવિચારણા અને કલાકારોની પોતીકી કલાવિભાવના પર પણ એક નજર નાખીએ તો કલા વિશેનો એક ભાતીગળ ચંદરવો નજરે પડે છે :
Plato holds in the Republic and elsewhere that the arts are representational, or mimetic, sometimes translated ‘imitative’.
‘The aim of art is to represent not the outward appearance of things, but their inward significance.’
-Aristotle
Kant has a definition of art, he is for systematic reasons far less concerned with it than with aesthetic judgment. Kant defines art as ‘a kind of representation that is purposive in it self and, though without an end, nevertheless promotes the cultivation of the mental powers for sociable communication.’
‘The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality.’-T.S. Eliot
‘Painting is poetry that is seen rather than felt, and poetry is painting that is felt rather than seen.’
-Leonardo da Vinci
‘A man paints with his brains and not with his hands.’ – Michelangelo
‘Painting is the grandchild of nature. It is related to God.’
-Rembrandt
‘It is not the language of painters but the language of nature which one should listen to, the feeling for the things themselves, for reality, is more important than the feeling for pictures.’
– Vincent Van Gogh
‘Have no fear of perfection, you’ll never reach it.’
-Salvador Dali
‘Those who do not want to imitate anything, produce nothing.’-Salvador Dali
‘Art is not what you see, but what you make others see.’
-Edgar Degas
‘There is no must in art because art is free.’
-Wassily Kandinsky
‘No longer shall I paint interiors with men reading and women knitting. I will paint living people who breathe and feel and suffer and love.’
-Edvard Munch
‘Painting is just another way of keeping a diary.’
-Pablo Picasso
‘Every child is an artist. The problem is how to remain an artist once we grow up.’
-Pablo Picasso
‘We all know that Art is not truth. Art is a lie that makes us realize truth, at least the truth that is given us to understand. The artist must know the manner whereby to convince others of the truthfulness of his lies.’
-Pablo Picasso
‘As far as I am concerned, a painting speaks for itself. What is the use of giving explanations, when all is said and done? A painter has only one language.’
-Pablo Picasso
‘The world today doesn’t make sense, so why should I paint pictures that do?’-Pablo Picasso
‘There are painters who transform the sun into a yellow spot, but there are others who, thanks to their art and intelligence, transform a yellow spot into the sun.’
-Pablo Picasso
‘I don’t paint things. I only paint the difference between things.’
-Henri Matisse
‘Painting is easy when you don’t know how, but very difficult when you do.’
-Edgar Degas
‘It is a mistake for a sculptor or a painter to speak or write very often about his job. It releases tension needed for his work.’– Henry Moore
‘Great art picks up where nature ends.’
-Marc Chagall
કલાને અનેક રીતે વર્ગીકૃત કરી શકાય. જેમકે-
લલિતકલા-લલિતેતરકલા
દૃશ્યકલા-શ્રાવ્યકલા
સ્થળપરક કલા-સમયપરક કલા
ચલ કલા-અચલ કલા
લલિતકલા-લલિતેતર કલા
ચારુકલા-કારુકલા
હૅગલ અનુસાર ઉપાદાનને આધારે ક્લા પ્રકારો અને કલાના ક્રમ આ પ્રમાણે છે : સાહિત્ય, સંગીત-નૃત્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય.
ઉપાદાન એટલે કલાનિર્મિતિના મૂળ અંગરૂપ સામગ્રી. માધ્યમ, કાચી સામગ્રી, સાધન. કોઈ પણ કલાનું સાધ્ય મહત્ત્વનું હોય છે, સાધન ગૌણ હોય છે. સામગ્રીનું સુસંયોજિત રૂપ જ કલાનિર્મિતિનું અગત્યનું ઘટક છે. ઉપરોક્ત પાંચેય લલિત કલાનાં ઉપાદાન નીચે પ્રમાણે છે :
સ્થાપત્યનાં ઉપાદાન : પથ્થર, ઈંટ, ચૂનો, સિમેન્ટ, ધાતુ, કાષ્ઠ, કાચ
શિલ્પનાં ઉપાદાન : ધાતુ, પથ્થર, કાષ્ઠ, ફાઈબર ગ્લાસ, ગ્લાસ, હથોડી, ટાંકણું
ચિત્રનાં ઉપાદાન : કૅન્વાસ, પેપર, રંગ, પીંછી
સંગીતનાં ઉપાદાન : નાદ, સ્વર, તાલ
સાહિત્યનાં ઉપાદાન : શબ્દ, અર્થ
કોઈ પણ કલાકૃતિનાં મુખ્ય અંગો ચાર છે : આકાર, માધ્યમ, રચનારીતિ અને અભિવ્યક્તિ. કોઈ પણ દૃશ્યકલામાં મુખ્ય અંગો આટલાં છે : રૂપ, રેખા, રંગ, પદાર્થ, ઘનતા, છાયાપ્રકાશ, અવકાશ. દૃશ્યકલામાંથી ચિત્રકલા લંબાઈ અને પહોળાઈ એ બે પરિમાણોયુક્ત છે, જયારે શિલ્પ અને સ્થાપત્ય લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એ ત્રણ પરિમાણોયુકત હોય છે. ચિત્ર માત્ર સામેથી જોઈ શકાય, શિલ્પની આસપાસ ફરી શકાય અને સ્થાપત્યમાં તો અંદર પ્રવેશ પણ કરી શકાય છે.
હવે ભારતીય કલાવિભાવના પર દૃષ્ટિપાત કરીએ. ભારતીય કલામાં રસ અને ભાવનું આલેખન મહત્ત્વનું ગણાયું છે. એટલે જ આદર્શ પ્રતિમામાં અંગવિન્યાસની સાથે રસ અને ભાવને દર્શાવવા જરૂરી મનાયા છે. ‘દેવતામૂર્તિપ્રરણ’માં કહેવાયું છે કે નિર્વિકારી મન ઉપર ભાવની છાયા જ પ્રથમ પડે છે.
‘બૃહત્સંહિતા’માં કહેવાયું છે કે મેરુ, મંદર, કૈલાસ, વિમાનચ્છંદ, નંદન, સમુદ્ર, પદ્મ, ગરુડ, નંદિવર્ધન, કુંજર, ગુહરાજ, વૃષ, હંસ, સર્વતોભદ્ર, ઘટ, સિંહ, વૃત્ત, ચતુષ્કોણ, ષોડશાશ્રિ અને અષ્ટાશ્રિ એ વીસ દેવપ્રાસાદોનાં નામ મેં (વરાહમિહિરે) કહ્યાં છે.
‘શુક્રનીતિ’માં એમ કહ્યું છે કે શાસ્ત્રો દ્વારા કહેવાયેલ નિયમ અનુસારની પ્રતિમા જો સર્વાંગસંપૂર્ણ હોય તો પુણ્ય આપે છે અને મનોહારિણી બને છે, પરંતુ જો પ્રતિમા શાસ્ત્રોક્ત ન હોય તો નિત્ય દુઃખદાયક બને છે.
‘કામસૂત્ર’ ના પ્રથમ અધિકરણના ત્રીજા અધ્યાયમાં વાત્સ્યાયન ચોસઠ કલાઓની યાદી આપે છે તેની ટીપ્પણી કરતાં ‘જયમંગલા’ ટીકામાં યશોધર ચિત્રકલાનાં છ અંગો જણાવે છે કે રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્યયોજના, સાદૃશ્ય અને રંગયોજના એ ચિત્રકલાનાં છ અંગો છે. ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’ના ત્રીજા ખંડના એકતાલીસમા અધ્યાયના શ્લોક નવ અને દસમાં ચિત્રકલાનાં આઠ અંગો આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે : સ્થાન, પ્રમાણ, ભૂલંબ કે આધાર, માધુર્ય, વિભક્તતા, સાદૃશ્ય, ક્ષય અને વૃદ્ધિ એટલા ચિત્રના ગુણ કહ્યા છે. રેખા, વર્તના, આભૂષણ અને રંગ એટલી વસ્તુઓ ચિત્રને શોભાવનારી છે.
આ રીતે, કલા વિશે વ્યાપક વિચારણા થઈ છે. કલાનિર્મિતિનાં કેટલાંક અંગો પર પ્રકાશ પાડવાનો અત્રે નમ્ર પ્રયાસ છે.
નિસર્ગ આહીર
કવિ અને કવિતા
કલા માનવસંસ્કૃતિનું ઉચ્ચતમ અંગ છે. જીવનમાં સૌંદર્ય અને આનંદની રમણીયતા લાવનાર તત્ત્વ છે કલા અને સાહિત્યકલા એમાં સર્વોત્તમ છે. ‘શબ્દ અને અર્થનું સાયુજય એટલે સાહિત્ય’ એમ કહેવાયું છે, પણ વસ્તુતઃ સાહિત્ય એટલે શબ્દાર્થનો અનુપમ અન્વય. સાહિત્ય ગદ્ય અને પદ્યમાં અભિવ્યક્ત થાય છે. ગીત, ગઝલ, ખંડકાવ્ય, નવલકથા, નવલિકા નાટક ઈત્યાદિ એના પ્રસિદ્ધ પ્રકારો છે. સાહિત્યપ્રકારો એટલે સાહિત્યને વ્યકત થવા માટેનો ચોક્કસ આકાર કે સર્જનપિંડ.
કવિતા એટલે પદ્ય, પણ દરેક પદ્ય એટલે કવિતા નહીં. સર્જક હોવા માટેની ત્રણ પ્રાથમિક શરતો છે એમ મમ્મટ ‘કાવ્યપ્રકાશ’માં કહે છે. આ ત્રણ શરતો એટલે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ. કવિ જન્મતા હોય છે, બનતા નથી હોતા એમ પણ કહેવાયું છે. પ્રતિભાની, સતત અભ્યાસની, કાવ્યનાં તમામ અંગોની જાણકારીની, છંદોલયની, અવનવીન પ્રયોગો કરવાની કવિ પસે અપેક્ષા રહે છે. કવિ માટેની સૌ પ્રથમ જરૂરી છે સંવેદનશીલતાની અને પોતાના કથનને વધારે ને વધારે સુંદરતાથી વ્યક્ત કરવાની. જે સારો ભાવક નથી, સારો માણસ નથી, અન્ય પ્રત્યે ઋજુ નથી, સૌંદર્યનો ચાહક નથી, દૂરનું જોઈ શકતો નથી, જેની પાસે નિહિત સત્ય પામવાની શક્તિ નથી, વસ્તુપદાર્થને અનેક રીતે જોવા-મૂલવવાની સૂઝ નથી તે કવિ જ નથી.
