કલા છે ભોજય મીઠી ને ભોક્તા વિણ કલા નહિ,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ.
કલાપી આ પ્રમાણે કહે છે તેમાં કલાના રચયિતા અને ભોક્તાના સંબંધની મૂળગામી હકીકત રજૂ કરવામાં આવી છે. સર્જન, ભાવન અને વિવેચનના પ્રશ્નો સાહિત્ય જેટલા જ જૂના છે. એનો અંત આવવાનો નથી. સમયેસમયે નવું ઉમેરાતું જાય છે તેમતેમ નવા નવા પ્રશ્નો સામે આવતા જ જાય છે. પરંતુ એટલું તો ચોક્કસ કે સર્જન છે તો ભાવન છે અને ભાવન છે તો કલાની પ્રવૃત્તિ થતી રહે છે. બન્નેનો સંબંધ અવિનાભાવી છે. સર્જનવ્યાપાર સમજાવવો ખૂબ જ કઠિન છે એમ ભાવનવ્યાપાર પણ સમજાવવો મુશ્કેલ છે. અહીં હું ભાવનવ્યાપાર વિશેની કેટલીક પાયાની બાબતો મુદ્દાપુરઃસર મૂકવા માગું છું.
ભાવનની વિભાવના :
‘ભાવન’ શબ્દમાં જ ‘ભાવ’ની પ્રધાનતા છે. સર્જક જે સર્જના કરે તેને પોતાના ચિત્તમાં ઝિલીને બિનઅંગત ભાવવિશ્વને અંગત ભાવરૂપે સ્વીકારીને સાહિત્યાનંદ માણે તે ભાવક. ભાવક પાસે સર્જનનું સાધારણીકરણ થાય તેવી સજજતાની અપેક્ષા રહે છે જ. આ સજજતા એટલે વ્યાપક સંવિદતંત્ર, કેળવાયેલ ભાવવિશ્વ, કલાપદાર્થની વિસ્તૃત સમજ, પૂર્વગ્રહમુક્ત ઉચ્ચ રુચિ, અધ્યયન-મનન-ચિંતનના પરિણામે જન્મેલ વિવેક ઈત્યાદિ. જેમ સર્જકપક્ષે, તેમ ભાવકપક્ષે પણ પ્રતિભાની અપેક્ષા રહે છે.
વાચન અને ભાવન :
વાચક અને ભાવકમાં તાત્ત્વિક ભેદ છે. વાચન માહિતી, જ્ઞાન, જાણ માટે હોય છે; ભાવન અનુભૂતિ માટે હોય છે. એના દ્વારા માહિતી, જ્ઞાન કે જાણકારી મળે તો તે સારું છે, પણ સાહિત્યવાચનનો મુખ્ય આશય તો ભાવનનો જ છે અને ભાવન દ્વારા પ્રાપ્ત થતા આનંદનો છે.
કૃતિના ભાવનની પળોમાં શું થતું હોય છે ભાવકચિત્તમાં ? સર્જનની સમાંતરે તેની તમામ ચેતનાની ગતિ થતી હોય છે અને પોતાનું અલાયદું વિશ્વ રચાતું આવે. તેનું ભાવવિશ્વ વ્યાપક બને, ચિત્તના સુષુપ્ત ભાવો જાગૃત થાય, નવો પ્રકાશ લાધે, રમ્ય કેન્દ્રો આનંદથી ખુશખુશાલ કરી દે, ગોપિત રસસ્થાનો મુગ્ધ કરી દે, ‘હવે પછી શું ?’-ની અપેક્ષા જાગે, કલ્પનાજગત સળવળી ઊઠે, પ્રત્યક્ષીકરણ થવા લાગે, પોતાની અનુભૂતિ પણ એમાં ભાગ લેવા લાગે, નિજી અનુભવો જાગૃત થઈ ભાવનાત્મક સધિયારો શોધી લે ઈત્યાદિ ઈત્યાદિ. ભાવક માત્ર સર્જનની સાથેસાથે ચાલે છે તેમ નહિ, તે ખાસ્સો વિરોધાય પણ છે, અટકે છે, વિચારે છે, નવા રસ્તાઓ જાતે જ શોધી લે છે. તે સર્જકની કચાસોને જાતે પૂરતો પણ જતો હોય છે. આવી અનેક પ્રક્રિયાના અંતે તેને જે મળે છે તે ભાવસૌંદર્ય અને આ સૌંદર્ય આનંદપર્યવસાયી હોય છે.
