ચાહવાની રીત

એક છોકરો છોકરીને કહે, વહાલી, વાદળ ભરીને તને વહાલ કરું
હું એમ કદી નહિ કહું, સખી, સાવ નોખી છે મારી ચાહવાની રીત
હું નામના પવનમાં તું નામની ગંધ જો છે તો છે, એનો સરવાળો શું?
એટલું જ કહું કે મારી તો માછલી જેવી જાત અને પાણી એ જ પ્રીત

તપતો સૂરજ પણ પારિજાત લાગે એવી એવી રાતો, જા, તને આપી
કોયલને વાવજે ,ચાંદાને લાવજે પછી ઢોલિયે મખમલી અહેસાસ ઢાળજે
સપન રોળે, સુખ ઢોળે કે કોઈ અમથું સતાવે એમ પણ બને, સખી
એને ઈશારે ઊડતી નહિ લગીર, તું જ તારા પોતીકા મોરલાને પાળજે
આપણે તો આપણા નામનું કુંડાળું દોરવું સાવ ચાંદાની લગોલગ
હાંફીને હોડમાં ઊતર્યા એને પૂછ કે પ્રેમમાં તો શેની હોય હાર કે જીત ?
એક છોકરો છોકરીને કહે, વહાલી, વાદળ ભરીને તને વહાલ કરું
હું એમ કદી નહિ કહું, સખી, સાવ નોખી છે મારી ચાહવાની રીત

ઉજાગરો એમ ઝરૂખે લહેરાવતી નહિ, સંકેલીને સિલકમાં રાખજે
એકલતા કુંવારી કેદ નથી પણ ગીતોનો ગઢ એવું પછી તને લાગશે
ચાંચમાં ચાંચ પરોવી બેસી ન રહે હંસલાની જોડ પણ ઊડે મલક પાર
તું તારી જાતને આરતી થઈ ગા પછી પળેપળ ઝાલર જેવું કંઈક વાગશે
કોઈનું ઉતારેલું અંધારું પહેરીને આપણે સપનાં જોવાં નથી એ સમજ
એણે ચુંબનમાં ચોમાસું જોયું તો જોયું પણ મને ગમી ઝીણી ઝાકળની રીત
એક છોકરો છોકરીને કહે, વહાલી, વાદળ ભરીને તને વહાલ કરું
હું એમ કદી નહિ કહું, સખી, સાવ નોખી છે મારી ચાહવાની રીત

નિસર્ગ આહીર : ૧૪.૧૦.ર૦૧૧

કાવ્યકણિકા

જિસ તરહ ખયાલો મેં યૂં આતી હો,
કભી તો અપને આપ આ જાઓ;
લબ પર બહુત સી કવિતા તેરે લિયે
કભી તો અપને લબ સે વો ગાઓ.

નિસર્ગ 6.7.2011

આંબાની આસપાસ કોયલ ને કંઈ બીજાં પંખીના મુકામ,
એકાદ કેરી તેં ચાખી પછી પાંદડે પાંદડે ટહુકે તારાં ગામ.

નિસર્ગ 6.7.2011

બે ચાર નામનાં છાંટણાં આ અંગ પર
ને કેટલાંય ચોમાસાં સાવ કોરાં ગયાં
એને મનાવવામાં જિંદગી વીતી ગઈ
પોતાનાં હતાં તેય પરાયાં થયાં

નિસર્ગ 27.6.2011

વો થી જિંદગી મેં તો વક્ત કુછ હુન્નર થા જૈસે
નઝારોં મેં અપને હાથોં સે સપનેં બૂને થે કૈસે કૈસે
ગબ્બારોં સે સારા આસમાં સજા દિયા થા દિલકસ
હમને કભી નહિ જાના કિ હવા કા ઝોંકા થી વૈસે

નિસર્ગ 27.6.2011

તારા ગયા પછીની છિન્નભિન્ન ક્ષણોને સરખી કરું છું
તિરાડ પડેલી નજરમાં કઈંક ભીનુંભીનું ભરું છું
અચાનક ક્યાંથી ઊતરી આવી આ દીવાલો?
ક્યાંક તો રેશમ શો રસ્તો હશે એવી આશમાં ફરું છું

નિસર્ગ 29.6.2011

કુછ અચ્છા હોગા યે સોચ સોચકર ઠોકરેં ખાતા રહા
કદમ ઊઠે થે ફૂલોં કે લિયે પર પથ્થર હી પાતા રહા
જિસે સૂનાના થા વો થા કિસિ ઓર શબ્દ કી તલાશ મેં
મુજ સે બિછડ ગયે થે વો હી ગીત મેં ક્યોં ગાતા રહા?