કવિતા માટે કલા અને કસબ બન્નેની જરૂર છે. કલા એટલે સ્થૂળ-સૂક્ષ્મ જગતની આનંદ અને રસમય અભિવ્યક્તિ. આ અભિવ્યક્તિ માટે કસબની જરૂર પડે છે. કાવ્યસ્વરૂપનું જ્ઞાન અને છંદોલયની સમજ સાથે ચોક્કસ આકારમાં કવિતાને બાંધી આપવી તે કસબ કહેવાય. આ રીતે અનુભૂતિને આકારબદ્ધ કરવામાં બન્નેનું સાહચર્ય હોય છે.
કાવ્યનો આત્મા શું છે તેની શોધ અર્થે ભારતીય પરંપરામાં અનેક ધારાઓ વિકસી છે. કાવ્યના આત્મા તરીકે અલંકાર, રસ, ધ્વનિ, ઔચિત્ય, રમણીયતા, વક્રોક્તિ એવા અનેક મતો સ્થપાયા. સમગ્ર રીતે જોઈએ તો નીચે પ્રમાણેનાં અંગો કાવ્યસર્જન માટે જરૂરી છે, કેટલાંક અનિવાર્ય છે :
- કવિનું ભાવજગત અને અનુભૂતિજગત વ્યાપક અને તીવ્ર હોય તો જ ઉત્તમ કાવ્ય બને. નિરીક્ષણશક્તિ પણ તીવ્ર હોવી જોઈએ. કવિતાના વિષય તરીકે તો અમાપ શક્યતાઓ રહેલી હોય છે, પણ દરેક વસ્તુપદાર્થ કે અનુભૂતિને કાવ્યવિષય બનાવે કવિનું નિજી સંવેદન અને કર્તૃત્વ.
- છંદોલય કવિતાની પ્રમુખ શરત છે. લય સૌંદર્યની પ્રાથમિક જરૂર છે અને કવિતામાં તે અનિવાર્ય છે. કવિતા છંદમુક્ત હોય તો પણ તેમાં લયનાં અનેક સ્તરો જળવાવાં જ જોઈએ. એટલે છંદનું પાક્કું જ્ઞાન, લયની સમજ અને પ્રાસની જાણકારી હોવી જ જોઈએ. લય માટે કાન સરવા હોવા જોઈએ. યાદ રહે કે કવિતા વાંચવાની વસ્તુ નથી, એ તો કાનની કલા છે. એક અર્થમાં રસઘન, લયયુક્ત, મધુર, ટૂંકી અને મર્માળી ઉક્તિ એટલે જ કવિતા.
- ઉક્તિનું સૌંદર્ય કવિતા માટે અનિવાર્ય છે. જે કંઈ પણ વ્યક્ત કરવાનું હોય તે સુંદર રીતે, સુંદર શબ્દોમાં અને સુંદર પદાવલિમાં, રસિક રીતે, ભાવ અને શબ્દને લાડ લડાવીને કહેવાનું હોય છે. ભાવ તો રમણીય હોવો જ જોઈએ, ઉક્તિ પણ રળિયામણી હોવી જોઈએ.
- કવિ બે પ્રકારે પોતાનું કથયિત્વ વ્યક્ત કરે છે : નિજની અંગત અનુભૂતિરૂપે અને બાહ્ય પદાર્થના સંયોગે નિજી દર્શનરૂપે. આને અનુક્રમે ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ કાવ્ય કહે છે.
- યોગ્ય અલંકારો સાથે, યોગ્ય પ્રતીકો કે કલ્પનો સાથે, અને નવીન પદાવલિના રૂપે પંક્તિ આવવી જોઈએ. આ બધાં કાવ્યને ઉપકારક અંગો છે, તે સહજ અને એકરૂપ થઈને આવવાં જોઈએ. યાદ રહે કે અલંકાર, પ્રતીક, કલ્પનનો ખડકલો એ કવિતા નથી જ. એ આગંતુક કે કૃતક લાગવાં જોઈએ નહિ. ઉપકારક જ નહિ, અનિવાર્ય સામગ્રી જ કવિતાનું સૌંદર્ય બને છે.
- લાઘવ, ટૂંકાણ એ કવિતાનું પાયાનું અંગ છે. થોડામાં ઘણું કહેવું, ગાગરમાં સાગર સમાવવી કવિતામાં અનિવાર્ય છે. કવિતા બધું જ મુખર થઈને, બોલકી બનીને કહે નહિ. એમાં તો સંકેતો હોય, છૂપા રસને પામવાના ઈશારા હોય. જેટલી સૂક્ષ્મતા એટલું કાવ્ય વધારે રમણીય. બધું જ કહી દેવાનો મોહ ન રાખવો, અડધું કહીને છોડી દેવાની પણ કવિતામાં મજા હોય છે. આ પ્રકારની સૂક્ષ્મતા, સંકેતાત્મકતાને આપણી પરંપરાએ ‘ધ્વનિ’ના નામે આવકારી છે.
- કવિતાની પંક્તિ શિથિલ નહીં, પણ સઘન હોવી જોઈએ. કોઈ પણ અનુભૂતિ, દર્શન, આવેગ, ર્ઊિમ, સંવેદન ઈત્યાદિનું જો રસરૂપ અને રસઘન ઉક્તિમાં પરિણમન ન થાય તો તે કવિતા બનતી નથી.
- પદાવલિ, પદાન્વય કે શબ્દોની ગોઠવણી અને પસંદગી ખૂબ જ જરૂરી હોય છે. શબ્દો, એના પર્યાયો કે સાંર્દિભક વિશેષણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવો અને સીધી-સપાટ ઉક્તિને બદલે તેનો પદક્રમ બદલાવીને કાવ્યબાનીને નિખારવાની હોય છે.
- પ્રાસાદિકતા કવિતાનો આગવો ગુણ છે. કવિતા વાંચતાં, પાઠ કરતાં રમણીયતાનો, આહ્લાદનો અનુભવ થાય, સાથે સાથે એમાંની કમનીય રસિક એવી સમગ્ર લલિત સંવાદિતાનો અનુભવ પણ થાય એ ઈચ્છનીય છે. યાદ રહે કે કવિતા આનંદલક્ષી છે, રસલક્ષી છે. તેના પર જ્ઞાન, વિચાર ઈત્યાદિનાં ભારેખમ ભારણ ન જ લાદવાં જોઈએ. વિચાર ગંભીર હોય તો પણ રમણીય રીતે વ્યક્ત થવો જોઈએ.
- રજૂઆતનું નાવીન્ય અનિવાર્ય છે. એકના એક વિષય પર હજારો કવિતા મળે છે પણ દરેકમાં જો કથનનું નાવીન્ય ન હોય તો કવિતાનો શો અર્થ ? એટલે, કોઈ પણ કવિએ પોતાના કથયિતવ્યને આગળપાછળ, ઉપરનીચે, દૂર અને નજીક જઈને અનેક રીતે જોવું જોઈએ, તપાસવું જોઈએ, અનેક રીતે એને મૂકીને જે અનેક અર્થચ્છાયાઓ મળે તેમાંથી ઉત્તમ હોય તેને જ આખરી ઓપ આપવો જોઈએ. કવિતાને તરત જ ઉતારીને છપાવી દેવાનો મોહ નહીં રાખવો જોઈએ. કથયિતવ્યને ઘાટ આપ્યા પછી થોડું દૂર જઈને, સમયનું પણ અંતર રાખીને એને જોવી જોઈએ અને અનેક સંદર્ભમાં મૂકીને પછી જ સુધારાવધારા સાથેનો આખરી ઓપ આપવો જોઈએ. કવિતા સ્વાન્તઃ સુખાય, પોતાના આનંદ માટે છે એ સાચું છે, પણ જયારે એને અન્ય સમક્ષ પ્રસ્તુત કરીએ ત્યારે તે અન્યની મૂડી પણ બને છે. અન્યને કલાનુભવ તો જ થાય જો તેમાં કલાગત તમામ પ્રયુક્તિઓ અને માવજત થયેલાં હોય. કવિતાની પ્રસ્તુતિ એક ગંભીર બાબત છે. કાવ્યરચનાને રમત તરીકે, ‘હું તો મારા માટે લખું છું’ એવી બડાઈ સાથે વહેતી ન જ મૂકવી. જો કોઈની આવી માન્યતા હોય તો તેણે એને પ્રગટ-પ્રકાશિત ન જ કરવી જોઈએ. કાવ્યાનંદ અંગત વસ્તુ છે પણ એને ઢોલશરણાઈ સાથે રમતી મૂકવી એ તો જવાબદારીભર્યું કામ છે.
કવિતા જીવનનું સૌંદર્ય છે. અનેકના અનુભવો, લાગણીઓ, ઊર્મિઓ, તરંગો, કલ્પનાઓ, ઈચ્છાઓ, આશાઓ, સૌંદર્યો, અપેક્ષાઓને લઈને; એ સર્વનું સાધારણીકરણ કરીને કવિતા જન્મે છે. કવિતામાં આપણા વતી કોઈક વાત કરી રહ્યું છે એમ સતત લાગ્યા કરે છે. એટલે કવિના ભાવ એના અંગત ન રહેતાં ભાવકના બની જાય છે, બિનઅંગત બની જાય છે. જગતનું સ્થૂળ-સૂક્ષ્મ નિહિત કે ગોપિત સૌંદર્યને હૃદયગામી કરવાનું, રસભોગ્ય કરવાનું કામ કવિ કરતો હોવાથી એને સર્જક, દ્રષ્ટા કે ઋષિ જેવાં વિશેષણોથી વિભૂષિત કરવામાં આવેલ છે. સૂતેલા ભાવને જાગૃત કરીને ચિત્તને રસપ્લાવિત કરનાર કે ભાવવિરેચન કરનાર કવિ અને કવિતાની સૃષ્ટિ જેટલી સન્માનનીય છે તેટલી જ જવાબદારીપૂર્ણ પણ છે. કવિ કાવ્યપદાર્થને સર્વાંગ સાક્ષાત કરે, પૂરી સજજતાથી કાવ્યરચના કરે એ જ કલાસૃષ્ટિ માટે અભિપ્રેત છે.