ભાવન સંદર્ભે પાયાના પ્રશ્નો :
સર્જક પોતાને અભિપ્રેત અનુભૂતિ, લાગણી, સૌંદર્ય, સત્ય, તથ્ય, આવેગો, કલ્પનામાધુર્ય ઈત્યાદિને કોઈ કૃતિપિંડરૂપે મૂકે એને અભિવ્યક્તિ કહેવાય છે. એવો સર્જનપિંડ સાંભળવાથી, વાંચવાથી કે કોઈ અન્ય માધ્યમથી ભાવક ઝિલે એટલે એવા વ્યાપારને સંક્રમણ, અવગમન કે પ્રત્યાયન કહેવાય. આ અર્થમાં કર્તા, કૃતિ અને ભાવકનો ત્રિકોણ રચાય તે રચનાપ્રક્રિયાની પૂર્ણતા દર્શાવે છે. પ્રશ્ન એ થાય છે કે શું કૃતિના કર્તાએ કહેલું તમામ ભાવકમાં સંક્રાંત થાય છે ? સર્જકની ભાવાવસ્થા અથવા મનોભૂમિકાએ ભાવક પહોંચી શકે છે ખરો ? સર્જકનું નિજી અનુભૂતિવિશ્વ ભાવકનું યથાતથ ભાવવિશ્વ બને છે ખરું ? સર્જક પાસે એવી અપેક્ષા રાખી શકાય કે તેણે ભાવકોને ધ્યાનમાં રાખીને જ સર્જન કરવું ? ભાવક પાસે પણ એવું અપેક્ષિત રહે કે તેણે સંપૂર્ણપણે સર્જકની સમાંતરે થવું ? ભાવન વિશેના આવા અનેક પ્રશ્નો છે, જેનો સરળતાથી ઉત્તર આપી શકાય તેમ નથી.
ભાવન-અનુભાવન :
કોઈ પણ કૃતિનું ભાવન શક્ય છે, અનુભાવન અશક્ય છે. સર્જકચિત્તમાંથી સર્જાયેલ રચના દ્વારા ભાવનની કક્ષાએ સંપૂર્ણપણે સર્જકની સમકક્ષ થવું અશક્ય છે. એવો આગ્રહ પણ શા માટે હોવો જોઈએ ? સર્જક સર્જના કરે પછી કૃતિ સ્વાયત્ત બની જતી હોય છે. ભાવક ભાવન દ્વારા પોતાની કલ્પનાશક્તિ, અનુભૂતિ, રસરુચિ અને પ્રતિભાના આધારે કલાનંદ માણે એ જ પૂરતું છે.
