સખી

સાવ એકલું એકલું લાગે તો મને યાદ કરજે, સખી,
કોરેકોરી તારી ભાત મારા ભરતથી ભરજે, સખી,

સીધીસાદી સમજણ એવી,
બસ, તારા માટે જ છું,
ટીપુંક તારા અષાઢી ટહુકે,
ધોધમાર વરસીશ હું,
પગલે પગલે પ્રેમ પાથરું ધીમાં પગલાં ધરજે, સખી,
સાવ એકલું એકલું લાગે તો મને યાદ કરજે, સખી,

બહુ મીઠું લાગે તારું નામ,
પલપલ હું તો ચાખું છું,
કોઈ વાતે ઓછું ન આવે,
બહુ સંભાળીને રાખું છું,
વહાલ વરસંતા મારે વાદળ તું એક જ ગરજે, સખી,
સાવ એકલું એકલું લાગે તો મને યાદ કરજે, સખી,

યાદ નામે તું માળો ગૂંથે
હું સાચુકલું સગપણ લાવું,
મારા નામની નદી હો,
ધસમસ તારે દરિયે આવું,
નીલબિલ્લોરી નેહનીરે અપરંપાર તરજે, સખી,
સાવ એકલું એકલું લાગે તો મને યાદ કરજે, સખી,

નિસર્ગ આહીર : જુલાઈ ૧૯, ર૦૦૯

સપનું આવ્યું એવું નઠારું

સપનું આવ્યું એવું નઠારું, સખી
તું લઈ ગઈ બધું સુખ મારું, સખી
હું શોધું પ્રેમના ચહેરા ચોતરફ
બધે મળી આવે મુખ તારું, સખી
આકાશ આપે ખાલીપો, ને પૃથ્વી ભાર
તારા સિવાય કોણ છે સારું, સખી ?
મારા ઘરમાં તું કવિતા શી હરેફરે
બીજું તો તારા વિશે શું ધારું, સખી ?
દીવો લઈ શોધવા નીકળ્યો તને
હર દિશામાં મળે અંધારું, સખી
મીઠા સરનામાની શોધ આ સફર
એક ઝરણું મળ્યું તે ય ખારું, સખી

નિસર્ગ આહીર : ર૮ જુલાઈ, ર૦૦૮

સ્મૃતિ

પ્રેમમાં તું કેવું આઘુંપાછું થાતી’તી,
પવન વિનાયે દુપટ્ટા જેવું લહેરાતી’તી;
તને ફૂલની પગલી પાડતાંયે નહોતું આવડતું,
તોય આખી વસંત લઈને વાતી’તી;
એકવાર મેં વરસાદનું સરનામું આપ્યું’તું,
પછી તું રોજ વાદળ સુધી જાતી’તી;
ભીની માટીમાં કોઈએ લખ્યું’તું શું?
રોજ નદીએ નહાવા જાતી’તી;
કદી કોઈ અક્ષરને નહોતું જડયું જે,
એ જ ગીત તું રોજેરોજ ગાતી’તી;

નિસર્ગ આહીર : જુલાઈ ૧૪, ર૦૦૯

હશે

આવ, તને ગમે એવો જ અવસર હશે
તારા નામે પર્વ, બીજું બધું પર હશે,
મન પડે તો ખૂલે, નહિ તો હોય બંધ
તારી ઈચ્છાને સમજે એવું જ ઘર હશે,
ઉકેલે તું તો બસ કવિતા જ કવિતા
એકેક શબ્દના સો સો સુંદર થર હશે,
પગલે તારે છલોછલ ને છાલક કંઈ ઊડે
નયનથી નભ લગી નેહનદી સભર હશે,
ઈચ્છા પડે ત્યારે હવાને સ્પર્શી લેજે
હર એકલતામાં મારો લંબાયેલ કર હશે.

