KAVYATRAYI

પાર્થિવી અધ્યારુ-શાહ,  પ્રિયા અધ્યારુ-મજીઠિયા અને પ્રતિષ્ઠા પંડયા એ ઉંમરના ત્રીજા દાયકામાં શ્વસતી યુવાન કવયિત્રીઓનો સંયુક્ત કાવ્યસંગ્રહ એટલે ‘કાવ્યત્રયી’. ર૦ જૂન, ર૦૧રના રોજ ઠાકોરભાઈ હૉલ, અમદાવાદ ખાતે દબદબાભેર જેનું શબ્દાર્પણ થયું એ ‘કાવ્યત્રયી’  ઘણા બધા અર્થમાં નિરાળો કાવ્યગુચ્છ છે. હર્ષ બ્રહ્મભટ્ટ, ભાગ્યેશ જહા અને એસ. ડી. દેસાઈના પુરોવચન સાથેનો આ સંગ્રહ એક ચારુ શક્યતાનો સંકેત છે. ગુજરાતમાં કવિઓના મુકાબલે કવયિત્રીઓની સંખ્યા નહિવત્ છે ત્યારે તરોતાજા ભાવસંવેદનની આ નિરાળી કાવ્યસંપદા આનંદ આપે છે. ત્રણેય કવયિત્રીઓનું સંવિદ્તંત્ર અને રચનાવિધાન ભિન્નત્વના મુકામે છે. અત્યારની કલમમાં કેવાં રંગવલયો છે એનો ચિતાર અહીં મળી રહે છે. વળી, આ ત્રણેય યૌવનાનો વિષય ગુજરાતી સાહિત્ય નથી, એ અર્થમાં ઔપચારિક ગુજરાતી કાવ્યશિક્ષણ સિવાય ગુજરાતીમાં નિજી શક્તિથી કવિતા સર્જાય તો કેવી સર્જાય એનું નિદર્શન પણ આ કાવ્યગુચ્છમાં મળી રહે છે. આ સંદર્ભે વિવેચન નહિ, પણ આસ્વાદન મને અભિપ્રેત છે.

‘કાવ્યત્રયી’  નાનકડો કાવ્યપ્રસાદ છે. કુલ ૩૬ રચનાઓમાંથી પાર્થિવીની ૧૦, પ્રિયાની ૧૪ અને પ્રતિષ્ઠાની ૧ર રચનાઓ છે. તમામ રચનાઓ છંદમુક્ત છે. નિશ્ચિત સ્વરૂપના સંદર્ભે, બળકટ શબ્દદેહ પર આ તમામ કવિતાઓ નભી જાય છે. ત્રણેય કવયિત્રીઓમાં આ ઉંમરે હોય છે એવી, જીવન પ્રત્યેની મુગ્ધતા અને પ્રેમની સંકુલતા વિષય તરીકે કેન્દ્રસ્થ હોવા છતાં, અભિવ્યક્તિમાં નાવીન્ય છે. ત્રણેયની નોખી મુદ્રાઓ દૃષ્ટિગત થાય છે.

પાર્થિવીની રચનાઓમાં વિષય અને રચનારીતિના સંદર્ભે સાહજિકતા-સારલ્ય છે. તેની રચનામાં પ્રાકૃતિક અનુબંધનનો થતો જતો વિચ્છેદ સ્પૃશ્ય બન્યો છે. માણસ કશુંક પ્રાપ્ત કરવાની લાહ્યમાં પ્રકૃતિથી પરાયો થાય એની સામે તો પ્રશ્ન જન્મે જ, પણ પ્રાકૃતિક સંપદાનો હ્રાસ કરવાની જાણે એ હોડમાં છે. ‘બુલબુલ’ કાવ્યમાં બુલબુલના પ્રતીક દ્વારા પાર્થિવી એવું જ સૂચવે છે :

‘‘એ બુલબુલ હવે ડાળી વગર લટકતું’તું;

ખરેખર તો તે હવે ભટકતું’તું !’’

જન્મ્યા ત્યારથી પ્રકૃતિના પરિચયમાં છીએ અને સમજણા થયા ત્યારથી એની સંપદાના સાથી છીએ પણ પ્રકૃતિ સાથેનો ઘરોબો ઘટ્ટ થઈ પ્રિયજનના પરિધ સુધી પહોંચતો નથી. ગોચર પ્રકૃતિ આપણે માટે તો જાણે અગોચર જ ! કવિ અને કલાકારો આ અગોચરત્વને અભિવ્યક્ત કરે ત્યારે જ આપણે એના પર થોડો-ઘણો વિચાર કદાચ કરીએ ખરાં ! પાર્થિવી કવિગત કુતૂહલને આપણી પ્રાકૃતિક અજ્ઞાતતાનું સરનામું બનાવે છે :

‘‘મારે પૂછવું છે સાગરને કે

એનામાં ગરકાવ થતી નદીઓને

તે શી રીતે ઓળખતો હશે ?’’