નિસર્ગ આહીર
ગોડ ઈઝ ઈન લવ
ભારતીય સંસ્કૃતિની એક મહત્ત્વની લાક્ષણિકતા એટલે સહજનો સ્વીકાર. જીવનમાં સહજની સ્વીકૃતિ દ્વારા વિલસવું આવકાર્ય છે એટલે જ ‘સહજાનંદ’ સંજ્ઞા સાધ્ય મનાઈ છે. આ સહજને ઊર્ધ્વગામી કરી સમષ્ટિ સુધી પહોંચાડવામાં જીવનનું સાર્થક્ય છે. જીવનને એની તમામ વિવિધતા અને વિશિષ્ટતાઓ સાથે પામવા માટે જ પ્રાચીન કાળથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર આયામોને પ્રાપ્તવ્યના અર્થમાં ‘પુરુષાર્થ’ કહેલ છે. વિવિધતા, વ્યાપકતા અને સાર્વત્રિકતા ભારતીય સંસ્કૃતિની મૂળ ઓળખ છે, પરંતુ આપણી અત્યારની સ્થિતિ દયનીય છે. આપણે અન્ય દ્વારા અપાયેલી પારકી ઓળખને કારણે વૈયક્તિક વિવિધતાને બદલે સાર્વત્રિક એકતા સિદ્ધ કરવા માગીએ છીએ, વ્યાપકતાને બદલે સંકુચિતતાને અપનાવી રહ્યા છીએ. આને કારણે જ દંભ ભરપૂર પૂજાય છે અને સહજ વૈયક્તિકતા ઘોર તિરસ્કારનો ભોગ બને છે. આપણી આ માનસિકતા એમ. એફ. હુસેન સાથેના વ્યવહારમાં પ્રગટ થઈ. જગપ્રસિદ્ધ એ દિવંગત ચિત્રકાર વિવાદો સર્જતા રહેતા એ એની વૈયક્તિક વિશિષ્ટતા હતી, પણ આપણે એને માફ ન કરી શક્યા એ આપણી સંકુચિતતા છે. સર્જકતાથી છલકાતા આ કલાકાર ભારતની, માતૃભૂમિની ઝંખના કરતા કરતા વિદેશમાં મરણ પામ્યા. એણે ભારતીય પૂજ્ય દેવદેવીઓને નગ્નરૂપમાં ચિત્રિત કર્યાં ને આપણી ભાવનાને ઠેસ પહોંચાડી, પણ આપણે એની કલાકાર તરીકેની વૈયક્તિક વિશિષ્ટતાને કેમ માફ ન કરી શકયા? ‘ભારતીય સંસ્કૃતિ’ની ‘રક્ષા’ કરનારા ઠેકેદારો ભારતીય સંસ્કૃતિને એક અંશ જેટલી પણ જાણે છે ખરા?
છેલ્લી કેટલીય સદીઓથી આપણે ભારતીયતાને એકાંગી બનાવી દીધી છે. એટલે જ ગાંધીજી જેવા મહાપુરુષે પણ ખજુરાહોનાં શિલ્પને વિકૃત કરી દેવાની વાત કરી હતી. ભારતીયતાને સમગ્રતામાં જાણ્યા વિના આ પ્રકારની ચેષ્ટા કરવી એ તો ખુદ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવા સમાન છે. માત્ર નગ્નતા, કામુકતાને જ જો આપણે માપદંડ માનીશું તો આપણે જેને પરમ પવિત્ર ગ્રંથ કહીએ છીએ એવા ઋગ્વેદમાં યમ અને યમીના કામુક સંવાદ છે એનું શું સમાધાન શોધીશું? ઈન્દ્ર અને ઈન્દ્રાણીના અત્યંત કામુક સંવાદો છે તેનું શું? વેદાંતમાં આજના જમાના પ્રમાણે અશ્વમેધ યજ્ઞનો અત્યંત ‘વિકૃત’ લાગતો વિધિ છે તેનું શું? બ્રહ્મા પોતાની જ પુત્રીમાં આસક્ત થયા હતા ! શિવ ભીલડીમાં મોહિત થયા હતા ! વ્યાસજી ક્ષણિક કામાવેગનું સંતાન છે ! ઈન્દ્ર અહલ્યાને ભ્રષ્ટ કરી આખા શરીર પર યોનિ ફૂટી નીકળવાનો શાપ પામ્યો હતો ! પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર નિયોગપદ્ધતિ દ્વારા, એટલે કે અન્ય પુરુષ દ્વારા જનમ્યા હતા. પાંડવો પણ કુંતીના દેવો સાથેના નિયોગથી જન્મ પામ્યા હતા !
જો આપણે ‘કામુકતા’ કે ‘નગ્નતા’નો એક જ મુદ્દો લઈને જડ વલણ અપનાવીશું તો ભારતીય કલાકૃતિઓનો સાગમટે વિરોધ કરવાનો આવશે. કાલિદાસની ‘કુમારસંભવમ’ કૃતિ, જયદેવની ‘ગીતગોવિંદ’ કૃતિ, સુરદાસની ‘સુરસાગાર’ કૃતિ, નરસિંહનાં પદો, કૃષ્ણ વિશેનાં વિદ્યાપતિ, ચંડીદાસ, બિહારી અને અનેક કવિઓનાં પ્રેમલક્ષણાભક્તિનાં પદો, ‘શ્રીમદ ભાગવત’માંની ગોપીકૃષ્ણકેલિ ઈત્યાદિનું શું? આવી સાહિત્યકૃતિઓની સાથે સાથે ખજુરાહો, ભુવનેશ્વર, કોણાર્ક, મોઢેરા ઈત્યાદિનાં મંદિરો અને અજંતાથી માંડીને રાજપૂતકલાનાં લઘુચિત્રો ઈત્યાદિને આપણી એકાંગી અદાલતના પાંજરામાં ઊભાં કરી ગુનેગાર ઠેરવવાં પડશે. આ બધાંનો વિરોધ કરશો પછી ‘ભારતીય’પણાનો ગર્વ લઈ શકાશે ખરો?
દંભી, કૂપમંડુક અને કટ્ટરવાદી લોકોએ સમજી લેવાની જરૂર છે કે સહજના સૌંદર્યનું આપણે ત્યાં જેટલું મુક્ત રીતે આલેખન થયું છે તેવું તો વિશ્વમાં ક્યાંય થયું નથી. ‘ગીતા’ અધ્યાત્મની ટોચ પર છે, ‘અર્થશાસ્ત્ર’ રાજનીતિનું ભવ્યોજ્જ્વલ શિખર છે, ‘નાટ્યશાસ્ત્ર’ દૃશ્યક્લાનું ચરમ પદ છે, તેમ ‘કામસૂત્ર’ જીવનરસનું ઉન્નત સોપાન છે. આવા સર્વ આયામો વડે સંયુક્તરૂપે ‘ભારતીયતા’ રચાય છે, એક કે બે અંગોને આધારે નહિ જ. વર્તમાનમાં ભારતમાં ‘ભારતીયતા’ વિશે ન વિચારનારા કે ન જાણનારા લોકોની બોલબાલા છે એ પણ ભારતીયતાની કમનસીબી છે.
ભારતમાં એક આખો એવો વર્ગ ઊભો થયો છે જે એક જ આંખથી જોવા ટેવાયેલો છે. એમને બધું જ ધર્મમય, નીતિમય, પવિત્ર, વૈરાગી, રસહીન જ જોવું ગમે છે. એમનો ધર્મ અને સંસ્કૃતિ વિશેનો ખ્યાલ ભ્રામક, અધુરો અને ઉપરછલ્લો છે. કહેવાતા ધર્મપુરુષો પાસેથી એમણે આ બધું ઉછીનું લીધું છે. આવા ધર્મપુરુષો અત્યંત વામણા અને ગેરમાર્ગે દોરનારા છે. ભારતીય સંસ્કૃતિનો એમનો સર્વાંગી અભ્યાસ તો નથી હોતો પણ એકાંગી હોય તોય સારું, એમ કહેવાની સ્થિતિ પ્રવર્તે છે. આવા દંભી ‘ધર્મપુરુષો’ જ લોકોને ખૂબ પ્રભાવિત કરે છે અને મૂળ સંદર્ભોને વિકૃત રૂપે રજૂ કરે છે. એમનું ગજું જ નથી ભારતીયતાને સંપૂર્ણપણે સમજવાનું અને સમજાવવાનું. એટલે જ તેઓ પૂર્ણપુરુષોત્તમ ગણાયેલા કૃષ્ણની ‘ગીતા’નો તો સ્વીકાર કરે છે, પણ રાસલીલાનું આધ્યાત્મિક અર્થઘટન કરે છે !! અરે, મૂર્ખ માણસો ! કૃષ્ણના કૃષ્ણત્વના પાયામાં રસ અને રાસ છે. એ જો ન હોત તો તે માત્ર યોગી બનીને રહી જાત, પૂર્ણપુરુષોત્તમ ન જ બનત. એનું નૃત્ય, વાંસળી, નિરતિશય પ્રેમ, સખ્ય, પ્રકૃતિ સાથેની સંવાદિતા જેવાં અદભુતરસિક પાસાંઓનો દ્રોહ શા માટે કરો છો? ‘ગીતગોવિંદ’ કે ખજુરાહોનાં શિલ્પોમાં પ્રતીકાત્મકતા, રૂપકો ઇત્યાદિની શોધ ન કરો. ભારતીય જીવનની જેમ એ પણ સહજ, સ્વાભાવિક સૌંદર્યનાં રૂપો છે. માત્ર ‘નીતિમયતા’ની નજરથી જોનારા લોકોના આવા આધ્યામિક અર્થ કાઢવાના, પ્રતીકો શોધવાના તમામ ઉધામાઓ આરોપિત છે, બેહુદા છે અને ભારતીયતા સાથે જરાય સુસંગત નથી. આવી હનનપ્રવૃત્તિ જેટલા અંશે અટકે તેટલા અંશે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન થશે.
આ સમજના સંદર્ભે ઇશ્વરનાં રમ્યલલિત રૂપો જોવાં રસપ્રદ નીવડશે. જેને કામુકતા અને ‘ઉઘાડાપણા’ની આભડછેટ લાગતી હોય તેમના માટે ખાસ સૂચના : તમારા માટે આ વિષય અસ્પૃશ્ય છે, માટે તમારી આંખને અડકવા દેશો નહિ.