નિસર્ગ આહીર : ફેબ્રુઆરી ૧૬, ર૦૦૮

સપનઝૂલો

લાવી દે ચપટીક શમણું કે કોરીમોરી આંખમાં આંજી મેળે જાઉં
સખી, ગળામાં ગુમસુમ બેઠી કોયલ એને આંબો દેખાડી ગીત ગાઉં

કુંજડીની હાર જેવું નાનપણનું સુખ હતું
આઘે આઘે કયાંક ઊડી ગયું
આવ્યું એક વયનું અજાણ્યું વહાણ
મારી છાતીમાં આવી બૂડી ગયું

કોણ રે ભૂલી ગયું આ પવનમાં કંપ કે વેલ-શી વલવલતી વળ ખાઉં ?

ગયા રે મેળામાં જોડિયો પાવો જોઈ
તારા ગાલ પર વાંસળી વાગી’તી
બબ્બે રાતે તું માંડ માંડ સૂતી
અમથાક સૂરમાં  ઝપ્પ દઈ જાગી’તી

સખી, મને ચીંધ એવી પરબ જ્યાં સૂક્કા ઉજાગરાને પાણી પાઉં

મને કહે તો ખરી કે
આંખોમાં રંગ મારે ભરવાના કેટલા ?
મુઠ્ઠી ભરીને સાથે લેવાની
આપી દઈશ જેને સ્પર્શ જોઈએ જેટલા
મેળામાં જાત જાતની ગૂંથાતી ભાત ભેળી આભલાંની કોર થાઉં