અર્થઘટનના પ્રશ્નો :
આપણું જગત નક્કર તથ્ય સાથે સંકળાયેલું છે. એટલે જ આપણે સાહિત્યમાં પણ તે તથ્યને શોધવા મથીએ છીએ. આપણે અર્થહીન કશું સ્વીકારી શકતા નથી, કેમકે આપણું નામરૂપાત્મક જગત એનાથી પામી શકાતું નથી. એટલે સામાન્યતઃ સાહિત્યકૃતિના ભાવન વખતે ‘આનો અર્થ એટલે આ…’ એવી સમજની સહજ જ પરંપરા ચાલતી હોય છે. શબ્દની સાથે અર્થ સંકળાયેલો જ હોય, પણ ઘણી વાર શબ્દોનાં સંયોજનો સૂક્ષ્મસંકુલ હોય તો તરત જ પ્રશ્ન થાય કે ‘આનો અર્થ શું ?’ સામાન્યતયા ભાવક કૃતિનું અર્થઘટન કરવા મથે છે. પણ આપણે એ સમજી લેવું જોઈએ કે અર્થ કરતાં પણ વિભાવના-concept-વધારે મહત્ત્વની છે. આપણું જગત જેટલું સ્થૂળ છે એટલું જ સૂક્ષ્મ છે. જેટલું મૂર્ત છે તેટલું જ અમૂર્ત છે. આપણા મોટા ભાગનું જીવન તો અમૂર્ત ધારણાઓ, કલ્પના કે ભાવનાના આધારે જ ચાલતું હોય છે. એટલે જે તે સાહિત્યપદાર્થનો અર્થ શોધવો એ સર્વસ્વીકૃત બાબત હોવા છતાં એ જ સાધ્ય છે એમ માની લેવાની જરૂર નથી. શબ્દના અર્થની પણ બે કક્ષા છે : અર્થશક્તિ-significance-અને અર્થવ્યક્તિ-value. સર્જક શબ્દની આવી અનંત શક્યતાઓને આધારે મહત્તમ અર્થવ્યાપાર સર્જતો હોય છે.
અર્થસંકુલ અને અર્થબહુલ રચના :
ચોક્કસ અર્થઘટન ધરાવતી કૃતિ કરતાં અર્થબહુલ કે અર્થસંકુલ કૃતિ કલાની દૃષ્ટિએ સારી. અલગઅલગ સમયની વાચનાએ આવી કૃતિ નવાં જ પરિમાણો આપતી હોય છે. આ અર્થમાં કેટલીક કૃતિઓ નારિકેલફલપાક જેવી હોય છે, એનું કોચલું ભેદવાની સજજતા આવકાર્ય છે.
ભાવકે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સારી સાહિત્યકૃતિ એક જ અર્થ આપીને અટકી જતી નથી. એમાં અર્થઘનતા હોય છે અને અર્થબાહુલ્ય પણ હોય છે. બે શબ્દની વચ્ચે રહેલો અવકાશ, કદી સ્થૂળ રીતે ન દેખાતો અર્થ જ કૃતિને રમ્ય બનાવે છે. બધું જ દર્શાવી દેવાનો આગ્રહ સારો સર્જક ન રાખે. તે જે દેખાડે તેના કરતાં તો વધારે છૂપાવે. કહેવા કરતાં ભાવકની કલ્પનાને ખીલવાનો અવકાશ આપે. સર્જકની આવી પ્રયુક્તિઓને સમજીએ તો કૃતિનું ગોપિત સૌંદર્ય પામી શકાય. ઘણી વાર સામાન્ય વાચકને ‘દુર્બોધ’ લાગતી કૃતિ વસ્તુતઃ તો અર્થબહુલ હોય છે કે વ્યંજનાસભર હોય છે. એવી કૃતિનું સૌંદર્ય પામ્યા પછી ચિત્ત નાચી ઊઠે છે.
ભારતીય મત :
ભાવક સંબંધી ચર્ચામાં ભારતીય સાહિત્યમાં જે કંઈ મીમાંસા થઈ તે સંદર્ભ પણ તપાસવો રસપ્રદ છે. રાજશેખરે ભાવકનું ખૂબ મહત્ત્વ કરીને સર્જન માટેની કારયિત્રી પ્રતિભા જેટલું જ મહત્ત્વ ભાવન માટેની ભાવયિત્રી પ્રતિભાને આપ્યું. ભારતીય પરંપરાએ ‘સહૃદય’ જેવો અદ્ભુત શબ્દ પણ આપ્યો. ‘સહૃદય’ એટલે ઉત્તમ કૃતિઓના પરિશીલનથી જેનું ચિત્ત મુકુરીભૂત થયું છે તે.
ભારતીય સાહિત્યમીમાંસામાં ધ્વનિ અને વક્રોક્તિ વિશે જે વિચારણા થઈ છે તેમાં સાહિત્યની આવી અનેકસ્તરીય અર્થવત્તાનું જ મહત્ત્વ કરવામાં આવ્યું છે. ભાવક જો સજજ ન હોય, રસરુચિ કેળવાયેલ ન હોય તો ધ્વનિસંકેતો, સાહચર્યો, સૂક્ષ્મતા અને અર્થબાહુલ્યને પામી શકે નહિ એ હકીકત છે, પણ સાહિત્ય ભાવક પાસે પ્રતિભાની અપેક્ષા રાખે જ છે. આખરે સાહિત્ય કેળવાયેલા માનવ માટેની પ્રવૃત્તિ છે, પ્રબુદ્ધ લોકો દ્વારા સિદ્ધ થયેલી કલાસંપત્તિ છે.
શબ્દની ચાર શક્તિઓ સર્વવિદિત છે : તાત્પર્યા, અભિધા, લક્ષણા અને વ્યંજના. આપણો ભાષાવ્યાપાર મુખ્યત્વે અભિધાના સ્તરે, ક્યારેક લક્ષણાના સ્તરે અને ભાગ્યે જ વ્યંજનાના સ્તરે ચાલતો હોય છે, પણ સાહિત્યની ભાષામાં અભિધા કરતાં લક્ષણા અને વ્યંજનાશક્તિનું જ વિશેષ મહત્ત્વ હોય છે. એટલે જ સાહિત્યની ભાષા અને વ્યવહારની ભાષા જુદીજુદી છે. સાહિત્યમાં સર્જકની અભિવ્યક્તિ હોય છે. આ અભિવ્યક્તિ એ સાહિત્યના માધ્યમ એવા શબ્દ અને અર્થનો ઉપયોગ કરીને કરે છે. શબ્દ અને અર્થ સાહિત્યનાં માધ્યમ જરૂર છે, પણ માત્ર શબ્દાર્થ એ જ સાહિત્ય નથી. શબ્દ અને અર્થનું નૂતન સંયોજન એટલે જ સાહિત્ય. એટલે કે સીમિત શબ્દોને અસીમિત બનાવવા જતાં સાહિત્યકાર શબ્દની અર્થશક્તિને વધારે વ્યાપક બનાવે છે.
વિવેચન અને આસ્વાદ :
કૃતિ પાસે અમુકતમુક અપેક્ષાએ જવાથી સરવાળે ભાવકને ગેરલાભ છે. પરંતુ એ પણ હકીકત છે કે સારાં વિવેચનો અને સારા આસ્વાદો વાંચવાથી ભાવકની ભાવનલક્ષી સજ્જતા વધે છે. શરત એટલી જ છે કે કોઇ પણ પ્રકારના વાડામાં બંધાવું જોઇએ નહિ. કૃતિગત વિવેચન કૃતિને અનેક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે અને એની અનેક સૂક્ષ્મતાઓ પામી શકાય છે. સારા આસ્વાદોથી કૃતિનાં અનેક રસકેન્દ્રો વિસ્તરી રહેતાં હોય છે. સુરેશ જોષીએ ગુજરાતી કવિતાનો આસ્વાદ કરાવ્યો છે તે એક નમૂનારૂપે લઈ શકાય. સારા વિદ્વાનોનાં આસ્વાદનો અને વિવેચનો ભાવકને ઘણી બધી રીતે મદદરૂપ થતાં હોય છે.