માણસ હોવાની એક મહદ્ ક્ષતિ એટલે તમામને માનવીય રૂપે જોવાની મમત. સાગરનો નદીઓ સાથેનો સંબંધ કંઈ પિતા-પુત્રી કે પ્રિયતમ-પ્રિયતમા જેવો નથી જ નથી. અરે…!! નદી અને સાગરના શાબ્દિક લિંગભેદ કરનારા આપણે પાણીના એકબીજામાં એકાત્મભાવ સાધવાના સૌંદર્યને કેમ જોઈ શકતા નથી એવી સૂક્ષ્મ ફરિયાદ પણ પાર્થિવી કરતી સંભળાય.

ઈશ્વરે માણસને નહિ પણ માણસે જ ઈશ્વરને ઘડ્યો છે એવી સમજણના વિકાસમાં પ્રભુ એક ઉપાલંભેશ્વરની મૂરત અને પ્રશ્નમંદિરના અધિપતિ તરીકે બિરાજે છે. ગમે તેવો ભક્ત પણ ભગવાન સાથે ગાળાગાળી કરી શકે એ કબૂલ, પણ સંવિદ્  ને સંકોરીને બેઠેલી કવયિત્રી ભગવાન નામની મીથને પડકારે તોય કવિતાની હેસિયતથી જ. પાર્થિવીનો પ્રશ્ન ધારદાર છે :

‘‘મંદિરમાં બેઠોબેઠો તું મલકાય છે શાને,

ખબર છે…

દર્શનાર્થીની ભીડથી તું કાંઈ

ભીડમાં મુકાવાનો નથી !’’

પાર્થિવીની ‘કળિયુગ’ રચના સમગ્ર પાર્થિવ અુનબંધનો પર પ્રશ્નાર્થનાં પગલાં મૂકતી આગળ ધપે છે. કળિયુગમાં કોઈનું કોઈ સાથેનું અનુબંધન અખંડ અને અક્ષુણ્ણ નથી રહ્યું. માણસજાતે જે સવાલો સજર્યા છે એનાં માઠાં પરિણામોનો ભોગ બનનારી પ્રકૃતિની આલમમાં સોપો પડી ગયો છે એમ પાર્થિવીને કહેવું છે. એક વખત સર્જન તરીકેની પોતાની સ્વાયત્તતાને આધારે આનંદમાં રાચતો માણસ આજે વિસર્જનને વહાલું કરતો જાય છે એમાં સ્વયંની હયાતીના સવાલો છે એમ એને ક્યારે સમજાશે એમ પણ એને પૂછવું છે. વ્યંગ અને વેદનાના સાહચર્યે એણે ઘણું સિદ્ધ કર્યું છે. શ્વાસ તો છે, વિશ્વાસ વિરમી ગયો છે :

‘‘કોયલ મન મૂકીને ટહુકી નથી શકતી કે

તેના ટહુકાનું કોઈ ‘રિમિક્સ’ તો નહીં કરે ને !’’

પ્રેમ આપણી અપેક્ષા જ નહિ, અસ્તિત્વનું ચાલકબળ છે. આપણે એક અધૂરપ લઈને અવતર્યાં છીએ એટલે કોઈનામાં પૂર્ણતાનું સરનામું શોધીએ છીએ. આવાં સરનામાં શોધવાની અને શોધાયેલા સરનામે કાયમી મુકામ સ્થાપવાની સૌની શૈલી નિરનિરાળી. પાર્થિવીનો એકરાર કલાત્મક જ હોય ને ?-

‘‘મારે તને મળવું છે.

ટહુકામાં ઓગળવું છે !’’

પણ એકરાર ક્યારેક જ એકાત્મનો અવસર બને છે. મહદ્અંશે તો એ તડપનનું તીર્થ બને કે ઝૂરાપાની ઝૂંપડી બને. બે વ્યક્તિની વચ્ચે અંતર છે તે તો રહેવાનું જ. કોઈનામાંય કાયમી એકરૂપ નથી રહી શકાતું ત્યારે યાદ ફરિયાદનું રૂપ લે છે. આપણી પ્રતીક્ષા વાસંતી વૈભવની પણ પાનખરના આશ્રયે આવી ઊભીએ એ જ નિયતિ હોય છે એમ પાર્થિવીનું કહેવું છે :

‘‘પવનના સુસવાટે સુસવાટે

હૈયામાં શ્વાસ ખૂટ્યા

ધીરજે ધરણાં છોડયાં

વસંત અને પાનખર

એ જ જીવનનું સોપાન !’’