નિસર્ગ 29.6.2011

કોઈ ચાંદાની વાત નહિ, સાગરની વાત નહિ, પ્રેમનીયે વાત નહિ,
ચાલ, સખી ! આ વરસાદમાં મૂંગાંમંતર બસ સંગસંગ ચાલીએ;
કોઈ પણ કારણ  વગર તને લથબથ ચાહવાનું પર્વ આવી ઊભું,
નથી જવા દેવું આ ચોમાસું એમ ને એમ, કંઇ અંગેઅંગથી ઝાલીએ.

નિસર્ગ આહીર  ૧૧.૭.ર૦૧૧

છોકરો છોકરીને કહે કે દરિયા જેટલું ચાહું,
એથી તો સાવ જુદી મારી ચાહવાની રીત;
કદી તને કહું નહિ કે કેટલો કરું છું પ્રેમ,
માછલી જેવું આયખું મારું, પાણી એ જ પ્રીત.

નિસર્ગ 9.7.2011

આંખોમાં સખી, તું આમતેમ ઘેરાઈ ને આ ચોમાસું બેઠું,
ઊંચું ચડયું’તું સુખ એક દિ’ એ જ ઊતરી આવ્યું હેઠું.

નિસર્ગ 9.7.2011

કયા ભવનાં ઊગ્યાં કારમાં અજવાળાં
કે આંખ સામે સઘળું ને કંઈ ન સૂઝે;
ગોટમોટ અંદર સૂતી ઝંઝાને જગાડો કે
મારા પથ્થરમાં કોતરેલા દીવડાઓ બૂઝે.

નિસર્ગ 9.7.2011

કોઈ ચાંદાની વાત નહિ, સાગરની વાત નહિ, પ્રેમનીય વાત નહિ,
ચાલ, સખી, આ ઝરમરમાં મૂંગાંમંતર બસ સંગસંગ ચાલીએ;
કોઈ પણ કારણ વગર તને લથબથ ચાહવાનું પર્વ આવી ઊભું,
નથી જવા દેવું આ ચોમાસું એમ ને એમ, કંઇ અંગેઅંગથી ઝાલીએ.

નિસર્ગ 11.7.2011

આયખાને આંગણ આજ આવ્યો અવસર
તો પહેલું આમંત્રણ તમને જ હોયને?
ફૂલ કંઈ એમ ને એમ નથી મેં વેર્યાં,
વસંત લહેરી જશે તમારાં પગલાં જોઈને.

નિસર્ગ 12.7.2011

નજર સામે જ છો તું, આંખમાં ઊતારવાની બાકી છે,
હૈયામાં લાગી છે એક આગ, બસ ઠારવાની બાકી છે;
પ્રેમ હોય, પવન હોય, પથ્થર હોય કે પીડા હોય,
અનેક સંદર્ભમાં મૂકી સાંગોપાંગ ધારવાની બાકી છે.

નિસર્ગ 12.7.2011

આંખને જોવી છે તો જોઈ લે છોકરીને, આમ ત્રાંસી આંખે છૂપું છૂપું જો નહિ;
જગ તો ભર્યું જ છે છલોછલ સૌંદર્યથી, તું તારા સૌંદર્યને આવી રીતે ખો નહિ;
ખબર છે એણે ઊડવા આપી છે પાંખો? તારા જ ઠેબે ચડી તું પ્રભુ પાસે રો નહિ.

નિસર્ગ આહીર, 14.7.2011

સાવ સહેલું છે કહેવું કે તને ખૂબ ખૂબ ખૂબ પ્રેમ કરું છું,
વરસો સુધી કોઈને એમ ન કહી શકાયાની આ વેદના;
સૂવા માટે છ અને બેસવા માટે બે ફૂટ જ જગ્યા જોઈએ,
મારા જ ઘરમાં મારી રીતે ન રહી શકાયાની આ વેદના.