ભગવાન પ્રેમમય હોય તો પ્રેમરત શા માટે ન હોઈ શકે? જે સ્વયં પ્રેમ હોય તે જ અન્યને પ્રેમ આપી શકે. પોતાના ભક્તો માટે વારંવાર દોડી જતા, આશીર્વાદ આપતા ભગવાનને શુષ્ક યોગી માની લેવા એ ભૂલ છે. યોગી તો વૈરાગી હોય, રાગી ન હોય. જે રાગી હોય તેને જ બીજા માટે રાગ જન્મે, જેમાં મમતા હોય તેને જ ભક્તોમાં ‘મારાપણા’નો ભાવ જાગે. ભગવાનમાં ઐશ્વર્ય હોય છે. આ ઐશ્વર્ય એટલે જ જીવનરસની અધિકતા અને અસીમતા. ભગવાનના આ ઐશ્વર્યને પ્રગટ કરતા ગ્રંથો કે સાહિત્યકૃતિઓમાં એના અનેક આયામોની સાથે સાથે રસિકતાનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે, જે સહજ સ્વાભાવિક છે. સાહિત્યની પરિભાષામાં આવા નિરૂપણને આપણે શૃંગાર કહીએ છીએ. પછીથી ચિત્રકારો અને શિલ્પીઓએ શૃંગારને દૃશ્ય રૂપ પણ આપેલ છે. ઈશ્વરની સમગ્રતા કે ઐશ્વર્યને સમજવા માટે એમનું આ રાગીપણું પણ સમજવું પડશે. એને સહજ રૂપે જ જોવું રહ્યું, કોઈ બાહ્ય કે આરોપિત અન્ય ઉપકરણોથી એને ન જ પમાય. ધર્મગ્રંથો, સાહિત્યકૃતિઓ, કલાકૃતિઓમાં ઇશ્વરનું જે પ્રેમમય રૂપ પ્રગટે છે તે ભારતીય સંસ્કૃતિની સાર્વત્રિકતા અને સમ્યક્તા સૂચવે છે. રસિક અને સુજ્ઞ ભાવકોએ એને એની સમગ્રતામાં જ જોવાં જોઈએ.
કામ જીવનનું પરમ ચાલક બળ છે. તેનો સહજ સ્વીકાર કરીને જ જીવનના એક અંગભૂત પ્રાપ્તવ્ય તરીકે તેનું મહત્ત્વ કરવામાં આવ્યું છે. યાદ રહે કે ‘કામ’ દેવ છે, દાનવ નહિ. ‘ગીતા’માં કૃષ્ણ પણ કહે છે કે ‘ધર્મથી વિરુદ્ધ ન હોય તેવો કામ હું છું’ (7.11) અને ‘પ્રજા ઉત્પન્ન કરનાર કામદેવ હું છું’ (10.28).
આપણે જેને અત્યંત પવિત્ર કહીએ છીએ એવા વેદોમાં કે વૈદિક સાહિત્યમાં કામ વિશે કેવું મુક્ત અને સહજ વલણ હતું તેનાં થોડાંક દૃષ્ટાંતો જોવાં રસપ્રદ નિવડશે. ‘ઋગ્વેદ’ના દસમા મંડલના 86મા સૂક્તમાં ઈંદ્ર અને ઈંદ્રાણીના સંવાદમાં ઈંદ્રાણી કહે છે કે ‘હે ઈંદ્ર, એ પુરુષ સંભોગ કરવા સમર્થ નથી થઈ શકતો જેનું લિંગ બન્ને જંઘા વચ્ચે ઝૂકેલું રહે છે. એ જ સમર્થ થઈ શકે છે જેના બેસવાથી કેશાચ્છાદિત લિંગ તણાઈને ફેલાઈ જાય છે.’ એ જ પ્રમાણે દસમા મંડલમાં યમ અને યમી એ ભાઈબહેનનો સંવાદ આવે છે તેમાં યમી યમને પોતાની સાથે સંભોગ કરવાનું કહેતાં આ પ્રમાણે કહે છે : ‘એ કેવો ભાઈ છે, જેના હોવા છતાં બહેન પતિ વગરની અનાથ થઈ જાય અને એ બહેન શું કામની, જેના હોવા છતાં ભાઈ સાંસારિક સુખ વિના દુ:ખી થાય? હું સંભોગની ઈચ્છાથી મૂર્છિત થઈને આવી વાત કરી રહી છું એમ વિચારીને તું મારી સાથે સંભોગ કર’
ભારતીય સંસ્કૃતિમાં અશ્વમેધ યજ્ઞનું ખૂબ મહત્ત્વ છે. ‘શતપથબ્રાહ્મણ’ અને ‘શુક્લયજુર્વેદસંહિતા’માં તેનો અટપટો અને વિચિત્ર લાગે તેવો વિધિ નિરૂપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ‘શુક્લયજુર્વેદસંહિતા’માં યજમાન અશ્વનું અભિમંત્રણ કરતાં એમ કહે છે કે ‘એ અશ્વ, ઊંચી કરેલી સાથળવાળી આ મહિષી (રાજાની મુખ્ય રાણી)ની ગુદા ઉપરના ભાગ એવી યોનિમાં લિંગ સંચાર કરીને વીર્યનું આધાન કર, જે ગર્ભાધાન સ્ત્રીઓના જીવનરૂપ અને ભોજનરૂપ છે, એટલે કે તેનાથી સ્ત્રીઓ જીવે છે અને ભોગ ભોગવે છે.’
આ રીતે વેદો અને વેદાંતમાં ધર્મ અને અર્થ સાથે કામતત્ત્વનું મુક્તપણે નિરૂપણ થયું છે પણ વિસ્તારભયે એને અહીં મૂકતો નથી. કહેવાનો આશય એટલો જ છે કે આપણે આજે જેટલા સંકુચિત અને દંભી છીએ એટલી દાંભિકતા કે સંકુચિતતા ભારતીય સંસ્કૃતિમાં નથી જ. આટલી ભૂમિકા પછી ભગવાનના પ્રેમમય રૂપની અભિવ્યક્તિને માણવી ગમશે. ભગવાનના આ સહજ વિલાસને આ જ અર્થમાં ‘લીલા’ કહે છે.
‘શ્રીમદ ભાગવત’ના દસમા સ્કંધના 33મા અધ્યાયના 18મા શ્લોકમાં આ પ્રમાણેનું નિરૂપણ છે : ભગવાનના અંગોનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને ગોપીઓની ઈંદ્રિયો પ્રેમ અને આનંદથી વિહ્વળ બની ગઈ. એના કેશ વિખરાઈ ગયા, ફૂલોના હાર તુટી ગયા અને આભૂષણ અસ્તવ્યસ્ત થઈ ગયાં. તેઓ પોતાના કેશ, વસ્ત્ર અને કંચૂકીને પણ સંભાળવામાં અસમર્થ બની ગઈ.
જયદેવની ‘ગીતગોવિંદ’ કૃતિના બારમા સર્ગમાં રતિક્રીડા કર્યા પછી કૃષ્ણ અને રાધાનું મનોરમ ચિત્ર આ પ્રમાણે રજૂ થયું છે : પોતાના ચિત્તને પ્રફુલ્લિત કરનાર શ્રીકૃષ્ણની સાથે ક્રીડા કરતી, પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણના ગાલ અને અન્ય કોમલ અંગોને સ્પર્શતી, થિરકતી રાધા શ્રીકૃષ્ણને સંબોધીને બોલી ‘હે પ્રિયતમ યદુનંદન, ચંદનથી પણ મને અધિક શીતલ લાગતા તમારા હાથથી કામદેવના મંગલ કલશ બનેલ મારાં સ્તનો પર કસ્તુરીનો ચિત્રમય લેપ લગાવી આપો.’
શ્રીકૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ હોવાથી એની પ્રેમલીલા અનેક ભક્તોએ અને કવિઓએ મુક્ત રીતે ગાઈ છે. બિહારી, ચંડીદાસ, સૂરદાસ, વિદ્યાપતિ, કેશવદાસ જેવાં અનેક નામો આપી શકાય. આપણે જેને ‘ભક્ત નરસૈંયો’ કહીએ છીએ એ નરસિંહ મહેતાએ કેટલાંય શૃંગારિક પદો લખ્યાં છે. ઉદારણરૂપે કેટલાંક જોઈએ :
‘પ્રેમદા સાથે પ્રેમ-શું પિયુડો અતિ રંગે રમે,
અધર ડસી, કર કુચ ગ્રહી કૃષ્ણજી કંદર્પને દમે.’
‘હું હતી જોવન-સમે, કુચફળ પિયુડા જોગ,
કોમળ કર લઈ સોંપિયાં કરવાને રસભોગ;
અમૃતફળ લેઈ અરપિયું મેં પિયુના મુખ માંહે,
રસ પી રસિયો પાય મુજને, આનંદ પામી તાંહે;
કંઠ ઘાલી બાહોડી ચુંબન દિયે રે કપોલ,
સંગમનાં સુખ શાં કહું? કરતી હું કામકલ્લોલ.’
‘પેર પ્રીછી, પાતળિયા ! તારી નયણ કેરા ચાળે રે,
હું એકલડી મારગ માંહે, ઉર પર શું નિહાળે રે?
પીન પયોધર ગ્રહેતાં, વહાલા ! નારંગડે નખ લાગે રે,
નણદી મારી ખરી અદેખી, સાચો ઉત્તર માગે રે;
આલિંગન તો આપું, મારા વહાલા ! જો અમ-શું અંતર ટાળો રે,
નરસૈંના સ્વામી ! મારા ઉર પર નિશદિન આવી મહાલો રે.’
‘આલિંગન એણી પેરે દીજે, અસ્થિર યૌવનનો લાહો રે લીજે,
નયણ નયણ પર, અધર અધર પર, કુચ ઉપર કુચ દીજે;
ક્ષણ-અધક્ષણ એવો ભાવ ધરીજે, તો મારું મન રીઝે,
રસભરી સેજે પધાર્યા કામી, ભક્તવત્સલ મળ્યા નરસૈંચા સ્વામી.’
‘બળિયા ! બળ કાં કરીને રહ્યો રે? કુચફળ છે નાનાં રે,
અધર ડંક દીધા અતિ સબળા, તે ક્યમ રાખું છાના રે?’