કોઈ પણ કલાના કર્તા હોવું એટલે સામાન્યતાના સ્તરથી ઊંચકાઈને અપૂર્વતાની અટારી તરફના યાત્રી બનવું. કવિ હોવું એટલે જ કમનીયતાના આવાસની અડોઅડ માળો બાંધવો. અપૂર્વ અભિવ્યક્તિ અને કમનીય કલાકૃતિ એટલે જ  ‘કવિ’ હોવાની પ્રતીતિ. પાર્થિવી આવી પ્રતીતિ આપે છે એની અરૂઢ ભાવાભિવ્યક્તિમાં. પ્રિયજનને મળવાનું મન તો સૌને ય થાય, એમાં નવું શું ? નાવીન્ય તો એ જ કે શબ્દમય ઉચ્ચારથી ચુંબન પામીને, કાવ્યપંક્તિના પ્રવાહે વિહરીને પ્રિયજનનું સાન્નિધ્ય પામવાનું, વ્હાલને પણ વિશેષણ જેમ પહેરી લજજાની સમૃદ્ધિ સાથે પ્રિયજન સમક્ષ ઉપસ્થિત થવાનું. પાર્થિવીને અભિપ્રેત છે શું ? –

‘‘શબ્દો બનીને તારા હોઠોને સ્પર્શીને

પંક્તિના પ્રવાહે રાચું

વહાલના વિશેષણે લજાવા કાજે

મળવાનું થયું મને મન…’’

પ્રેમની પૂર્ણતા આપણે કોઈના આશ્રયે શોધીએ પણ એનું કેન્દ્ર તો આપણામાં જ હોય છે એમ પાર્થિવી ‘પ્રેમાલાપ’ નામના કાવ્યમાં સંકેતરૂપે કહે છે. આપણો અન્ય માટેનો પ્રેમ પણ આપણા જ નીતિનિયમોને અનુસરતો હોય છે. પ્રેમ કદીય વાસ્તવિક નથી હોતો, એ તો આપણે જ કોઈનામાં આરોપિત કરેલો ભાવ હોય છે. અન્યના પ્રેમનાં લેખાંજોખાં આપણા જ નિયમોએ આપણે કરીએ એટલે જેટલી અધૂરપ આપણામાં હોય તે અન્યમાં આરોપીએ અને જેટલી સારપ આપણામાં એવી જ અન્યમાં પણ ઝંખીએ. આવી અટપટી પ્રેમરીતિને કારણે પ્રસન્નતા કરતાં પીડા જ વધારે પામીએ આ પ્રેમ નામના પદાર્થમાં. જો પ્રિયજન પ્રત્યે ફરિયાદનું પલ્લું નમવા લાગે તો માનવું કે પાછાં પગલાં ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રેમમાં અનુભૂતિ કે અહેસાસ જ માધુર્ય આપે છે, પણ એ આવાં સંકુલ સંબંધવિશ્વમાં  પામવાં મુશ્કેલ હોય છે. એટલે જ ભાવભરતીને સહજ ન સમજી શકતા પ્રિયતમને શબ્દોના માધ્યમે સમજાવવો પડે છે :

‘‘તો તને ય ક્યાં ખબર છે પ્રિયે કે

આ અંતરમાં, ધબકારમાં અને

જન્માક્ષરના નકશાઓમાં

તને જોઈને… સાંભળીને…

તો મારું જીવન નભે છે !’’

આપણે પામવા મથીએ સભર સભર પ્રતીતિ કરાવે તેવો પૂર્ણ પ્રેમ, પણ કદીય આપણી અધૂરપ વિશે સવાલ નથી ઊઠાવતાં ! ‘અનુભૂતિ’માં પાર્થિવી રાધા અને કૃષ્ણના પૂર્ણરૂપ મનાયેલા પ્રેમસંબંધ વિશે સવાલો ઊઠાવે છે અને અંતે ગોધૂલિ વેળામાં ગાયો આવીને એને ઉત્તર આપે છે કે રાધાકૃષ્ણના સંબંધમાં પરિપૂર્ણતા સૌએ જોઈ છે, પણ એમાં રહેલા અ પાર્થિવ તત્ત્વને કેમ કોઈએ જોયું નહિ ? પૂર્ણતા પામવી એટલે જ તમામ અપૂર્ણતાને ઓગાળવી. શું જીવનમાં કે શું પ્રેમમાં; આ જ એકમાત્ર પૂર્ણતાપ્રાપ્તિની ચાવી છે :

‘‘આજે અચાનક આવી ગોધૂલિએ, ગાયોએ વાત એ વાગોળી,

કે શું રાધા અને કાહ્નામાં નહોતી ભાળી

નિર્મોહ નિર્બંધ નિરંતર નિર્લેપ ર્નિિવકાર

પ્રેમની અનુભૂતિ નિરાળી !’’