નિસર્ગ આહીર, 14.7.2011

થયું કે અવસર આવે એ પહેલાં આવી જાય એવાં સ્વજન હોવાં જોઈએ,
પણ એ તો એવી રીતે જોઈને ગઈ, લાગે છે આ બારણાં ય રોવાં જોઈએ;
આવે, બેસે, ગાય ને પછી ‘ઠૂઠું’ કહીને ઊડી જાય એનું દુ:ખ ઓછું નથી,
કોણ કહે એને કે ઝાડને પણ વર્ષા કે વસંતના સંદર્ભ વિના જોવાં જોઈએ?

નિસર્ગ આહીર, 14.7.2011

આજ ફુલ્લગુલાબી લાગે છે, નવાંનક્કોર મારાં સપનાં પહેર્યાં કે શું?
કોની ફળી માનતા, મારી કે તારી? પ્રેમદેવને શ્રીફળ વધેર્યાં કે શું?

નિસર્ગ 15.7.2011

ખુદ સિવાય બીજું બધું જ હોવાના દિવસો,
બારીએ બેસી બાળપણ જોવાના દિવસો;
નાની એવી ચીજ માટે કેવી જિદ્દ કરતો’તો,
પહાડ શાં દુ:ખોને છાનાછાના રોવાના દિવસો.

નિસર્ગ 15.7.2011

માંડ માંડ સુવડાવ્યા છે મારા તોફાની પ્રશ્નો, એને જગાડશો નહિ,
ઉત્તરો શોધવામાં ગયો આખો દિવસ, હવે રાત બગાડશો નહિ,
તમે ‘ના’ કહી તો સરી ગયો તમારાથી ખૂબ દૂર દૂર આ એકાંતે,
નહિ જાઉં ઉંબર બહાર, પણ મને મારામાંથી ભગાડશો નહિ,
કોઈનોય લગાવ મારામાં તરત જ લેલૂંબ વન થઈ લહેરાય,
પછી એને કાપતાં બહુ વાર લાગે છે, ખોટી લગન લગાડશો નહિ.

નિસર્ગ 18.7.2011

ખુદનો એટલો વિસ્તાર ન કરું કે સંકેલતાં બહુ વાર લાગે,
ગતિ ન હો એવી સાવ અંધ કે મને જ મારી ઠોકર વાગે;
એકાદ સાચા સંબંધનો સંગાથ ઈચ્છતો હું એકલ પ્રવાસી,
હૃદય, એ રસ્તે ન જા કે બાંધ્યા ન હોય એવાય સંબંધો જાગે;
સમય, હું તો શિખાઉ માણસ, ચીતરવામાં ભૂલ પણ થાય,
તેં એવા તો કેવા રંગ પૂર્યા કે ક્ષણેક્ષણ ખુલાસાઓ માગે?

નિસર્ગ 18.7.2011

સહજ મળાય તો મળીએ, પણ ન કોઈ વહેવારે,
એકમેકના આંગણ આવીએ સંબંધના તહેવારે;
ખૂબ અંતર છે વચ્ચે ને મળાય પણ બહુ વારે,
પણ હૈયે હેત જાગે તો મળીએ સ્વપ્નની ધારે.

નિસર્ગ 23.8.2011

અજીબ અંધારું છે આ, તને અડકું તો પ્રેમને સદેહે જોતો હોઉં એમ લાગે,
હાથથી હોઠ સુધી જતાં તો કંઈ કેટલી કાળીભમ્મર ઠેસ મને વાગે !!

નિસર્ગ 13.9.2011

વો રાસ્તા ન ખિલ પાયા, ક્યા કરેં? તેરી માસુમિયત પર કુછ ઘમંડ સવાર થા,
જરા રુકકર, જરા મુડકર દેખતી તો પતા ચલતા કિ તેરે હર કદમ પર પ્યાર થા.

નિસર્ગ 14.9.2011

ઇચ્છા તો એ કે થોડાંક વરસ તારા નામે કરું,
મારા ખાલી ખૂણામાં તને ઠાંસી ઠાંસીને ભરું,
તું જ પ્રશ્નો ઊભા કરે છે સાવ કારણ વગર,
બાકી પ્રેમમાં હોય શું એવું મોટું ખોટું ને ખરું?

નિસર્ગ 15.9.2011

કચકડાના કાચા સંબંધની કડવાશને દૂર કરી નાખીએ
કોઈ ન હોય આપણું તો આપણી જ હયાતીને ચાખીએ

ડીસેમ્બર ૮, ર૦૦૮.