‘આજ, સખી ! મારી સેજે સૂતા, સુરત તણાં સુખ દીધાં રે,
પિયુડે મારે પ્રેમ જણાવ્યો, નાના લાડ તે કીધાં રે;
ચોળી ઉતારીને ચીર છંડાવ્યાં, રુદયા ભીતર ભીડી રે,
અધર દશન-ડંક દેઈને વહાલે કઠિણ પયોધર પીડી રે;
રયણી જગાડયાં ને રંગે રમાડયાં, કોકકલા શિખાવ્યાં રે,
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, નારીપણું ભલે પમાડયાં રે.’
કાલિદાસ ‘કુમારસંભવમ’માં આઠમા સર્ગમાં શિવ અને પાર્વતીની સુરતક્રીડાનું વર્ણન કરે છે. કાલિદાસ યોગીઓના પણ યોગી શિવનું સુંદર શબ્દચિત્ર આપે છે : તે ક્ષણે, ઊરુમૂલ પર પડેલા નખક્ષતની હારમાળાથી હરાયેલા નેત્રવાળા શંકરે ઢીલા પડેલા વસ્ત્રને બાંધતી પ્રિયતમા પાર્વતીને રોકી.
ભવભૂતિ ‘ઉત્તરરામચરિત’ના પ્રથમ અંકમાં રામના મુખમાં સીતા સાથેની પ્રણયચેષ્ટાને આ રીતે મૂકે છે : અત્યંત અનુરાગને કારણે પરસ્પર ગાલ પર ગાલ રાખીને, કોઈ પણ અર્થ વગરનું ધીમે ધીમે બોલતાં, એકબીજાના ગાઢ આલિંગનમાં બદ્ધ, વીતેલા કાળની ખબર વિના જ આપણી રાતો વીતી જતી હતી.
એ જ પ્રમાણે કાલિદાસ ‘રઘુવંશ’માં રામ અને સીતાના પ્રેમાસક્ત સંબંધને તેરમા સર્ગમાં કલાત્મક રીતે વર્ણવે છે. રામ સીતાને કહે છે : હે સુલોચને ! સમુદ્રતટનો વાયુ તારા મુખ પર કેવડાની પરાગરજ છાંટી રહ્યો છે. જાણે કે તે જાણી ગયો છે કે હું તારા હોઠને હમણાં જ ચુમવાનો છું અને હવે વધારે શૃંગારની રાહ જોવાનો નથી.
એ જ સર્ગમાં સીતાના વિરહમાં ત્રસ્ત રામની દશાને કાલિદાસ સુપેરે અભિવ્યક્ત કરે છે : તારા વિયોગમાં હું એટલો પાગલ થઈ ગયો હતો કે એક દિવસે સ્તન સમાન પુષ્પગુચ્છવાળી પાતળી અશોકલતાને મેં એમ માનીને આલિંગન આપવાનું વિચાર્યું કે એ તું જ છે. જેવો હું એને આલિંગન આપવા ગયો તો મારા આ પાગલપણાને જોનાર લક્ષ્મણે રોતાં રોતાં મને ત્યાંથી પાછો વાળ્યો.
ચૌદમા સર્ગમાં પણ રામ અને સીતાના અનુરાગને કાલિદાસ આ રીતે નિરૂપે છે : જ્યારે રામને પૂર્ણ ખાતરી થઈ કે સીતા ગર્ભવતી છે ત્યારે તે કોમલ અને શ્યામ સ્તનાગ્રવાળી શર્મીલી સીતાને એકાંતમાં પોતાના ખોળામાં બેસાડીને રામે પૂછયું કે મને કહે કે તારે શું શું જોઈએ છે?
બુદ્ધ ભગવાનને વજ્રયાન પ્રણાલિકા પ્રમાણે તેની શક્તિ સાથે પ્રેમરત હોય તે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. આ રીતે ભગવાનનું પરમ પ્રેમમય રૂપ આપણી સમક્ષ ઊભરી આવે છે. ભગવાનના આવા રસમય, પ્રેમમય રૂપને ચિત્રકારો અને શિલ્પીઓએ આલેખ્યું છે તે પણ માણવા જેવું છે. તેમાં ભગવાનની પ્રેમલીલાનાં અનેક દૃશ્યરૂપો વિલસી રહે છે. આ સર્વનો ઉદ્દેશ આટલો : ભારતીય સંસ્કૃતિને સમગ્રતામાં સમજતા થઈએ અને સંકુચિત કે એકાંગી ન થઈએ. જેટલું મહત્ત્વ ધર્મ, અર્થ અને મોક્ષનું કરીએ છીએ એટલું જ મહત્ત્વ સમ્યકપણે કામનું પણ કરીએ. કેમકે ભગવાન આનંદમય છે, સહજ છે અને રસરૂપ છે. ઉપનિષદ કહે છે કે પરમ તત્ત્વ રસમય છે : રસો વૈ સ:
નિસર્ગ આહીર
ભાવકલક્ષી સજજતા
કલાપક્ષે જેટલું મહત્ત્વ સર્જનનું છે, તેટલું જ ભાવનનું પણ છે. સર્જન-ભાવન-વિવેચનની પ્રક્રિયા દ્વારા સર્જનનું વર્તુળ સંપૂર્ણ બને છે. સર્જક સર્જના માટે સજજ હોવો જ જોઈએ એવી અપેક્ષા રહે છે, તેમ ભાવક પણ ભાવન માટે સજજ હોવો જોઈએ એમ માનવામાં આવે છે. સર્જક અને વિવેચકની પણ પ્રાથમિક શરત એ છે કે તેઓ સારા ભાવક તો હોવા જ જોઈએ. ભાવકલક્ષી આવી સજજતાનું મહત્ત્વ ભારતીય પરંપરામાં ખૂબ થયું છે. રાજશેખર આ જ અર્થમાં ‘કારયિત્રી’ અને ‘ભાવયિત્રી’ પ્રતિભાને આગળ ધરે છે. ‘કારયિત્રી’ પ્રતિભા એટલે સર્જન કરી શકવાની ક્ષમતા અને ‘ભાવયિત્રી’ એટલે ભાવન કરવાની પ્રતિભા કે શક્તિ.
આપણે ત્યાં સર્જનપક્ષે અને ભાવનપક્ષે, ઉભય પક્ષે ભાવકને ખાસ્સો અગવણવામાં આવ્યો છે. સર્જકો સર્જના કર્યે જાય છે અને ભાવકો એનું યથામતિ ભાવન કરે છે અથવા તો નથી કરતા. આવી ખાઈ હોવાને કારણે સર્જન અને ભાવનનો સેતુ રચાતો નથી અને સર્જનનો જે હેતુ છે તે સંપૂર્ણતઃ સિદ્ધ થતો નથી. પરિણામ એ આવ્યું છે કે સરેરાશ ભાવક સાહિત્યિક કે કલાકીય ધોરણોથી, ઉત્તમ કલાસિદ્ધિથી દૂર ગયો છે. કોઈ પણ ઊચ્ચ કે ગંભીર કલાપ્રવૃત્તિથી એ એમ માનીને દૂર રહે છે કે એ બધું આપણા માટે નથી. ભાવનની કોઈ જ તાલીમ, પ્રશિક્ષણ કે માર્ગર્દિશકા ઉપલબ્ધ ન હોવાને કારણે સાંપ્રત સમયમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ ઈત્યાદિ કલાપ્રવૃત્તિથી એક મોટો સામાજિક વર્ગ ખાસ્સો દૂર થઈ ગયો છે. એમાંથી જ એક મિડિયોકર વર્ગ ઊભો થયો, જે પોપ્યુલર પ્રયાસોને કલાપ્રવૃત્તિ માનીને ચાલે છે. એમાંથી જ ‘લોકપ્રિય’ વિશેષણ બળવત્તર બનતું ગયું છે અને ઊચ્ચ કલાપ્રવૃત્તિને માઠું પરિણામ વેઠવાનું આવ્યું છે. સાંપ્રતનું આ સમગ્ર ચિત્ર આપણી સંસ્કૃતિ માટે વિઘાતક છે; એની ચિંતા કરવી જ રહી. લોકોનાં રસ અને રુચિ કેળવાય, વિકસાવાય એ જરૂરી છે. આ એક ગંભીર પ્રકારની સમસ્યા છે. એનો ઈલાજ નહિ વિચારવામાં આવે તો આવનારા દિવસોમાં સાંસ્કૃતિક કટોકટી ઊભી થશે જ. આ સૂક્ષ્મ પ્રકારનો રોગ છે અને એનાં માઠાં પરિણામો લાંબે ગાળે અનુભવાતાં હોય છે. ભલે ઝટ નજરે ન ચડે, કોઈ એના પર ધ્યાન ન આપે, પણ એની અસર ખૂબ જ તીવ્ર હોય છે અને ઘાતક હોય છે એ કોઈ પણ મૂલ્યગ્રાહી માણસને સમજાય તેવી ચિંતનીય બાબત છે.
ભાવનશક્તિ કેળવી શકાય છે. સાહિત્યના ભાવન માટે શું અનિવાર્ય છે કે શું ઈચ્છનીય છે તે વિશે થોડાંક ઈંગિતો રજૂ કરવાનો અત્રે નમ્ર પ્રયાસ છે. ભાવક પાસે કયાં કયાં પાસાંની અપેક્ષા રહે છે તેના વિશે સર્વગ્રાહી વાત કરવાની ઈચ્છા છે.
ભાવકની પહેલી શરત એ છે કે તેનું ભાવવિશ્વ વ્યાપક હોવું જોઈએ. ઉંમરની સાથે સાથે એની ભાવજગતની ત્રિજયા પણ વિકસેલી હોવી જોઈએ. બાહ્ય સૃષ્ટિના પરિચયની સાથે સાથે અનુભૂતિ, સંવેદના, ઊર્મિ, આવેગો ઈત્યાદિથી સમૃદ્ધ થયેલી આંતરિક સૃષ્ટિ ભાવક માટે અનિવાર્ય છે. આમાંથી કેટલીક બાબતો કુદરતી છે, કેટલીક વિકસાવી શકાય છે. જો જીવન વિશેની સૂક્ષ્મ અને સંકુલ સૃષ્ટિનો પરિચય નહિ હોય તો સર્જનનું ગોપનીય સૌંદર્ય હાથ નહિ લાગે. પ્રત્યક્ષ અનુભવ દ્વારા, વાંચન દ્વારા કે જગતના અવલોકન દ્વારા આપણે આપણા આંતરિક જગતને સમૃદ્ધ કરી શકીએ છીએ. પ્રાથમિક શરત એ છે કે આપણે આપણી બહારના જગતને વધારેમાં વધારે સમજવા પ્રયત્ન કરીએ કે એને માણવા પ્રયત્ન કરીએ. આપણે આપણા માટે તેમજ બહારના જગત માટે જેમ બને તેમ સંવેદનશીલ રહીએ. બધા અનુભવો કરવા જેવા નથી હોતા, પણ સમાજમાં જે કંઈ સારુંનરસું બની રહ્યું હોય તેને સમજીને તેમાંથી નવનીત ગ્રહણ કરવું જોઈએ.