પ્રિયાની ભાવસૃષ્ટિ ઝાકળ જેવી છે, જેનો આનંદ બહુ ઓછા લોકો લઈ શકતા હોય છે. આમ તો પાણીનું નાજુક શિલ્પ પણ જે મૂલ્ય જાણે તેને મન મુગ્ધરસિક પ્રાકૃતિક આશ્ચર્ય. પ્રિયાએ એવાં જ નાજુક શિલ્પ ભાવભરતીમાંથી કોતરી કાઢ્યાં છે. એનો લય અને નજાકત મનભાવન છે. ‘ગોતાખોર’ રચનામાં પ્રેમાસક્ત મનની રમણા ઝિલાઈ છે. જેના તરફ મન આકર્ષાય છે ત્યાંથી વાળવા છતાંય પાછું વળતું નથી :

‘‘આ મન તો ગજબનું ગોતાખોર છે મારું

કરોડો મોજાંની વચ્ચેથી પાછું શોધી કાઢ્યું

તાળું દઈને દફનાવેલ પટારામાંથી નામ તારું…’’

‘કોશેટો’માં પ્રિયા જીવનના કારુણ્યને પ્રતીકાત્મક રીતે મૂકી આપે છે તો ‘ડાળ પર પંખી’ રચનામાં એ પંખીને પ્રતીક તરીકે પ્રયોજે છે. પ્રતીકો જૂનાં છે પણ એની પ્રવિધિ નવી છે એટલે આકર્ષક લાગે છે. પ્રિયા પ્રતીકો પાસેથી ઘણું કામ લે છે. ‘કમળ’માં સ્વયંના નિયમે વિલસવાની ખેવના છે તો ‘રંગોળી’માં જીવનરંગના વૈવિધ્યની રમણા છે. ‘મૃગજળ’ પણ દાહક પ્રેમનું પ્રતીક બને છે. કવયિત્રી સ્વયં એનો ઉઘાડ કરે છે :

‘‘એ કાંઈ જળ નથી, એ તો કો’કે ચાખી ચૂસીને

થૂંકી દીધેલો વિખૂટો હળાહળ પ્રેમ છે !’’

પ્રેમમાધુર્ય મોહક હોય પણ સંબંધવંચના દાહક હોય છે એ વાત કેટલી નવી રીતે રજૂ કરાઈ છે ! પ્રિયા આવાં સુખદ આશ્ચર્યોથી કાવ્યતીર્થ રચે છે. ‘પિયા, ના બોલ’માં પ્રેમની મીઠાશ અને મૌનનું માહાત્મ્ય પ્રગટ કરતાં કહે છે :

‘‘થીજેલા વંટોળ, નીરવ ઢોલ, શાંત ચકડોળ, પ્રીતની રીતમાં ચિત્ત તરબોળ;

બસ ! મૌનની ધૂનમાં વિરક્ત તું ડોલ, ચિત્ત ના ચોર, પિયા, ના બોલ !’’ (કાવ્યત્રયી, પૃ. ૧૯)

પ્રિયા પોતાના નામ પ્રમાણે જ આ કાવ્યમાં ચિરપ્રિયા બને છે. એનાં કાવ્યોમાં મુખ્યતયા પ્રેમનું પરમત્વ પ્રગટ થયું છે. આપણી ચાહતમાં સ્તર હોય, ક્રમ પણ હોય. આ બન્નેના આશ્રયે આપણી દુનિયા જેટલી વિભક્ત થાય તેટલી જ સંધાય પણ છે. અનંત નામરૂપધારી આ સૃષ્ટિમાં આપણા સુખનું કેન્દ્રબિન્દુ તો કોઈ એક જ ચહેરો હોય એમ પ્રિયાનું મંતવ્ય છે :

‘‘જગમાં એક જ છે અખંડ, અનંત ને અજોડ

રૂડો એક ચહેરો જે મન આખાયમાં મંડાયા કરે

ભૂંસી નાખો તેમ વધુ ગૂઢ ને ગહેરો બને…’’

