તું જ તું

તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ,
ઊંચી દીવાલો જ્યાં ડારતી, હવે જોઉં તો ફૂલોની કેડી થઈ;

માંડમાંડ મહોરે થોડાં ફૂલ
લોકો આપણી જ ફોરમને ચૂંટે,
ચારેકોર ચાહત છલકાતી હોય
ને ભીતર તો કંઈ કેટલુંય ખૂટે,
તારી નજરનો નેહ નીતયર્યો પછી મારામાં નદીઓ વહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ;

આવી છે તો પૂરેપૂરી આવ,
હુંય મારી જાતને ખાલી કરું,
વાદળની જેમ વિસ્તરી જા,
તને આયખામાં આખેઆખી ભરું,
તું છો જ મારા માટે એમ વાયરાએ વાદળાંએ વાત કહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ;

મારું હોવું એટલે શું ? બસ,
આઠે પહોર તારી આંખને ગમવું,
પુષ્પપથારી જેવી જિંદગી,
તારું રુમઝુમ ઝાકળ જેમ ઝમવું,
મેં કહ્યું ‘બહુ વાર થઈ, હવે જા’ ને તોય તું તો રહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ.

નિસર્ગ આહીર : જુલાઈ ૯, ર૦૦૯

તું

એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું
અંગેઅંગ રંગ અનંગ રણઝણે ને પછી થાય તું

ઉછીની તારી નજર માગી
નભ ખૂદનું નીરખે રૂપ
બેચાર વાદળી ટોળે વળી
ભરતી રહે ભીતરના કૂપ
જ્યાં ગીત ન એકે ગૂંજે ત્યાં ત્યાં વરસતી જાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું

રૂપ તારું સખી, એવું સુગંધી
ફૂલ ને ભમરા ખબર પૂછે,
હૈયેથી કેવું હેત નીતરે
કે ઝાકળ સુખનું આંસુ લૂંછે ?
તું સુખશૈય્યામાં સુતી હો ને સપનું મજાનું ગાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું

કામણ તારું જાણે કોયલ
કે આંબે આંબે ઘૂમે ઝૂમે,
મનમાં તારી શી મંજરી મહોરી
કે પાંદડે પાંદડું ચૂમે,
કદી તનમાં, કદી વનમાં, કદી પવનમાં વાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું

નિસર્ગ આહીર : જુલાઈ ર, ર૦૦૯

તે તું

પારકા ગઢ વચ્ચે પોતીકાપણું થઈ જે વાગે તે તું,
ઘોંઘાટ સૌ શમી જાય પછી અંગત જે જાગે તે તું;
સુખ આપે, સૌંદર્ય આપે, હેત આપે, હૂંફ આપે,
બધું જ બધાને આપીને પણ જે કંઈ ન માગે તે તું;
આમ જોઉં તો સીધીસાદી નમણી રૂપાળી એક છોકરી,
તોય જીવતરનો ઝાઝેરો ભાગ જે લાગે તે તું;
સંબંધમાં તો આશા હોય બેચાર ફૂલોની કે સુગંધની,
જે અનહદ અઢળક અપરંપાર બહેકે બાગે તે તું.

નિસર્ગ આહીર : જુલાઈ ૮, ર૦૦૯.

દિલમાં સ્થાપું

તને ગમે તો સાવ સાચું સગપણ આપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

રસ્તે ચાલતાં મળી રહે જાત જાતના લોક
આપણા જેને કહીએ એવા કોઈ એમાં ન હોય
ચહેરા ગમી જાય કદાચ કોઈ રૂપાળા
ચાહત ચપટીક માંગીએ ત્યાં તો ખોબેખોબે રોય
અડધા પડધા એવા સંબંધો કાયમ ઉથાપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

બોલવા ખાતર બોલીએ ગાવા ખાતર ગાઈએ
મનમાં ગુંજે એવું અમથું ઊગે નહિ કોઈ ગીત
તોલી તોલીને માણસ જોઈએ તોલીને સગપણ
આવી ગોઠવણીમાં કયાંથી પ્રગટે સાચી પ્રીત ?
કોઈક અંકુર મારામાં ઊગે તો ન કાપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

સઘળા લોકો સગવડિયા, સગવડિયા સંબંધો
કોઈક કદાચ જુદું વિચારે તો એને અવગણે
ઈચ્છા રાખે આરતીની ને ખોબા જેવડું મન
સાચ્ચે સાચ્ચી ઝાલર એમાં કયાંથી રણઝણે ?
ઝરૂખે બેસી બેસી જૂઠ્ઠાણાની છાયા માપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

તને ગમે તો સાવ સાચું સગપણ આપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું

નિસર્ગ આહીર : ડીસેમ્બર ૮, ર૦૦૮.

ન આવજે મારા દેશમાં

પગલાં ન જડે એવો પ્રસંગ પાથરી કહી દીધું, ન આવજે મારા દેશમાં,
ટપટપ વરસ વહી ગયાં તોય કદી કદી નદી જડી આવે એના વેશમાં;
લાલ લાલ ફૂલનો પીળો પરાગ
કાળા કાળા ભમરાને એ શું કહેશે ?
બાગમાં તો બધું બેફામ હોય
તો કોણ પાક્કા ઘરમાં જઈ રહેશે ?
પાંદડી સંગ પોત પથરાતું ભોમ પર ને આયખું લટકે અધ્ધર રવેશમાં;
પથારીમાં પંડ પડખાં ઘસે એમાં ડાયરીનાં પાનાંએ શું થરથરવાનું ?
બહુ મજાનું છે જાતને દૂરથી જોવી
શબ્દમાં પેસવાનું પાછું ફરવાનું, ક્યાં આખી રાતને ગૂંથવાની વાત, ક્યાં ગૂંચવાવું આ એકેક કેશમાં !

‘છે’ અને ‘નથી’ની કેટલીય જાતરા પછી
પ્રસન્ન થયાં આ પ્રશ્નનાં દેવી,
એકેય આંખ નથી કુંવારી કોને લાલ લાલ અંધારાંની વાત કહેવી ?
આંખમાં સમાય નહિ કદીય પછી સપનાં રેલાય છે ગાલ પર મેશમાં.

પગલાં ન જડે એવો પ્રસંગ પાથરી કહી દીધું, ન આવજે મારા દેશમાં,
ટપટપ વરસ વહી ગયાં તોય કદી કદી નદી જડી આવે એના વેશમાં.

નિસર્ગ આહીર : 23 નવેમ્બર, 2010

નીસીમ

આ અને આવી બીજી રાતનો ડર લઈ ફરું,
તું હોય જો પાસે તો મારો નિબિડ કર ધરું,
જે શકયતાઓ હતી, વર્ષો સુધી તપાસતો રહ્યો,
હવે કોઈ પણ ફરિયાદ વગર તારા તરફ પાછો ફરું,
કશું જ ન કરી શકવાનો વસવસો ઘેરી વળે,
બેવડી ગતિથી સમય બસ ખંખેરતો રહું,
શું કરી શકાયું હોત તારી ચાહતમાં એ પ્રશ્ન નથી,
કેમ કોઈ ન ચાહી શકયું મને એ જ વિમાસતો રહું,
આ અવસર આનંદ માટે જ ગોઠવવામાં આવ્યો હતો,
અંતે વિષાદ ઘરને ઘેરી વળ્યો, તને શું કહું ?
આવનારા દિવસો એક છળ હોઈ શકે છે.
હું કંઈ જ ન હોવાનો પ્રવાહ લઈ વહું,
અણગમતું તો કંઈ કેટલું આસપાસ ખડકાયા કરે,
ગમતું પામવા જતાં ન પામવાનું જ પામતો રહું.