સૂક્ષ્મતા-સ્થૂળતા અને સાંપ્રત સ્થિતિ :
અત્યારની મોટા ભાગની કાવ્યરચનાઓ કોઈ ચમત્કૃતિપૂર્ણ કે ચબરાકિયું વિધાન કરે છે, જેમાં કૃતક ભાવોને શબ્દની રમત દ્વારા, ભાષાની ભભક દ્વારા દર્શાવવાનો આયાસ હોય છે. એ વાચનનો વિષય બને છે, કાવ્યાનંદ કે ભાવનનો નહિ જ, એમ કવિઓએ સમજી લેવાની જરૂર છે. બ્રહ્માનંદ સહોદ-ભાવ તો ત્યારે જ જાગે, જયારે ધ્વનિપૂર્ણ, વ્યંજનાગર્ભ અનુભૂતિને અપૂર્વ રીતિએ મૂકી આપવામાં આવેલ હોય. ચપટાં-લપટાં વિધાનો એ કવિતા નથી જ નથી. અત્યારની મોટા ભાગની કાવ્યરચનાઓ આ પ્રકારની છે. એટલેસ્તો લખાય છે ઘણું, છપાય છે અઢળક પરંતુ વંચાય છે ઓછું. સારી કવિતા અનેકસ્તરે કામ કરતી હોય છે. એને સમગ્રતામાં, અનેક સાહચર્યોના સંદર્ભે માણીએ તો જ ભાવન થયું કહેવાય. જેમકે, રમેશ પારેખની આ પંક્તિ જુઓ :
‘‘મારી હથેળીમાં ય એવી રેખાઓ, જેવી રેખા છે ખાખરાના પાનમાં.’’
અહીં ખાખરાના પાનના સાદૃશ્યે હાથમાંની રેખાઓને જોઈએ તો ઘણી રેખાઓ એ વૈભવ નહિ, વેદનાનો વિષય બને છે. આપણા મનમાં ખાખરાનું પાન, એમાંની રેખાઓ, શુષ્કતા, સંકુલતા ઈત્યાદિના જે ભાવવિવર્તો જન્મે છે એની જ મજા છે. સારો કવિ આવી અનંત શક્યતાઓ ભાવક સમક્ષ ધરી દેતો હોય છે.
ભાવન : એક અર્થસંકુલ શબ્દ :
ભાવન અત્યંત અંગત અનુભવ છે. અને ભાવનનાં કોઈ ચોક્કસ પરિમાણો બાંધી શકાતાં નથી. હા, કોઈ ભાવકે કરેલાં કે લખેલાં આસ્વાદનોને આધારે આપણે કૃતિનાં નવાં પાસાંઓ પામી શકીએ એમ બની શકે.
ભાવન માટે પૂર્વના અને પશ્ચિમના સાહિત્યમીમાંસામાં અનેકસ્તરીય ચર્ચાઓ થયેલી છે. પાશ્ચાત્ય મીમાંસામાં ભાવક-પ્રતિભાવનો વિવેચન-સંપ્રદાય -reader response school of criticism- પણ ખૂબ જ પ્રચલિત બન્યો છે.
ભાવન એક સંકુલ સંજ્ઞા છે અને તે અનેકસ્તરીય છે. આ ભાવનના અનેક પ્રકારો છે. જેમકે સાહિત્યિક ભાવન (literary criticism), સર્જનાત્મક ભાવન (creative criticism), સમીક્ષાત્મક ભાવન (critical criticism), ભ્રાન્ત ભાવન (miscriticism), અતિ ભાવન (over criticism), અલ્પ ભાવન (under criticism), આદર્શ ભાવન (ideal criticism), સાચું ભાવન (true criticism), ઈત્યાદિ. આ રીતે, ભાવન અંગેની ચર્ચા ખૂબ વ્યાપક રીતે થયેલી છે, જેમાં સર્જનના જેટલું જ ભાવનને પણ મહત્ત્વ આપવામાં આવેલ છે.
નિસર્ગ આહીર
Leave a Reply