છતાં પ્રિયા એ પણ જાણે છે કે સ્ત્રીને મન પ્રેમ એટલે મધુર ભાવનાનો સુંદરતમ વરસાદ અને પુરુષને મન પ્રેમ એટલે ઈચ્છા થાય ત્યારે છબછબિયાં કરી લેવાની ક્રિયા. સ્ત્રી અને પુરુષની આ સ્વભાગત ભિન્નતાને વ્યંગના સ્વરે એ દર્શાવી દે છે :

‘‘આપણે કદમ્બ નીચે શું પહોંચ્યાં,

અને તમે તો કાન્હ થઈ ગયા !

ચાર ચુંબન ચોડી, ચતુર

તમે તો સુંદરકાંડ કરી ગયા !’’

પ્રેમ એક અનુભૂતિ છે અને એની પ્રતીતિનાં સ્વરૂપો અનેક છે. આવા અનેકવિધ પ્રેમવિવર્તોને પ્રિયાએ ‘પ્રેમપાશ’, ‘પ્રેમનું પૂતળું’, ‘સંબંધનું અક્ષયપાત્ર’, ‘સમાસ’ જેવી રચનાઓમાં આકારિત કરવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. પ્રેમ પ્રતીતિકર પ્રક્રિયાનું નામ હોઈ એની વ્યાખ્યા પણ નથી કે કોઈને સમજાવી શકાય એવી પરિભાષા પણ ઉપલબ્ધ નથી; તો એના કારણમાં માત્ર એટલું જ કે વ્યક્તિએ વ્યક્તિએ એની આભા અલગ હોવાની. પ્રિયા આ જાણે છે એટલે પ્રેમના પદાર્થને દૂર મૂકીને અલગ અલગ દૃષ્ટિકોણથી એને નીરખી બહુઆયામી પ્રેમના સૌંદર્યને અને સૌંદર્યની પાછળ રહેલા સડા કે કોહવાટને પણ કટાક્ષ દ્વારા વ્યક્ત કરે છે. સ્ત્રી અને પુરુષના સંબંધમાં કાયમ રહેતા અવકાશને સ્ત્રી કાયમ પૂરવાનો પ્રયાસ કરી સમાસ રચવા મથતી હોય છે એ વાત પ્રિયા કેવી રમ્યાથી રમતી મૂકે છે ! –

‘‘આ નીલશ્યામ ધરતી ને ઉપર ગગન વિશાલ, વિરાટ

તમે વિહરતા, હું વિચારતી, વિસ્મિત શોધતી આપણો સમાસ’’

પ્રતિષ્ઠાની કવિતા પાર્થિવી અને પ્રિયાની કવિતા કરતાં અંતસ્તત્ત્વ, અભિવ્યક્તિ અને આકારની દૃષ્ટિએ ઘણી અલગ છે. જાણ્યે કે અજાણ્યે નારીવાદી સૂર આ કવિતાઓમાં આવ્યો છે. પ્રતિષ્ઠા સ્ત્રી અને પુરુષના સંબંધ વચ્ચેની શૂન્યતાને, પુરુષ કરતાં સ્ત્રી વધારે સંવેદનશીલ છે એ તથ્યને અને પુરુષ કરતાં પ્રેમમાં સ્ત્રી જ વધારે સર્મિપત છે એ બાબતને બહુધા કટાક્ષના સ્તરે પ્રગટ કરે છે. સ્ત્રીપુરુષસંબંધ જ આ કવિતાઓમાં મુખ્ય હોવા છતાં સંબંધનું માધુર્ય નહિ, સ્ત્રીને પીડતા પૌરુષી શુષ્ક મિજાજનું પ્રાધાન્ય છે. મહાભારત અને બુદ્ધના જીવનની મિથનો પ્રતિષ્ઠા અત્યંત બળકટ રીતે વિનિયોગ કરીને આધુનિક સંબંધવંચનાને માર્મિક વાચા આપે છે. એમાં વ્યંગ છે તેમ સ્વયં સ્ત્રી હોવાની વેદના પણ છે.