નિસર્ગ આહીર : ર૩-૭-ર૦૦૮

હું છું અંધારાનું અંજન…

હું નાની હતી ને રડતી ત્યારે
મમ્મી ચપટી વગાડતી
પિતા ડોળા કાઢતા
દાદીમા ઘૂઘરો ખખડાવતાં
હવે હું રડું છું ત્યારે
સમાજ ચપટી વગાડે છે
જિંદગી ડોળા કાઢે છે અને
સમય ઘૂઘરો ખખડાવે છે
કહો, કઈ દિશાએથી આવ્યાં મારાં પગલાં
ને કોને આંગણ હું અટકી ?
એવું તો મેં કર્યું શું કે
કોઈ પણ કારણ વગર હું તમને ખટકી ?
આંખ સામે જ હતું આકાશ… ભૂરું, સ્વપ્નિલ, આયખાને ઈજન આપતું,
લલચામણું અને ઊંડો ઉન્માદ પ્રેરતું…
પણ કદી ન આપી ઊડવા બે નાનકડી પાંખો
હતાં શમણાં, નહોતી રંગીન આંખો…
હા, હતી આંખો અને છે જ હજુ પણ
રડતી, વારંવાર ઘેરા વાદળ શી ઘેરાતી
બધું જ ધૂંધળું જોતી, છેતરતી, છટકી જતી,
આછેરા રંગથી પણ તરત જ તૂટી જતી, દૃશ્યની સાથે જ ફૂટી જતી,
મને જ વિલોપી નાખતી, વેરી નાખતી, કશાય કારણ વગર વિસ્તરી જતી,
આને તમે કહો છો આંખો ?
કે
આયખાને દૂર ફંગોળી અદૃશ્ય કરનાર કોઈ ખંડેરનો દીવડો ઝાંખો ?
એમણે કોઈ પણ કારણ વગર મને જન્મ આપ્યો
ને કોઈ પણ કારણ વગરની હું મોટી થઈ ગઈ !!!
એણે વાવ્યા છોડ, મેં ઇચ્છાને વાવી,
એણે થોડું પાણી પાયું, મેં આશાને ઉછેરી,
એણે ચૂંટયાં ફૂલ ને મને સમજાઈ મારા હોવાની ભૂલ
પવન આવે છે અને પાંદડાં ખેરતો રહે છે
કેટલાં ખર્યાં ? ખબર નથી
કેટલાં રહ્યાં ? ખબર નથી
બસ, એને મજા આવે છે અને હું મજાક બનતી રહું છું
કારણ વગર…
કારણ કે કોઈનાંય કારણ હું કદીય જાણી શકી નથી
આમ જ બનતું રહ્યું છે આરંભથી
શું આમ જ બનતું રહેશે અંત સુધી ?
કચરો વાળી, પોતાં કરી, કપડાં ધોઈ, રસોઈ કરી, વાસણ કરી, લેસન કરી,
મમ્મીના માથામાં તેલ નાખી
હું ઝરૂખામાં ઊભી હોઉં જરાક
ને એ આવે, ના પાડું તોય આવે, નફ્ફટ થઈને આવે
લટ રમાડે, દુપટ્ટો ઊલાળે, હળવુંક સ્પર્શી લે, સહેજ વહાલ કરી લે,
ભીંસી નાખે, ગૂંગળાવી દે,
લલચાવે, લજ્જાવે, લયલીન કરી દે, બોલાવે,
કદીક બેફામ બને, મને આવકારે, ‘આવી જ જા અહીં’ એમ કહે……
ને હું અનાયાસ આકર્ષાઈ જાઉં પેલા ખુલ્લા આકાશના માદક પવનથી
સાવ એમ જ હું ચડું ઊંચી આકાશમાં સહેજ અધ્ધર
અને મારી પાંખોને કાપી નાખે અધવચ્ચ
બે ખાલી ધારદાર કરવત-શી આંખો
આ જ રોજનો ક્રમ બની ગયો છે પછી તો
અનિચ્છાએ કોઈ અધ્ધર ઊડાડે
અનિચ્છાએ કોઈ અધવચ્ચથી કાપે
ઊગવું-આથમવું, વધવું-વેરાવું, ખીલવું-ખરવું, વિસ્તરવું-વિખરાવું…
શું આ જ છે જીવનનો ક્રમ ?
માડીનો મેઘ કયાં વરસે રે લોલ ?
દાદાનો દેશ કયાં ડૂબી ગયો રે લોલ ?
અમે કેવી તે ઊડણવનની ચરકલડી કે ચકરાવાનો આવે ન અંત કયાંય ?
કયાં છે સાહ્યબો ગુલાબનો ગોટો ?
કયાં છે પારણામાં પોઢનાર મારું પંડ ?
હું જમું છું થોડુંક અન્ન અને થોડુંક જીવતર ખંખેરી નાખું છું
હું પહેરું છું વસ્ત્ર અને આશાને જીર્ણ કરી નાખું છું
હું ચાલું છું થોડાંક પગલાં અને થોડી થોડી મને ભૂંસતી જાઉં છું
હું થોડુંક હસું છું અને જાજેરી મને વહાવી દઉં છું
જયારે જયારે જમીન ખોતરું છું ત્યારે ત્યારે ઈચ્છાઓને દફનાવતી જાઉં છું
મને ગમે છે સજધજ
હું ય કરું છું ને શણગાર
આંખ આંજુ છું હું ય
પણ હું છું એક ન ગમતી દીકરી
જે આંખો આંજી આંજીને અંધારાને જ વધારે ઘટ્ટ કર્યા કરે છે !
ન રંગીન સ્વપ્નનો રસ્તો
ખુદનો જ પડછાયો મને ડસતો
કોનું મનરંજન ?
હું છું અંધારાનું અંજન…
હું છું અંધારાનું અંજન…!!!

નિસર્ગ આહીર

તું જ તું

તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ,
ઊંચી દીવાલો જ્યાં ડારતી, હવે જોઉં તો ફૂલોની કેડી થઈ;

માંડમાંડ મહોરે થોડાં ફૂલ
લોકો આપણી જ ફોરમને ચૂંટે,
ચારેકોર ચાહત છલકાતી હોય
ને ભીતર તો કંઈ કેટલુંય ખૂટે,
તારી નજરનો નેહ નીતયર્યો પછી મારામાં નદીઓ વહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ;

આવી છે તો પૂરેપૂરી આવ,
હુંય મારી જાતને ખાલી કરું,
વાદળની જેમ વિસ્તરી જા,
તને આયખામાં આખેઆખી ભરું,
તું છો જ મારા માટે એમ વાયરાએ વાદળાંએ વાત કહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ;

મારું હોવું એટલે શું ? બસ,
આઠે પહોર તારી આંખને ગમવું,
પુષ્પપથારી જેવી જિંદગી,
તારું રુમઝુમ ઝાકળ જેમ ઝમવું,
મેં કહ્યું ‘બહુ વાર થઈ, હવે જા’ ને તોય તું તો રહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ.

નિસર્ગ આહીર : જુલાઈ ૯, ર૦૦૯

તું

એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું
અંગેઅંગ રંગ અનંગ રણઝણે ને પછી થાય તું

ઉછીની તારી નજર માગી
નભ ખૂદનું નીરખે રૂપ
બેચાર વાદળી ટોળે વળી
ભરતી રહે ભીતરના કૂપ
જ્યાં ગીત ન એકે ગૂંજે ત્યાં ત્યાં વરસતી જાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું

રૂપ તારું સખી, એવું સુગંધી
ફૂલ ને ભમરા ખબર પૂછે,
હૈયેથી કેવું હેત નીતરે
કે ઝાકળ સુખનું આંસુ લૂંછે ?
તું સુખશૈય્યામાં સુતી હો ને સપનું મજાનું ગાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું

કામણ તારું જાણે કોયલ
કે આંબે આંબે ઘૂમે ઝૂમે,
મનમાં તારી શી મંજરી મહોરી
કે પાંદડે પાંદડું ચૂમે,
કદી તનમાં, કદી વનમાં, કદી પવનમાં વાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું

નિસર્ગ આહીર : જુલાઈ ર, ર૦૦૯

તે તું

પારકા ગઢ વચ્ચે પોતીકાપણું થઈ જે વાગે તે તું,
ઘોંઘાટ સૌ શમી જાય પછી અંગત જે જાગે તે તું;
સુખ આપે, સૌંદર્ય આપે, હેત આપે, હૂંફ આપે,
બધું જ બધાને આપીને પણ જે કંઈ ન માગે તે તું;
આમ જોઉં તો સીધીસાદી નમણી રૂપાળી એક છોકરી,
તોય જીવતરનો ઝાઝેરો ભાગ જે લાગે તે તું;
સંબંધમાં તો આશા હોય બેચાર ફૂલોની કે સુગંધની,
જે અનહદ અઢળક અપરંપાર બહેકે બાગે તે તું.

નિસર્ગ આહીર : જુલાઈ ૮, ર૦૦૯.

દિલમાં સ્થાપું

તને ગમે તો સાવ સાચું સગપણ આપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

રસ્તે ચાલતાં મળી રહે જાત જાતના લોક
આપણા જેને કહીએ એવા કોઈ એમાં ન હોય
ચહેરા ગમી જાય કદાચ કોઈ રૂપાળા
ચાહત ચપટીક માંગીએ ત્યાં તો ખોબેખોબે રોય
અડધા પડધા એવા સંબંધો કાયમ ઉથાપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

બોલવા ખાતર બોલીએ ગાવા ખાતર ગાઈએ
મનમાં ગુંજે એવું અમથું ઊગે નહિ કોઈ ગીત
તોલી તોલીને માણસ જોઈએ તોલીને સગપણ
આવી ગોઠવણીમાં કયાંથી પ્રગટે સાચી પ્રીત ?
કોઈક અંકુર મારામાં ઊગે તો ન કાપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

સઘળા લોકો સગવડિયા, સગવડિયા સંબંધો
કોઈક કદાચ જુદું વિચારે તો એને અવગણે
ઈચ્છા રાખે આરતીની ને ખોબા જેવડું મન
સાચ્ચે સાચ્ચી ઝાલર એમાં કયાંથી રણઝણે ?
ઝરૂખે બેસી બેસી જૂઠ્ઠાણાની છાયા માપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

તને ગમે તો સાવ સાચું સગપણ આપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

નિસર્ગ આહીર : ડીસેમ્બર ૮, ર૦૦૮.