તને અપેક્ષિત હોય એવા એક પણ પ્રશ્ન પૂછવા નથી,
તેં આપેલ દૃશ્યો ઝાંખપ આપે પણ કદી લૂંછવાં નથી.

નિસર્ગ આહીર. ૩૦.૧.ર૦૧ર

ન આવી શકે તો ન સતાવ, સખી
અથવા અંધારું પહેરીને આવ, સખી

ર૮ જુલાઈ, ર૦૦૮

કંઈક ખાનગી ગુપચુપ થતી રહી મારા ગયા પછી
હર વાતમાંથી કટુતા ખરથી રહી મારા ગયા પછી
સ્વજનો સમયાંતરે બધું વીસરી ગયાં
પોતીકી નહોતી તે યાદ કરતી રહી મારા ગયા પછી
મને મારું સ્થાન બહુ જ મહ¥વનું લાગતું’તું
ખાલી જગ્યા તરત જતી રહી મારા ગયા પછી

ર૮ જુલાઈ, ર૦૦૮

આજ આવેલા સપનાના રંગ હવે અંગેઅંગ મહેંદીની ભાત જેમ ઊગ્યા
ભીતરમાં ભારેલા હતા એ મેઘ બધા બંધન તોડી દરિયા લગ પૂગ્યા

નિસર્ગ આહીર ર૩-૭-ર૦૦૮

સાવ સહજ તને મળી શકું એ જ ઘર હો,
સગપણમાં સ્નેહ સિવાયનું સર્વ પર હો;
સ્પર્શ કરું ને સાવ તારામાં ઓગળી જાઉં,
તારા હૈયામાં હૈયું, પ્રાણ પ્રાણમાં તર હો.

નિસર્ગ આહીર, ૧૮.૧ર.ર૦૧પ

આમ મીઠું મીઠું જાયા ન કર, બહુ મોહક લાગે છે,
કદી ય કલ્પી નથી એવી એવી ઈચ્છાઓ જાગે છે;
તું થોડી દૂર આમ તો પણ લાગે હોઠ પરનું ગીત,
ઈરાદાને એવું કેવું સ્પર્શી કે સિતાર જેવું વાગે છે !

નિસર્ગ આહીર, ૧૮.૧ર.ર૦૧પ

પ્રાણમાં પરોવીને આ આંખો લંબાવી છે, જરા તું પકડી લે,
તારા વિના બેફામ છે દૃશ્યો, રસ્તા, દિશા એને જકડી લે !

નિસર્ગ આહીર, ૧૮.૧ર.ર૦૧પ

ચકચૂર

આકાશની લગોલગ મારું ઘર તોય ચાંદથી જોજન જાણે દૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂર

આવ તું, હવે એકાંતઘેરા કોઈ તળાવના કાંઠા પર મળીએ
આપણે જ આપણા દિવસનાં રાજવી પછી રાત થઈ ઢળીએ
તું હોઠ પર મૂક થોડાં ગીત ને હું શ્વાસમાં ભરી લઉં સૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂર

જલના તરંગે તરંગે જો કે ઇચ્છાનાં કમળ બસ ખીલતાં રહે
ફૂલ બીજાં ફૂલને આપણા જ સંબંધમાં ઊગેલી વાત કહે
હાથ તારો મારા હાથમાં હોય તો આખું તળાવ ચકચૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂર

ત્યાં પેલા ઝાડ પર જો, આપણા જ શબ્દોનાં પાંદડાં ઝૂલે
એકેએક મર્મરમાં કદી નહિ બોલાયેલી બધી વાતો ખૂલે
આપણે તો અહીંથી ઊભાં થઈશું પણ નીતરતું રહેશે નૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂર

નિસર્ગ આહીર : ડીસેમ્બર ૧૦, ર૦૦૮

ચિર ઇજન

સૌની સાથે જ છે છતાં બધાથી પર તું,
લે આ સંબંધ ખાલી કર્યો, એને ભર તું,
કદી ન હો તારો પંથ પથરાળ ને પીડાદાયક,
સપનાંઓનું સરવર ભર્યું એમાં તર તું,
સાચા સગપણમાં કોઈ બંધન નહિ, નહિ આજ્ઞા,
તારી લીલા જોવાની મજા, ફાવે તે કર તું,
મારે અંગે ઊગી કોની આ પ્રેમલ પગલાંની છાપ ?
અંદર ઊતરી જોયું તો કરે હરફર તું,
મને થાય કે સુખના આખેઆખા દરિયા આપું,
ખોબો ધર, આંખો ધર કે અંતર ધર તું.

નિસર્ગ આહીર : જુલાઈ ૮, ર૦૦૯.

ઈચ્છા તો કર

અહીં આવવાની જરા ઈચ્છા તો કર
શકય હોય તો થોડાં પગલાંય ભર
હું જાણું કે તારી આંખમાં સપનાંની સાંકળ દીધી છે
તું ધારીને જુએ પણ નજરે તો અમાસની રાત પીધી છે
આંસુ નહિ તો કાજળરૂપે આંખથી ખર
અહીં આવવાની જરા ઈચ્છા તો કર
કોઈ સંદેશો નથી તારો કોઈ રૂપે તોય શકયતા વાવું છું
હરેક પળે હું જ ટપાલી થઈને મારે આંગણે આવું છું
મારી દશા ન સહી ખાલી દિશા તો ભર
અહીં આવવાની જરા ઈચ્છા તો કર
નથી માગતો હું સુખ, આપી આપીને તું આપેય કેટલું ?
આપ તો આપ આકાશમાં આકાશની જગ્યા હોય એટલું
કહું એટલું કે ‘હું’ એટલે ‘તું’ નામનું ઘર
અહીં આવવાની જરા ઈચ્છા તો કર

માર્ચ ૧૪, ર૦૧૦

આવ તું

આવ, આ અવસરનો શણગાર થા,
મને લઈ તું ખુશીના શિખર સુધી જા.
મને ગમે જે વરસાદી આભ
એનો ટૂકડો આ વૈશાખે આપું
ચોમેર લૂનો આ રાસ એમાં
ભીનાં ભીનાં પગલાંની કાયા સ્થાપું
તને જે રસ્તાની માયા છે એ તો
સાવ ખોબામાં સમાય તેટલો
ઘૂઘવતા દરિયામાં પગ બોળીને
હોવાનો હિસાબ માગીશ તું કેટલો
આવ આ હિંચકે બેસી થોડાં થોડાં
આભ ને ધરતી હલાવીએ
આપણી હયાતીમાં એક જ બારી
થોડા પવન થોડાક પ્રકાશથી ચલાવીએ
પૂછે જો દોસ્ત સૂતા સંબંધ વિશે
એને આવનારાં સપનનો રસ્તો બતાવીએ
સાવ સીધી સાદી લાગતી આ શેરીને
તારાં નટખટ પગલાંથી સતાવીએ
હોય છે શું આપણા સગપણને અંતે ?
દુ:ખી ઘરનાં તૂટેલાં નળિયાં
જાણે ઝાઝા અવસર વચ્ચે ઘેરાયેલ
સદી જૂનાં અવાવરુ ફળિયાં
એ વાતો કરે તો પથ્થર કે પરવાળાંની
કયાંય એમાં હોય ના પાણીનું પોત
જીવતરને ગણી લીધું રેતીની ચણ
ચણતું રહે બસ ભૂખ્યું કપોત
આવે જો આસપાસ પંખી થોડાં ઊડતાં
એમાં પૂરાયેલો ડર તારા નામનો
પતંગિયાની પાસ એક માળો બાંધ
મુઠ્ઠીમાં બંધ અભરખો શો કામનો?
આવે તો કોઈ રોકી શકે ના
એવાં એવાં સુખનાં બારણાં રાખો
ઈચ્છાઓ દૂર સુધી દેખાય નહિ
તો કદી ન જોયેલી બારીને ચાખો

આરત

હસતો તારો ચહેરો જોઈ હૈયું બસ એક જ વાત કહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે
એક અનોખું વાદળ આવી
જાણે ધોધમાર વરસી ગયું
સપને સપને ઝાકળ હતી
હવે સુખનું સરવર થયું
છલોછલ વહેતી નદી જોઈ થાય કે તું જ કલકલ વહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે
કદીક કોયલ લાવે ટહુકો
કદીક આખી વસંત લાવે
લીલાંછમ પાંદડાં પહેરાવી
રોમેરોમ ફૂલોને વાવે
આસપાસ અમળાતો નટખટ પવન તારી સુગંધ ચહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે.