પ્રતિષ્ઠાની કવિતામાં પ્રેમી કે પતિ પ્રત્યેની એક ફરિયાદ છે, પણ અંતે તો સ્વીકૃતિ છે. ફરિયાદને અવગણીને, પ્રેમની વિજયપતાકા ફરકાવીને, પ્રિયના સાન્નિધ્યે જ શરણાગતિ સ્વીકારતી લેતી આદર્શ ભારતીય નારી જ આપણને જોવા મળે છે. એની કવિતામાં સંબંધની અસમતુલા માટેનો વિદ્રોહ છે પણ તે ક્રાંતિ સુધી નહિ, સમાધાન સુધીની જ ગતિ કરે છે. પ્રશ્નો પ્રેમ ન અપાવી શકે, કદાચ પીડા વધારી દે એ પ્રતિષ્ઠા બરાબર સમજે છે એટલે સહજીવનમાંથી જન્મતી વિષમતાને કલાત્મક રૂપ આપીને અટકી જાય છે. કવિતામાં એમ જ હોય ને ? આ કંઈ પુરુષોને સુધારવાનું અભિયાન નથી;  સ્ત્રી જે સંવેદે છે કે કહેવા મથે છે એનું પ્રતીતિકર રૂપ જ કવિતા કહેવાય. ભાવકે એ પણ યાદ રાખવું ઘટે કે અહીં પ્રેમશૂન્યતાની કવિતા છે તે સાર્વત્રિક અને સાધારણીકૃત સંવેદના છે, કવયિત્રીની અંગત પ્રસ્તુતિ નથી. કવિતામાં તો કવયિત્રી કાવ્યનાયિકા તરીકે આવે છે, બિનઅંગત બનીને આવે છે.

‘પ્રેમ’ કવિતામાં પ્રેમનું વરવું રૂપ દર્શાવ્યા પછી પણ પ્રિય પ્રત્યે પ્રેમભાવ હોવાનું સૂચિત થાય છે. પ્રતિષ્ઠાની કરામત એ છે કે કોઈક ધારદાર ચોટ સાથે તે કાવ્ય પૂરું કરે, પણ ભાવકના મનમાં તો તે  ક્ષણથી જ આરંભાય. આ કાવ્યમાં પ્રિય સાથે ઝઘડેલી કાવ્યનાયિકાની આરંભની ઉક્તિઓમાં એમ જ લાગે કે હવે તો આ સંબંધ પૂરો જ થયો સમજવો. પણ પ્રતિષ્ઠા નાયિકાના મુખે પ્રશ્નાર્થ મૂકાવીને વાતને કેવો વળાંક આપે છે ! –

‘‘કવિતાની કોઈ સચોટ ઉપમાની જેમ અને ધારદાર નાકની બે બાજુએ

પતંગિયાંની પાંખની જેમ

હળવેકથી ઢળેલી

એની પાંપણો જોતાં વિચારું છું

મારા સૂતેલા સિંહને

શું હું હજીયે પ્રેમ કરું છું ?’’

અહીંના ‘સિંહ’ શબ્દમાં પુરુષમાં રહેલો હિંસ્ર ભાવ સંકેતિત થાય છે. એ સૂતો છે માટે સારો લાગે છે, પણ છંછેડાયા પછી વિકરાળ બની શકે છે એમ સૂચિત થાય છે. વ્યંજનાના સ્તરે પ્રતિષ્ઠા કહેવા માગે છે કે સ્ત્રીઓ સિંહ સાથે વેર કરીને પણ જંગલમાં રહી શકે છે, એને સૂવડાવી શકે છે અને જાગ્યા પછી પાછો નહોર ભરવાનો જ છે છતાં સ્ત્રીએ તો એને પ્રેમ કરવાનો જ છે. કારણ ? બીજો વિકલ્પ જ ક્યાં છે ?

પ્રતિષ્ઠાની ‘પતંગિયાં’ નામની કવિતા વ્યંજના સ્તરે ખૂબ સારું પરિણામ સાધે છે. સુખ આવે પણ એની શરતે આવે છે, જે આપણે માટે અસુખ પણ હોઈ શકે એ વાત પતંગિયાંના પ્રતીક દ્વારા કહેવાઈ છે. આમ સાવ પતંગિયાં જેવું હળવું લાગતું શીર્ષક અંતે તો ખૂબ બોઝિલ બની જાય છે, પતંગિયાંનો પણ ભાર ન ખમી શકે તેવું.

વેદના વહન કરવાની ટેવ પડી જાય કે અપ્રિયનો કાયમી સહવાસ પ્રિય લાગવા માંડે એમ બને. ‘ચોખંડ’માં પ્રતિષ્ઠા આવા અપ્રિયની આસપાસ અનાયાસ પ્રદક્ષિણા કરી એને જ દેવરૂપ માની બેસવાની, પણ કોઈક તીવ્ર આત્મભાનની ક્ષણે એ બધું ઉલ્લંઘી જવાની નારીવાદી વાત ખૂબ જ માર્મિક રીત કહે છે. ચકરાવામાંથી મુક્ત થઈ પોતાનો જ ચોખંડ રચવાનો નિર્ધાર કરે છે કાવ્યનાયિકા. પણ પ્રતિષ્ઠા તો એમ સૂચવવા માગે છે કે ચકરવામાંથી ચોખંડમાં આવે, ભલે આકારની બદલી થાય,પણ સ્ત્રીની નિયતિ બદલાવાની મુશ્કેલ છે.