ભાવજગતને સમૃદ્ધ કરવાનો એક અગત્યનો ઉપાય એ છે કે અનેક કલાઓના પરિચયમાં આવવું, તેને માણવી, અધ્યયન કરવું, મનન કરવું. જેમ જેમ અધ્યયન અને મનન વધતું જશે તેમ તેમ અનેક નવી નવી બાબતોથી પરિચિત થવાશે અને જે વિવિધતા કે વ્યાપકતા છે એનો ખ્યાલ આવશે. સાહિત્યની બાબતમાં એમ કહી શકાય કે અનેક દેશની, અનેક ભાષાની, અનેક સ્વરૂપની અને સમયના પ્રાચીન-મધ્યકાલીન-અર્વાચીન-સાંપ્રત એવી વૈવિધ્યયુક્ત કૃતિઓનું સધન વાચન કરવું. વાંચનની વ્યાપકતામાંથી પણ ભાવવિશ્વ સમૃદ્ધ થતું રહેતું હોય છે. આપણી ચેતના એવી તો અદ્ભુત વસ્તુ છે કે આપોઆપ જ આપણા ચિત્તને સમૃદ્ધ કરતી રહે છે અને બુદ્ધિશક્તિ જાતે જ પોતાનાં ધોરણો રચીને સજજ થતી રહે છે. તો, સતત અને શ્રેષ્ઠ વાચન ભાવવિશ્વને સમૃદ્ધ કરે છે અને સાહિત્યની સમજ સૂક્ષ્મ બનાવે છે.
ભાવકે એક ગુણ એ કેળવવાનો છે કે એણે કોઈ પણ કૃતિ પાસે જવા પૂર્વે કોઈ જ અપેક્ષા કે પૂર્વગ્રહો રાખવાના નથી. અપેક્ષા હોય તો માત્ર એટલી જ કે કૃતિ માણવી ગમે. પણ વિષય, પાત્રો, રજૂઆત ઈત્યાદિના નાવીન્ય, વૈવિધ્ય, શૈલી પ્રત્યે મુક્ત રહેવું જોઈએ. પૂર્વગ્રહયુક્ત ભાવન વસ્તુતઃ ભાવન જ નથી. કૃતિનું વિવેચન થઈ શકે, પોતાના મન મુજબનું આરોપણ ન જ થઈ શકે.
સાહિત્યકૃતિની સૂક્ષ્મતા, વૈવિધ્ય કે રચનારીતિ સમજવા માટે કૃતિનું સઘન વાચન થવું જોઈએ. નિરાંતની પળોમાં, મનને એકાગ્ર કરીને વાંચીએ તો જ સૂક્ષ્મ રસકેન્દ્રો પામી શકાય કે કૃતિની સમગ્રતા માણી શકાય.
ભાવકે સાહિત્યની રચનાપ્રક્રિયા, સ્વરૂપ, સાહિત્યિક સંજ્ઞાઓ, સાંપ્રત ગતિવિધિ, રચનાપ્રવાહો વગેરેથી પરિચિત થવું જરૂરી છે. સાહિત્યની પ્રાથમિક સમજ માટે પરિભાષાની સમજ હોવી જરૂરી છે. એટલે કે સાહિત્યનું સ્વરૂપ, રચનાવિધાન, સંકલના, ભાષા, શૈલી, વર્ણન, છંદોલય, અલંકાર, રચનાપ્રયુક્તિઓ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, સંવાદ, ચરિત્રનિર્માણ ઈત્યાદિ જેવી સંજ્ઞાઓની પ્રાથમિક સમજ હશે તો સાહિત્યકૃતિનાં અનેક અંગોને સમજવામાં ખાસ મદદ મળશે. અહીં આવી પરિભાષાનાં મુખ્ય અંગો વિશે પ્રાથમિક સમજ આપવાનો નમ્ર પ્રયાસ કરું છું કે જેનાથી ભાવક સાહિત્યપદાર્થને વધારે સારી રીતે સમજી શકે :
‘સ્વરૂપ’ એટલે સાહિત્યકૃતિ જે આકારમાં જન્મ લે તે. નવલકથા, નાટક, ગીત ઈત્યાદિ સાહિત્યનાં સ્વરૂપો છે. સાહિત્યકાર પોતાના કથયિત્વ પ્રમાણે કોઈ એક સ્વરૂપને પસંદ કરી કૃતિ રચતો હોય છે. ‘વિષય’ એટલે કૃતિ દ્વારા રજૂ કરવામાં આવતી બાબત. જેના વિશે રચના થઈ હોય તેને કૃતિનો વિષય કહેવાય છે. ‘સંવિધાનકલા’ એટલે સર્જકે કહેવા ધારેલ વિષયની ગૂંથણી કે ભાત કે નિરૂપણની રીતિ. ‘પાત્ર’ એટલે જેના દ્વારા વિષય રજૂ થાય તે તમામ જીવસૃષ્ટિ. ‘ભાષાશૈલી’ એટલે સર્જકે પસંદ કરેલ ભાષા, શબ્દો, વાક્યરચના, કથનરીતિ ઈત્યાદિની વિશેષ રીત કે પદ્ધતિ. ‘વર્ણન’ એટલે વ્યક્તિ, પાત્ર, પ્રસંગ ઈત્યાદિની આપણને પ્રતીતિકર બને એવી ચિત્રાત્મક રજૂઆત. ‘છંદોલય’ એટલે કવિતામાં નિશ્ચિત માપ કે ભાવના આરોહ-અવરોહની ચોક્કસ પ્રકારની ગોઠવણી અને આવર્તનો. ‘અલંકાર’ એટલે શબ્દ અને અર્થના સૌંદર્યમાં વધારો કરવાની માવજત. ‘પ્રતીક’ એટલે હાજર વસ્તુ દ્વારા ગેરહાજર વસ્તુનું સૂચન કરનાર કોઈક શબ્દ કે શબ્દગુચ્છ. ‘કલ્પન’ એટલે આંખ, કાન જેવી ઈન્દ્રિયો દ્વારા નવીન રીતે પામી શકાય તેવી આકર્ષક કલ્પના. ‘પુરાકલ્પન’ એટલે પૌરાણિક કાળની કલ્પનાઓ કે માન્યતાઓને આધુનિક સંદર્ભમાં પ્રયોજવી તે. ‘રચનાપ્રયુક્તિ’ એટલે સર્જક દ્વારા પોતાના કથયિત્વને કલાત્મક રીતે અભિવ્યક્ત કરવા માટે પ્રયોજવામાં આવેલ સંન્નિધીકરણ, કૉલાજ જેવી પદ્ધતિઓ.
અહીં માત્ર મુખ્ય મુખ્ય સાહિત્યિક પારિભાષિક સંજ્ઞાઓનો પરિચય ખૂબ જ ટૂંકમાં આપવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત અનેક સંજ્ઞાઓ છે, જે સાહિત્ય સાથે સર્જન અને ભાવનથી સંકળાયેલા તમામ લોકોને જાણવી જરૂરી છે. જો સાહિત્યની આવી પરિભાષાની ઓળખ હશે તો જ સાહિત્યનાં અનેક પાસાંઓ કે સર્જકની માવજત, કૃતિનું સૌંદર્ય સમગ્રપણે માણી શકાય.
આ રીતે, ભાવકે રસ અને રુચિ કેળવવાં જોઈએ, કૃતિને સઘન રીતે માણવી જોઈએ, અનેકસ્તરીય સાહિત્યના પરિચયમાં રહેવું જોઈએ અને મુક્તતા કેળવવી જોઈએ. ભાવક આ રીતે પોતાની ક્ષમતા કેળવતો જાય એટલે આપોઆપ જ તેની સૂઝ અને સમજ સંમાર્જિત થતી જાય. તેનામાં નીરક્ષીરનો વિવેક જાગે, અત્યંત અઘરી લાગતી કૃતિનાં પણ સૂક્ષ્મ સૌંદર્યો હાથ લાગે અને રસાનુભવનું ક્ષેત્ર વિસ્તૃત બની જાય. ભાવક કોઈ કૃતિને દોષ દે તે પહેલાં એટલું ચોક્કસ તપાસી લે કે તેની સજજતામાં તો ખામી નથી ને ? જો જવાબ ‘હા’માં આવવાની શક્યતા હોય તો તેણે સજજ થવાની શરૂઆત કરી દેવી જોઈએ.
નિસર્ગ આહીર
ભાવનવ્યાપાર
કલા છે ભોજય મીઠી ને ભોક્તા વિણ કલા નહિ,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ.
કલાપી આ પ્રમાણે કહે છે તેમાં કલાના રચયિતા અને ભોક્તાના સંબંધની મૂળગામી હકીકત રજૂ કરવામાં આવી છે. સર્જન, ભાવન અને વિવેચનના પ્રશ્નો સાહિત્ય જેટલા જ જૂના છે. એનો અંત આવવાનો નથી. સમયેસમયે નવું ઉમેરાતું જાય છે તેમતેમ નવા નવા પ્રશ્નો સામે આવતા જ જાય છે. પરંતુ એટલું તો ચોક્કસ કે સર્જન છે તો ભાવન છે અને ભાવન છે તો કલાની પ્રવૃત્તિ થતી રહે છે. બન્નેનો સંબંધ અવિનાભાવી છે. સર્જનવ્યાપાર સમજાવવો ખૂબ જ કઠિન છે એમ ભાવનવ્યાપાર પણ સમજાવવો મુશ્કેલ છે. અહીં હું ભાવનવ્યાપાર વિશેની કેટલીક પાયાની બાબતો મુદ્દાપુરઃસર મૂકવા માગું છું.