જૂન ૩૦, ર૦૦૯

આ ચોમાસે તું

આંખથી ખરેલ સુખ ઝીણી ઝરમર થઈ, સખી
પહેલા વરસાદની ગંધ તારામાંથી વહી, સખી
વરસાદને વરસાદરૂપે જોયો’તો
આજ ધરતીના પિયુરૂપે જોયો
ઢેલ ઢળકતી આવી એમ જ
મોરલાએ નાહકનો ટહુકો ખોયો
આ નદી વહી તારાં-મારાં પગલાંને લઈ, સખી
આઠ માસ ધરતીને આલિંગી
હવે ઝાડવાં નખશિખ નાહ્યાં
કિનારાના પથ્થરને પાણી ચૂમે
કહે, કોણે કોને કેટલાં ચાહ્યાં?
પ્રીત કેવી કે પર્વતની રેતી દરિયે ગઈ, સખી !
આંખથી ખરેલ સુખ ઝીણી ઝરમર થઈ, સખી
પહેલા વરસાદની ગંધ તારામાંથી વહી, સખી

4.7.2011

આ આપણો સંબંધ

ના મૂંઝવણ, ના દંભ કરવો , ના શરમ , ના કશું છૂપાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
સખી, કદી સંકોચ ન રાખતી,
મનમાં જે આવે તે કહેજે,
હું તારી ઈચ્છાનું ખુલ્લું ઘર,
મારામાં મન ફાવે તેમ રહેજે,
જેવા છીએ તેવા એકબીજાને મળીએ, ન કદી ઉછીનું લાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
હસવાનું, રડવાનું, મળવાનું,
આપણા તો કેટલીય ભાતના નાતા,
કોઈનો સાવ શ્વેત સ્વાર્થ,
કોઈ પ્રેમમાં રત ગુલાબી રાતા,
બીજે ભલે ગમે તેવું હો, આપણું સગપણ સાવ નોખું નવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
મારું જે કંઈ ઉત્તમ તે આપું,
લાગણી વિના બીજું ન માગું,
મારું સુખ પાથરી સૂતી રહે,
તારી કવિતા ગાતો હું જાગું,
મારી ઈચ્છા બસ એટલી, સખી, કે તારે કદી ના દુ:ખી થવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
આપણા સંબંધને નામ ન દઈએ,
મળીએ ત્યારે સાચ્ચેસાચ્ચાં મળીએ,
કદી લાગણી ન બાંધી રાખવી,
એ જેમ ઢળે તે ઢળીએ,
જે ગમે તે કરી લેવું, ન ગમે તે નહિ, બીજું કશું ન વચ્ચે લાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
મારો ઈરાદો આ રહ્યો :
મારે તને અપરંપાર ગમવું છે,
જ્યાં સુધી તને ચાહી શકું,
તારી આંખોમાં રમવું છે,
તું કાયમ મજાનો બગીચો થા એવું એક સુખ તારામાં વાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
મારો કદી ન ભાર રાખીશ,
તું ચાહે તેને પ્રેમ કરજે,
બસ, તું હસતી રમતી
મારી સુખ નામની નદીમાં તરજે,
આપણું સાથે હોવું એટલે, સખી, એકબીજામાં અનહદ ફાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું.

જુલાઈ ૧૩, ર૦૦૯.

અભીપ્સા

તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ
આયખું ધરાઈ જાય એવું મળે મીઠું જરા જો જલ
મારી ઈચ્છા બસ એટલી જ
કોઈકને ભરપૂર ચાહી લઉં
ગમતા માણસનું મન મલકે
એથીય અઢળક સુખ દઉં
કરું આખોય જનમારો રંગીન રૂપાળો છલોછલ
તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ
મારે કહેવી છે વહાલભરી વાત
કોઈક તો મને જરા પૂછે
આંખોમાં થીજેલાં આંસુ
કોઈ સ્વજન આવીને લૂંછે
કોઈ જો ઝાકળ જેમ અડકે તો ફૂલ ખીલે દલેદલ
તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ
કોઈ પ્રેમલ પોતીકું ન હોય
તો આખુંય આયખું અધુરું
એક મનગમતા માનવીના ટેકે
મલકે હૈયું મધુરું મધુરું
એક મીઠી નજરના પ્રતાપે નદી ભરપૂર કલકલ
તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ

સપ્ટેમ્બર ૭, ર૦૦૯