‘કોયડો’ કવિતામાં પ્રતિષ્ઠાએ નિયતિએ આપેલી લાલચની, અસંભવિત સપનાંઓની કલાત્મક રજૂઆત કરી છે. જેણે જિંદગી આપી, પછી શક્યતા આપી એણે જ આપણને એટલા બધા ગૂંચવી માર્યા છે કે આ જિંદગી છે, સપનાં છે કે કોયડો છે એની જીવનના અંત સુધી ખબર નથી પડતી.

‘વ્યંગ’ કવિતામાં સહજીવનની સંકળામણની અત્યંત પ્રભાવક રજૂઆત છે :

‘‘ક્યારેક ક્યારેક

મને તારી એકેએક રીતથી ગુસ્સો આવે છે

તારું ચંપલ ઘસડીને ચાલવું

ભાર દઈ, ચીપી ચીપીને બોલવું

સાંજે લાંબાં થઈ ટીવી મચડ્યા કરવું

ગાલ નીચે મોબાઈલ ને બાથમાં ઓશીકું

ભીડીને સૂવું, સાચે જ

ક્યારેક ક્યારેક મને

તારી એકેએક રીતથી ચીડ ચડે છે’’

આમ પ્રભાવક શબ્દચિત્ર આપીને પોતાના પ્રિયને સહન ન કરી શકતી કાવ્યનાયિકા એનાથી ખૂબ દૂર જતી રહેવા માગે છે. એને પોતાની રીતે, ગમતીલા માહોલમાં એકલાં જીવવું છે. પણ પ્રતિષ્ઠા કવિતાને ધાર તો ત્યારે આપે છે જયારે એ કાવ્યનાયિકાને એવો અહેસાસ કરાવે છે કે પ્રેમના નામે, આશ્રયના નામે કે કોઈ અન્ય રૂપકડા નામે પણ આખરે સ્ત્રી સર્વના ભોગે પુરુષની પાસે જ આવવાની-

‘‘અહંકાર સાથે ચાલવું છે મારે કોઈના આધારની આશાય વિના

અને છતાંય પ્રેમ તો તને કરતી જ હોઈશ હું…

કારણ ક્યારેક ક્યારેક

એવું પણ થાય છે કે મારે દોડીને તારી સોડમાં લપાવું છે

હસવું છે, ખીલવું છે,

સાથે ને સાથે જીવવું છે,

બસ, એક તારી સાથે જ જીવવું છે !’’

પ્રતિષ્ઠા મહાભારત અને બુદ્ધના ગૃહત્યાગની મિથનો સુપેરે વિનિયોગ કરે છે. ‘મહાભારત પછી’માં મહાભારતના સર્વનાશી યુદ્ધના સંદર્ભે પોતાના હાથે જ પોતાની જિંદગીને છિન્નભિન્ન કરતી સ્ત્રીની વેદના અત્યંત પ્રભાવક રીતે વ્યક્ત થઈ છે. સ્ત્રી પુરુષ કરતાં વધારે મજબૂત છે. તે લડી લે છે, સહન કરી લે છે, જીતી પણ જાય છે પરંતુ અંતે સ્વનાશ સિવાય કશું જ હાથ નથી લાગતું એમ એ કહે છે. તાત્પર્ય એય છે કે સ્ત્રી દરરોજ  મહાભારત સ્વમાં સંગોપીને જીવતી હોય છે.

‘વારતા રે વારતા’માં પ્રતિષ્ઠા મહાભારતની એકલવ્યની ગુરુભક્તિની પ્રસિદ્ધ માન્યતાનું કટાક્ષના સ્તરે ઉન્મૂલન સાધે છે. એકલવ્યનો અંગૂઠો કાપી લેવાની વેદનાને પુણ્યપ્રકોપના સ્તરે મૂકી આપે છે અને જાણે નવેસરથી વાર્તા લખવાનું ઈંગિત કરે છે.