ભાવનની વિભાવના :
‘ભાવન’ શબ્દમાં જ ‘ભાવ’ની પ્રધાનતા છે. સર્જક જે સર્જના કરે તેને પોતાના ચિત્તમાં ઝિલીને બિનઅંગત ભાવવિશ્વને અંગત ભાવરૂપે સ્વીકારીને સાહિત્યાનંદ માણે તે ભાવક. ભાવક પાસે સર્જનનું સાધારણીકરણ થાય તેવી સજજતાની અપેક્ષા રહે છે જ. આ સજજતા એટલે વ્યાપક સંવિદતંત્ર, કેળવાયેલ ભાવવિશ્વ, કલાપદાર્થની વિસ્તૃત સમજ, પૂર્વગ્રહમુક્ત ઉચ્ચ રુચિ, અધ્યયન-મનન-ચિંતનના પરિણામે જન્મેલ વિવેક ઈત્યાદિ. જેમ સર્જકપક્ષે, તેમ ભાવકપક્ષે પણ પ્રતિભાની અપેક્ષા રહે છે.
વાચન અને ભાવન :
વાચક અને ભાવકમાં તાત્ત્વિક ભેદ છે. વાચન માહિતી, જ્ઞાન, જાણ માટે હોય છે; ભાવન અનુભૂતિ માટે હોય છે. એના દ્વારા માહિતી, જ્ઞાન કે જાણકારી મળે તો તે સારું છે, પણ સાહિત્યવાચનનો મુખ્ય આશય તો ભાવનનો જ છે અને ભાવન દ્વારા પ્રાપ્ત થતા આનંદનો છે.
કૃતિના ભાવનની પળોમાં શું થતું હોય છે ભાવકચિત્તમાં ? સર્જનની સમાંતરે તેની તમામ ચેતનાની ગતિ થતી હોય છે અને પોતાનું અલાયદું વિશ્વ રચાતું આવે. તેનું ભાવવિશ્વ વ્યાપક બને, ચિત્તના સુષુપ્ત ભાવો જાગૃત થાય, નવો પ્રકાશ લાધે, રમ્ય કેન્દ્રો આનંદથી ખુશખુશાલ કરી દે, ગોપિત રસસ્થાનો મુગ્ધ કરી દે, ‘હવે પછી શું ?’-ની અપેક્ષા જાગે, કલ્પનાજગત સળવળી ઊઠે, પ્રત્યક્ષીકરણ થવા લાગે, પોતાની અનુભૂતિ પણ એમાં ભાગ લેવા લાગે, નિજી અનુભવો જાગૃત થઈ ભાવનાત્મક સધિયારો શોધી લે ઈત્યાદિ ઈત્યાદિ. ભાવક માત્ર સર્જનની સાથેસાથે ચાલે છે તેમ નહિ, તે ખાસ્સો વિરોધાય પણ છે, અટકે છે, વિચારે છે, નવા રસ્તાઓ જાતે જ શોધી લે છે. તે સર્જકની કચાસોને જાતે પૂરતો પણ જતો હોય છે. આવી અનેક પ્રક્રિયાના અંતે તેને જે મળે છે તે ભાવસૌંદર્ય અને આ સૌંદર્ય આનંદપર્યવસાયી હોય છે.
ભાવન સંદર્ભે પાયાના પ્રશ્નો :
સર્જક પોતાને અભિપ્રેત અનુભૂતિ, લાગણી, સૌંદર્ય, સત્ય, તથ્ય, આવેગો, કલ્પનામાધુર્ય ઈત્યાદિને કોઈ કૃતિપિંડરૂપે મૂકે એને અભિવ્યક્તિ કહેવાય છે. એવો સર્જનપિંડ સાંભળવાથી, વાંચવાથી કે કોઈ અન્ય માધ્યમથી ભાવક ઝિલે એટલે એવા વ્યાપારને સંક્રમણ, અવગમન કે પ્રત્યાયન કહેવાય. આ અર્થમાં કર્તા, કૃતિ અને ભાવકનો ત્રિકોણ રચાય તે રચનાપ્રક્રિયાની પૂર્ણતા દર્શાવે છે. પ્રશ્ન એ થાય છે કે શું કૃતિના કર્તાએ કહેલું તમામ ભાવકમાં સંક્રાંત થાય છે ? સર્જકની ભાવાવસ્થા અથવા મનોભૂમિકાએ ભાવક પહોંચી શકે છે ખરો ? સર્જકનું નિજી અનુભૂતિવિશ્વ ભાવકનું યથાતથ ભાવવિશ્વ બને છે ખરું ? સર્જક પાસે એવી અપેક્ષા રાખી શકાય કે તેણે ભાવકોને ધ્યાનમાં રાખીને જ સર્જન કરવું ? ભાવક પાસે પણ એવું અપેક્ષિત રહે કે તેણે સંપૂર્ણપણે સર્જકની સમાંતરે થવું ? ભાવન વિશેના આવા અનેક પ્રશ્નો છે, જેનો સરળતાથી ઉત્તર આપી શકાય તેમ નથી.
ભાવન-અનુભાવન :
કોઈ પણ કૃતિનું ભાવન શક્ય છે, અનુભાવન અશક્ય છે. સર્જકચિત્તમાંથી સર્જાયેલ રચના દ્વારા ભાવનની કક્ષાએ સંપૂર્ણપણે સર્જકની સમકક્ષ થવું અશક્ય છે. એવો આગ્રહ પણ શા માટે હોવો જોઈએ ? સર્જક સર્જના કરે પછી કૃતિ સ્વાયત્ત બની જતી હોય છે. ભાવક ભાવન દ્વારા પોતાની કલ્પનાશક્તિ, અનુભૂતિ, રસરુચિ અને પ્રતિભાના આધારે કલાનંદ માણે એ જ પૂરતું છે.
અર્થઘટનના પ્રશ્નો :
આપણું જગત નક્કર તથ્ય સાથે સંકળાયેલું છે. એટલે જ આપણે સાહિત્યમાં પણ તે તથ્યને શોધવા મથીએ છીએ. આપણે અર્થહીન કશું સ્વીકારી શકતા નથી, કેમકે આપણું નામરૂપાત્મક જગત એનાથી પામી શકાતું નથી. એટલે સામાન્યતઃ સાહિત્યકૃતિના ભાવન વખતે ‘આનો અર્થ એટલે આ…’ એવી સમજની સહજ જ પરંપરા ચાલતી હોય છે. શબ્દની સાથે અર્થ સંકળાયેલો જ હોય, પણ ઘણી વાર શબ્દોનાં સંયોજનો સૂક્ષ્મસંકુલ હોય તો તરત જ પ્રશ્ન થાય કે ‘આનો અર્થ શું ?’ સામાન્યતયા ભાવક કૃતિનું અર્થઘટન કરવા મથે છે. પણ આપણે એ સમજી લેવું જોઈએ કે અર્થ કરતાં પણ વિભાવના-concept-વધારે મહત્ત્વની છે. આપણું જગત જેટલું સ્થૂળ છે એટલું જ સૂક્ષ્મ છે. જેટલું મૂર્ત છે તેટલું જ અમૂર્ત છે. આપણા મોટા ભાગનું જીવન તો અમૂર્ત ધારણાઓ, કલ્પના કે ભાવનાના આધારે જ ચાલતું હોય છે. એટલે જે તે સાહિત્યપદાર્થનો અર્થ શોધવો એ સર્વસ્વીકૃત બાબત હોવા છતાં એ જ સાધ્ય છે એમ માની લેવાની જરૂર નથી. શબ્દના અર્થની પણ બે કક્ષા છે : અર્થશક્તિ-significance-અને અર્થવ્યક્તિ-value. સર્જક શબ્દની આવી અનંત શક્યતાઓને આધારે મહત્તમ અર્થવ્યાપાર સર્જતો હોય છે.
અર્થસંકુલ અને અર્થબહુલ રચના :
ચોક્કસ અર્થઘટન ધરાવતી કૃતિ કરતાં અર્થબહુલ કે અર્થસંકુલ કૃતિ કલાની દૃષ્ટિએ સારી. અલગઅલગ સમયની વાચનાએ આવી કૃતિ નવાં જ પરિમાણો આપતી હોય છે. આ અર્થમાં કેટલીક કૃતિઓ નારિકેલફલપાક જેવી હોય છે, એનું કોચલું ભેદવાની સજજતા આવકાર્ય છે.
ભાવકે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સારી સાહિત્યકૃતિ એક જ અર્થ આપીને અટકી જતી નથી. એમાં અર્થઘનતા હોય છે અને અર્થબાહુલ્ય પણ હોય છે. બે શબ્દની વચ્ચે રહેલો અવકાશ, કદી સ્થૂળ રીતે ન દેખાતો અર્થ જ કૃતિને રમ્ય બનાવે છે. બધું જ દર્શાવી દેવાનો આગ્રહ સારો સર્જક ન રાખે. તે જે દેખાડે તેના કરતાં તો વધારે છૂપાવે. કહેવા કરતાં ભાવકની કલ્પનાને ખીલવાનો અવકાશ આપે. સર્જકની આવી પ્રયુક્તિઓને સમજીએ તો કૃતિનું ગોપિત સૌંદર્ય પામી શકાય. ઘણી વાર સામાન્ય વાચકને ‘દુર્બોધ’ લાગતી કૃતિ વસ્તુતઃ તો અર્થબહુલ હોય છે કે વ્યંજનાસભર હોય છે. એવી કૃતિનું સૌંદર્ય પામ્યા પછી ચિત્ત નાચી ઊઠે છે.
ભારતીય મત :
ભાવક સંબંધી ચર્ચામાં ભારતીય સાહિત્યમાં જે કંઈ મીમાંસા થઈ તે સંદર્ભ પણ તપાસવો રસપ્રદ છે. રાજશેખરે ભાવકનું ખૂબ મહત્ત્વ કરીને સર્જન માટેની કારયિત્રી પ્રતિભા જેટલું જ મહત્ત્વ ભાવન માટેની ભાવયિત્રી પ્રતિભાને આપ્યું. ભારતીય પરંપરાએ ‘સહૃદય’ જેવો અદ્ભુત શબ્દ પણ આપ્યો. ‘સહૃદય’ એટલે ઉત્તમ કૃતિઓના પરિશીલનથી જેનું ચિત્ત મુકુરીભૂત થયું છે તે.
ભારતીય સાહિત્યમીમાંસામાં ધ્વનિ અને વક્રોક્તિ વિશે જે વિચારણા થઈ છે તેમાં સાહિત્યની આવી અનેકસ્તરીય અર્થવત્તાનું જ મહત્ત્વ કરવામાં આવ્યું છે. ભાવક જો સજજ ન હોય, રસરુચિ કેળવાયેલ ન હોય તો ધ્વનિસંકેતો, સાહચર્યો, સૂક્ષ્મતા અને અર્થબાહુલ્યને પામી શકે નહિ એ હકીકત છે, પણ સાહિત્ય ભાવક પાસે પ્રતિભાની અપેક્ષા રાખે જ છે. આખરે સાહિત્ય કેળવાયેલા માનવ માટેની પ્રવૃત્તિ છે, પ્રબુદ્ધ લોકો દ્વારા સિદ્ધ થયેલી કલાસંપત્તિ છે.
શબ્દની ચાર શક્તિઓ સર્વવિદિત છે : તાત્પર્યા, અભિધા, લક્ષણા અને વ્યંજના. આપણો ભાષાવ્યાપાર મુખ્યત્વે અભિધાના સ્તરે, ક્યારેક લક્ષણાના સ્તરે અને ભાગ્યે જ વ્યંજનાના સ્તરે ચાલતો હોય છે, પણ સાહિત્યની ભાષામાં અભિધા કરતાં લક્ષણા અને વ્યંજનાશક્તિનું જ વિશેષ મહત્ત્વ હોય છે. એટલે જ સાહિત્યની ભાષા અને વ્યવહારની ભાષા જુદીજુદી છે. સાહિત્યમાં સર્જકની અભિવ્યક્તિ હોય છે. આ અભિવ્યક્તિ એ સાહિત્યના માધ્યમ એવા શબ્દ અને અર્થનો ઉપયોગ કરીને કરે છે. શબ્દ અને અર્થ સાહિત્યનાં માધ્યમ જરૂર છે, પણ માત્ર શબ્દાર્થ એ જ સાહિત્ય નથી. શબ્દ અને અર્થનું નૂતન સંયોજન એટલે જ સાહિત્ય. એટલે કે સીમિત શબ્દોને અસીમિત બનાવવા જતાં સાહિત્યકાર શબ્દની અર્થશક્તિને વધારે વ્યાપક બનાવે છે.
વિવેચન અને આસ્વાદ :
કૃતિ પાસે અમુકતમુક અપેક્ષાએ જવાથી સરવાળે ભાવકને ગેરલાભ છે. પરંતુ એ પણ હકીકત છે કે સારાં વિવેચનો અને સારા આસ્વાદો વાંચવાથી ભાવકની ભાવનલક્ષી સજ્જતા વધે છે. શરત એટલી જ છે કે કોઇ પણ પ્રકારના વાડામાં બંધાવું જોઇએ નહિ. કૃતિગત વિવેચન કૃતિને અનેક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે અને એની અનેક સૂક્ષ્મતાઓ પામી શકાય છે. સારા આસ્વાદોથી કૃતિનાં અનેક રસકેન્દ્રો વિસ્તરી રહેતાં હોય છે. સુરેશ જોષીએ ગુજરાતી કવિતાનો આસ્વાદ કરાવ્યો છે તે એક નમૂનારૂપે લઈ શકાય. સારા વિદ્વાનોનાં આસ્વાદનો અને વિવેચનો ભાવકને ઘણી બધી રીતે મદદરૂપ થતાં હોય છે.
સૂક્ષ્મતા-સ્થૂળતા અને સાંપ્રત સ્થિતિ :
અત્યારની મોટા ભાગની કાવ્યરચનાઓ કોઈ ચમત્કૃતિપૂર્ણ કે ચબરાકિયું વિધાન કરે છે, જેમાં કૃતક ભાવોને શબ્દની રમત દ્વારા, ભાષાની ભભક દ્વારા દર્શાવવાનો આયાસ હોય છે. એ વાચનનો વિષય બને છે, કાવ્યાનંદ કે ભાવનનો નહિ જ, એમ કવિઓએ સમજી લેવાની જરૂર છે. બ્રહ્માનંદ સહોદ-ભાવ તો ત્યારે જ જાગે, જયારે ધ્વનિપૂર્ણ, વ્યંજનાગર્ભ અનુભૂતિને અપૂર્વ રીતિએ મૂકી આપવામાં આવેલ હોય. ચપટાં-લપટાં વિધાનો એ કવિતા નથી જ નથી. અત્યારની મોટા ભાગની કાવ્યરચનાઓ આ પ્રકારની છે. એટલેસ્તો લખાય છે ઘણું, છપાય છે અઢળક પરંતુ વંચાય છે ઓછું. સારી કવિતા અનેકસ્તરે કામ કરતી હોય છે. એને સમગ્રતામાં, અનેક સાહચર્યોના સંદર્ભે માણીએ તો જ ભાવન થયું કહેવાય. જેમકે, રમેશ પારેખની આ પંક્તિ જુઓ :
‘‘મારી હથેળીમાં ય એવી રેખાઓ, જેવી રેખા છે ખાખરાના પાનમાં.’’
અહીં ખાખરાના પાનના સાદૃશ્યે હાથમાંની રેખાઓને જોઈએ તો ઘણી રેખાઓ એ વૈભવ નહિ, વેદનાનો વિષય બને છે. આપણા મનમાં ખાખરાનું પાન, એમાંની રેખાઓ, શુષ્કતા, સંકુલતા ઈત્યાદિના જે ભાવવિવર્તો જન્મે છે એની જ મજા છે. સારો કવિ આવી અનંત શક્યતાઓ ભાવક સમક્ષ ધરી દેતો હોય છે.
ભાવન : એક અર્થસંકુલ શબ્દ :
ભાવન અત્યંત અંગત અનુભવ છે. અને ભાવનનાં કોઈ ચોક્કસ પરિમાણો બાંધી શકાતાં નથી. હા, કોઈ ભાવકે કરેલાં કે લખેલાં આસ્વાદનોને આધારે આપણે કૃતિનાં નવાં પાસાંઓ પામી શકીએ એમ બની શકે.
ભાવન માટે પૂર્વના અને પશ્ચિમના સાહિત્યમીમાંસામાં અનેકસ્તરીય ચર્ચાઓ થયેલી છે. પાશ્ચાત્ય મીમાંસામાં ભાવક-પ્રતિભાવનો વિવેચન-સંપ્રદાય -reader response school of criticism- પણ ખૂબ જ પ્રચલિત બન્યો છે.
ભાવન એક સંકુલ સંજ્ઞા છે અને તે અનેકસ્તરીય છે. આ ભાવનના અનેક પ્રકારો છે. જેમકે સાહિત્યિક ભાવન (literary criticism), સર્જનાત્મક ભાવન (creative criticism), સમીક્ષાત્મક ભાવન (critical criticism), ભ્રાન્ત ભાવન (miscriticism), અતિ ભાવન (over criticism), અલ્પ ભાવન (under criticism), આદર્શ ભાવન (ideal criticism), સાચું ભાવન (true criticism), ઈત્યાદિ. આ રીતે, ભાવન અંગેની ચર્ચા ખૂબ વ્યાપક રીતે થયેલી છે, જેમાં સર્જનના જેટલું જ ભાવનને પણ મહત્ત્વ આપવામાં આવેલ છે.
નિસર્ગ આહીર
કલાનાં વિવિધ પાસાંનું વિહંગાવલોકન
કલા અનેકવિધ અંગો સાથે સંકળાયેલી છે. અહીં સૌંદર્ય, રસ, આનંદ, ભાવન, , કલાના પ્રકારો ઇત્યાદિની દૃષ્ટિએ ક્લાનાં વિવિધ પાસાં પર એક ઊડતી નજર નાખીને કલાતત્ત્વને સમજવાનો પ્રયાસ કર્યો છે.
‘તૈત્તિરીય ઉપનિષદ્’ કહે છે કે ‘રસો વૈ સ:’ અર્થાત્ તે પરમાત્મા રસસ્વરૂપ છે અને ‘આનન્દો બ્રહ્મ’ અર્થાત્ આનંદ જ બ્રહ્મ છે. સૌંદર્ય રસ અને આનંદના અંગરૂપ છે. સચ્ચિદાનંદમય નિયંતાનું સત્યમ્, શિવમ્ અને સુંદરમ્-નું રૂપ છે તેમાંથી સુંદરમ્ એટલે જ સૌંદર્યમય સૃષ્ટિ. જીવનના ચાર પુરુષાર્થોમાંથી કામપુરુષાર્થ સાથે સૌંદર્યમયતા પ્રગાઢ રીતે વણાયેલી છે.
માણસનો મૂળ સ્વભાવ આનંદનો છે. એ સર્વ સ્રોતમાંથી બાહ્યાભ્યંતર આનંદનું આકલન કરી જીવનને સુંદરતમ બનાવવા ઈચ્છે છે. ઈન્દ્રિયો દ્વારા પમાતા આનંદનું વૈવિધ્ય અપાર છે, જેમાંથી દૃશ્યાનુભવ એક અગત્યનો હિસ્સો છે. માણસની સૌંદર્યપિપાસા અને સૌંદર્યમાંથી પ્રગટતી આનંદપિપાસાએ અનેક દૃશ્યરૂપોનો આકાર લીધો છે. પ્રકૃતિ અને કલા આવા આનંદસ્રોતનાં મુખ્ય વાહકો છે. કલા એટલે જ માનવ દ્વારા નિર્મિત સૌંદર્યપ્રવૃત્તિ. જગતના અપરિમિત અનુભવો, લાગણીઓ, એષણાઓ, સંઘર્ષો, વેદનાઓ, કલ્પનાઓ, સત્યો, તથ્યો, દર્શનો ઈત્યાદિને કલાકાર અનેકવિધ રીતે કલાકૃતિમાં સૌંદર્યમય રૂપ આપે છે, જે ભાવક માટે રસાસ્વાદનો વિષય બને છે.
સૌંદર્યાનુભૂતિની એક કોટિ રસ છે, જે કલાકૃતિનો સાક્ષાત્ આસ્વાદ કહેવાય છે. ભરતને આસ્વાદત્મક્તા જ રસ નામના વિધાયક હેતુના રૂપમાં અભિપ્રેત છે. અભિનવગુપ્તના સાહિત્યિક ગુરુ ભટ્ટ તોત રસને પ્રીત્યાત્મક કહે છે; આનંદવર્ધન રસને આહ્લાદાત્મક કહે છે અને અભિનવગુપ્ત એને સાક્ષાત્ આનંદ જ કહે છે.