નિસર્ગ આહીર : ૧૦ ફેબ્રુઆરી, ર૦૦૮

પલપલ

ખબર નથી કે કેમ કરું છું,
પલપલ તને પ્રેમ કરું છું;
એવી તો તું કેવી ઝાકળ,
હુ જાણું નહિ ને મન ઝીલે,
એકવાર મેં આંખે રોપી
ને તું કાયમ મારામાં ખીલે,
મારા ભવમાં તને જ ભરું છું,
પલપલ તને પ્રેમ કરું છું;
નસેનસ નદી શી ભરું,
તારા નામે દરિયો સ્થાપું,
તારે જો વરસવું છે તો,
આખું ચોમાસું તને આપું,
હું આખેઆખો તને ધરું છું,
પલપલ તને પ્રેમ કરું છું;
તારે ચહેરે ચાંદો ચણે
ચાહત ચણ નાખે છે,
ચારેય દિશા ચાહક
ચપટી ચપટી ચાખે છે,
હું તો આકંઠ તને ચરું છું,
પલપલ તને પ્રેમ કરું છું.

નિસર્ગ આહીર : જુલાઈ ર૪, ર૦૦૯

પહેલો પડાવ

ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવ

ટબમાં હોડી તરે, બધાં ચોમાસાં બકેટમાં ડૂલ
સાવ સાંકડું ઘર ને ઊંચી ઊંચી ફાલી છે સ્કૂલ
ક્રિકેટનું મેદાન તો ચોકીદારની આંખ જેવડું
ડોસાનો કાયમી કકળાટ કે છોકરાંવ ઘેર જાવ
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવ

પેલા મોનુની બાઈક પર સોનુનું સપનું જાગે
મન મારું અધરાતે આઈ-પેડ, આઈ-ફોન માગે
મારી ભૂખમાં ઊગ્યા મૅકડોનલ્સ ને ડામિનોઝ
દાદી કહે કે દીકુ મારા, જુવારનો રોટલો ખાવ
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવ

તમારી દેશ-દુનિયાની ચર્ચામાં કયાંય હું છું ?
ચોપડીમાં નથી એવા એવા સવાલો કોને પૂછું ?
કદીક તો ટી.વી. ઓફ કરી મને ઓન કરો
કોઈને દેખાય નહિ એવા એવા પજવે છે ઘાવ
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવ

મામ, તું દેખાડે એ ચાંદો તો માંદો ને ઝાંખો
ડૅડ, સમજા ને ? મારી આંખોને પોતાની પાંખો
તમારી બારીએ પડદો પડે ને સવાલો જાગે
મને કોણ આપે ઉત્તર, મારે કોને કરવી રાવ ?
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવ

નિસર્ગ આહીર : ફેબ્રુઆરી ર૪, ર૦૧૩

પ્રતીતિ

હસતો તારો ચહેરો જોઈ હૈયું બસ એક જ વાત કહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે

એક અનોખું વાદળ આવી
જાણે ધોધમાર વરસી ગયું
સપને સપને ઝાકળ હતી
હવે સુખનું સરવર થયું
છલોછલ વહેતી નદી જોઈ થાય કે તું જ કલકલ વહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે

કદીક કોયલ લાવે ટહુકો
કદીક આખી વસંત લાવે
લીલાંછમ પાંદડાં પહેરાવી
રોમેરોમ ફૂલોને વાવે
આસપાસ અમળાતો નટખટ પવન તારી સુગંધ ચહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે

નિસર્ગ આહીર : જૂન ૩૦, ર૦૦૯

પ્રેમ-અનુનય

દિલના કોઈક ખૂણે ઘર કરવું છે, કરવા દેને
તારામાં હુંપણું ભરવું છે, ભરવા દેને
હર દૃશ્યના રાજવી જેવો મોભો મારો
સહેજ આંખોમાં તરવું છે, તરવા દેને
પીળું પીળું પાંદ નહીં, કૂંપળરૂપે ખરું
કમોસમી તારે આંગણ ખરવું છે, ખરવા દેને
ફૂલ, શ્રીફળ, મેવા; જેવી જેની શક્તિ-ભક્તિ
મારે સપનું ચરણે ધરવું છે, ધરવા દેને
મોક્ષ મારો બે નીલી નીલી આંખોમાં ઝૂરે
થાય કે અંદર ડૂબી મરવું છે, મરવા દેને

નિસર્ગ આહીર : ૧૩ ફેબ્રુઆરી, ર૦૧૩