‘ગૌતમને પ્રશ્નો’ અને ‘ગૌતમને’માં પ્રતિષ્ઠાનો કટાક્ષ ધારદાર બન્યો છે. બુદ્ધના સંસારત્યાગને આધુનિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને એક પત્ની તરીકે, એક પુત્ર તરીકે પ્રતિષ્ઠા બુદ્ધને પડકાર ફેંકે છે. ગૌતમે પોતાના ઉત્કર્ષ માટે ત્યજેલ યશોધરા અને રાહુલ ચિરવિરહી છે. રાહુલ પિતાપ્રેમથી વંચિત, યશોધરા પતિસુખથી દૂર. એ બન્નેનો શો વાંક હતો ? મહાપુરુષોના પરિવારે પારાવાર હેરાન થવું પડે છે તેમ પ્રતિષ્ઠા પ્રતીકાત્મક રીતે કહે છે. વ્યંગવાણીને અહીં ખાસ્સી ધાર કાઢવામાં આવી છે. યશોધરા કહે છે :

‘‘ગૌતમ… ગીતા તો અર્જુનને સંભળાવવાની હોય

રાધા પાસે તો કૃષ્ણ પણ

વાંસળી જ વગાડતા

પ્રેમ તો મેં પણ ક્યાં ઓછો કર્યો’તો ?

પણ તમે કદી

ગોવાળિયા ન બની શક્યા, ગૌતમ !’’

‘તો ?’ કૃતિમાં ગૌતમીએ બુદ્ધને મૃત બાળકને સજીવન કરવાની માગણી કરી હતી તે પ્રસિદ્ધ પ્રસંગને ખૂબ જ નાટ્યાત્મક બનાવીને, વાસ્વિકતા કેવી રીતે વિચલિત કરી શકે તેનું માર્મિક બયાન છે. એમ ‘સપનું’માં પણ બુદ્ધને સ્વપ્નમાં સીતાજી આવે છે એની અત્યંત હૃદયદ્રાવક, વેધક રજૂઆત છે. સીતાજી હૃદયભેદી સવાલ પૂછે છે બુદ્ધને –

‘‘જે સૌ હજુય નિંદે મારા રામને

એમને તો ધોબીનાં કહેણનુંયે બહાનું

પણ તેં છોડી યશોધરા શીદને ?’’

સ્વપ્નમાંથી જાગૃત થયેલા બુદ્ધ પણ આવા સાચા સવાલથી વિક્ષુબ્ધ થઈ જાય છે એ ચિત્ર પ્રતિષ્ઠા અત્યંત મનોહર બનાવે છે :

‘‘ઝબકી, જાગી, જુએ ગૌતમ

ખુદને પામે બોધીવૃક્ષ નીચે

‘માયાની બીક બધી’ કહી

એ મથે ફરી મનને પરોવા નિર્માણે.’’

‘રમકડાં’માં પ્રતિષ્ઠા સંબંધની મજબૂતાઈને રમકડાં સાથે સાંકળીને પ્રસ્તુતિની ધાર કાઢે છે. કાવ્યનાયિકા પ્રિયને પૂછે કે બાળપણમાં તું અનબ્રેકેબલને બદલે બ્રેકેબલ રમકડાંથી રમ્યો હોત તો લાગણી, માન, પ્રેમ વગેરેને જાળવવાની તારામાં આવડત આવી હોત અને તેથી જ આપણો સંબંધ તેં જાળવ્યો હોત, તેં સાચવવાની કાળજી રાખી હોત :

‘‘જમીન પર મૂકતાં

તૂટી જાય એવાં માટીનાં રમકડાંથી

રમ્યો હોત :

સંભાળી, સાચવી,

હળવે, હળવે

જતનથી જાળવીને

કોઈ ચીજ ઊંચકવાની, માણવાની, રમવાની

તને ટેવ હોત

તો શું

આપણો સંબંધ જુદો હોત ?’’

આ પ્રમાણે, પાર્થિવી,  પ્રિયા અને પ્રતિષ્ઠાએ ‘કાવ્યત્રયી’ના શબ્દદેહમાં ત્રણ ભિન્નભિન્ન કિન્તુ બહુગામી ભાવસ્પંદ વહેતા મૂક્યા છે એ ખાસ્સા હૃદ્ય છે. ગુજરાતી કવિતાની ગતિવિધિનો આ એક કમનીય પડાવ હોઈ, હું ‘કાવ્યત્રયી’ને ‘કામણત્રયી’ તરીકે ઓળખાવવાનું પસંદ કરું. ત્રણેય યૌવના આગામી દિવસોમાં ગુર્જરી કાવ્યધારાને વધુ પ્રતિષ્ઠિત કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું.

નિસર્ગ આહીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *