હજી યે નરસિંહનાં પ્રભાતિયાં ગુર્જરીકાનનમાં ગુંજે છે : ‘હે જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા…’. મીરાંનો મર્મ હૈયાંને હજી યે ઘેલાં કરે છે : ‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે…’. પાનબાઈ, ગંગાસતી, રવિસાહેબ, ભાણસાહેબ, તોરલ એ બધાં હજી રાતને રળિયાત કરવા ઊતરી આવે છે. ‘વીજળીને ચમકારે મોતીડાં’ સદીઓથી લોકો પરોવતા આવ્યા છે. તુલસીદાસ, કબીર કે મહાપ્રભુજીનો ભાવાવેશ હજી યે કોઈના મુખ પરે ઝળકી રહે છે. કયું તત્ત્વ છે આ, કયું સત્ત્વ છે આ, જે લોકોને ભાવચેતના સાથે એકાકાર કરે છે ? ઉત્તરરૂપે એટલું જ જડે કે શબ્દનું સત્ય અને સૌંદર્ય એમાં એટલું તો ઘનીભૂત થયું છે કે હજી ય રસ અને ભાવની અસ્ખલિત ધારારૂપે ભીંજવી રહે છે.
આની સામે એક બીજું કડવું સત્ય, સાંપ્રત વાસ્તવને મૂકવા માગું છું : હમણાં ગુજરાતી કવિતાનું એક નવા દૃષ્ટિકોણથી સંપાદન હાથ પર લીધું છે. એ કારણસર પ્રસિદ્ધ વાંચનાલયમાંથી કાવ્યસંગ્રહો મેળવું છું. ખૂબ દુઃખ થાય છે કે આપણે જેને ઉત્તમ કે મોટા ગજાના કવિઓ કહીએ છીએ એનાં કાવ્યો ધૂળથી આવૃત્ત છે અને વર્ષોથી વંચાયાં જ નથી ! એક બાજુ નરસિંહમીરાં છે, બીજી બાજુ સાંપ્રત કવિતાની આ સ્થિતિ છે. આપણને દુઃખ થાય તો પણ એ સ્વીકારવું જ રહ્યું કે કવિતા પ્રત્યે સરેરાશ માણસને જરા ય રસ રહ્યો નથી, પ્રેમ તો છે જ નહિ. કોઈ પણ સંસ્કૃત અને સભ્ય માણસને ચિંતા ઉપજે એવી આ સ્થિતિ છે. આમ કેમ થઈ રહ્યું છે ? ચિંતા, ચિંતન અને સમજણને કારણે મને જે જવાબો મળે છે તે મુક્તમને મૂકવા માગું છું :
૧. શબ્દ એનું સત્ત્વ ગુમાવી બેઠો છે. માણસો પારાવાર જુઠ્ઠું બોલે છે એની એને ખબર પણ નથી અને સામેની વ્યક્તિ જુઠ્ઠું જ બોલે છે એવી પ્રતીતિ તો છે જ. કારણ વગર પણ માણસ જુઠ્ઠું બોલે છે. કોઈ મોટું પ્રયોજન હોય તો સમજી શકાય, પણ સાવ નાનાં નાનાં કારણો લઈને પણ તે જુઠ્ઠું બોલે છે. આ જુઠ્ઠાણાંને કારણે, અંગત રીતે શબ્દને અભડાવ્યો હોવાને કારણે દરેક શબ્દમાં એને અધુરપ લાગે છે. પરિણામે શબ્દ એનું મૂળ પ્રયોજન, સત્ત્વ, પ્રાથમિક અર્થ ખોઈ બેઠો છે. જેમકે આપણે કોઈને કહીએ કે ‘આવજો’ તો એમાં ખરેખર આવવાનો ભાવ કેટલો હોય છે તે તપાસીએ છીએ ખરાં ? અથવા કોઈને એમ કહીએ કે ‘અમે ચોક્કસ તમારે ત્યાં આવીશું’ એમાં ‘ચોક્કસ’નો અર્થ વસ્તુતઃ ઉમેરીએ છીએ ખરાં ?
ર. કૃતક, છદ્મવેશી, અર્થહીન અને બબૂચક બકવાશનો આ જમાનો છે. બીજાને પ્રભાવિત કરવા માટે, આંજી નાખવા માટે, લલચાવવા માટે, પોતાનું જ્ઞાન સાબિત કરવા માટે, માત્ર અન્યને સારું લગાડવા માટે આપણે કારણ વગર શબ્દોનો જમેલો કરીએ છીએ. જાહેરાતની દુનિયાથી માંડીને ‘હું તને આખું આકાશ ભરીને પ્રેમ કરું છું’ એમ અંગત એકરાર સુધી આપણે શબ્દોની મોહજાળ રચીએ છીએ જે શબ્દનું શબ્દપણું ખોઈ નાખે છે.
૩. કવિતામાં આવતો શબ્દ પણ કૃતકતા અને દંભ લઈને આવે છે. જેની પોતાને જરા પણ પ્રતીતિ નથી, નિજનું દર્શન નથી, આગવી અનુભૂતિ નથી તેને કાવ્યવિષય બનાવીને, ‘કવિ’ તરીકેની પદવી મળે અને ‘વાહ વાહ’ થાય તેવા મોભા ખાતર જ કાવ્યરચના થાય છે. અત્યારે કવિતા લખવી ખૂબ જ સરળ છે. થોડીક પ્રતિભા હોય અને ઘણો બધો આયાસ હોય એટલે કવિ થવું ખૂબ આસાન છે. આ વાતને હું આમ સમજાવવા માગું છું : સાહિત્યના વિદ્યાર્થી કે શિક્ષક પાસે ગ્રંથસ્થ કાવ્યસંગ્રહો છે; તે અંગેનાં વિવેચનો છે; કાવ્યમાં પ્રયોજાતી રચનારીતિ એવી પ્રતીક, કલ્પન, કાવ્યબાની, છંદ, અલંકાર ઈત્યાદિની સમજ છે તો થોડીક છેકભૂંસથી આસાનીથી કવિ થઈ શકાય છે. આ બધાં ઓજારો છે, જેનાથી કાવ્યસદૃશ પદાર્થ ઘડી તો શકાય જ. સૌથી મોટી બાબત એ છે કે અત્યારે સાહિત્યનાં સેંકડો સામયિકો છે તેમને પાનાંઓ ભરવાની જરૂર હોય જ છે. એટલે કવિપદવાંચ્છુંઓને ‘કવિ’ થયાનો આનંદ મળે છે. એક ચિંત્ય બાબત એ પણ છે કે વર્તમાનમાં ‘પ્રસ્તાવના’ લખી આપવા પણ ઘણા તત્પર હોય છે. મારો અનુભવ છે કે આ પ્રકારની પ્રસ્તાવનામાં માત્ર કવિતાનાં વખાણ જ કરવામાં આવે છે, કવિતા વખાણવાયોગ્ય ન હોય તો પણ. ભાગ્યે જ કોઈ કવિતાનાં નબળાં પાસાંઓને તીવ્ર રીતે વખોડે છે. અત્યારનું વિવેચન પણ શંકા ઉપજાવે તેવું છે. મોટા ભાગના કહેવાતા ‘વિવેચકો’ સજજતા વગરના, કાવ્યપદાર્થની સમજ વગરના હોય છે, એટલે ગતાનુગતિક અહેવાલ આપ્યા સિવાય કશું જ નવું કરતા નથી. પારિતોષિકો, ચંદ્રકો કે ઈનામો પણ એટલાં બધાં છે કે કોઈકને તો આપવાં જ પડે. એટલે આવા કાવ્યસંગ્રહોને એ પણ સહજ રીતે મળી જાય છે. આ બધાંનું તારણ એ જ કે કાવ્યરચના પરત્વે કોઈ જ ગંભીર માપદંડો ઊભા થતા ન હોવાને કારણે કવિતા કે કાવ્યસંગ્રહ પ્રગટ કરવા સરળ છે અને ‘કવિ’નું પ્રતિષ્ઠિત વિશષેણ સાવ સસ્તામાં પ્રાપ્ત કરવું સરળ છે. આ કારણોસર કવિતાએ, શબ્દના સત્ત્વે ખૂબ જ સહન કરવાનું આવ્યું છે.
૪. અત્યારે ગીત અને ગઝલનું ચલણ છે અને ગંભીર કવિ થવું હોય તો સૉનેટ ઉત્તમ ઓજાર છે. એ ખરું કે છંદની માવજત માગી લે છે એટલે સૉનેટમાં બહુ ઓછાનો પ્રવેશ થાય છે. હકીકતએ છે કે આપણે ગીત-ગઝલ કરતાં સૉનેટ કે છંદોબદ્ધ કાવ્યને વધારે મહત્ત્વ આપીએ છીએ, પણ મારો બહુ જ સ્પષ્ટ મત છે કે સૉનેટમાં બહુધા છંદમાં લખાયેલી ગદ્યકથાથી વિશેષ કઈં જ નથી હોતું. આપણે ત્યાં બહુ જ મોટા ગણાયેલા સૉનેટકવિઓની રચનાઓ તપાસવાથી એ તદ્દન સ્પષ્ટ થશે. એમાં કૃતકતા અને ઊર્મિમાંદ્યતા હોય છે. ગઝલ સૌથી ચલણી, તરત જ ખપી જતો પદાર્થ છે પણ એ ખૂબ જ જોખમી છે તેની બહુ ઓછાને સભાનતા છે. માત્રામેળ છંદ, રદીફ અને કાફિયાની સમજ આવી જતાં કાવ્યાભાસી રચનાઓનો હાઈબ્રીડ ફાલ ઊતરવા લાગે છે. કવિસંમેલનોમાં ગઝલ જ તાડીઓ પડાવે છે. એનું કારણ બહુ ઓછાને ખબર છે કે ગઝલમાં દરેક શે’ર સ્વતંત્ર હોવાને કારણે, માત્ર બે જ મિસરામાં ભાવ બંધાતો હોવાને કારણે, તુરત જ રસાનુભૂતિ થાય છે; જયારે ગીત, ગઝલ કે અછાંદસમાં સમગ્ર કૃતિ એક જ ભાવપિંડ લઈને આવતી હોય છે એટલે એ સમગ્રતામાં પમાય છે. બીજું કારણ એ પણ છે કે ગઝલ સભારંજની છે, એ પ્રસ્તુતિની કલા છે; એને કારણે તરત જ અપીલ કરે છે. અંગત અનુભવ એવો છે કે કવિ દ્વારા પ્રસ્તુત થયેલી ગઝલ, જેણે ખૂબ તાળીઓ પડાવી હોય કે ‘દુબારા, દુબારા’ નો અવાજો ઉઘરાવ્યા હોય, તે નીરવ શાંતિમાં વાંચવાથી સાવ જ ફિક્કી પણ જણાય. અત્યારનાં ગીતોમાં પરંપરામાં સ્થાપિત થયેલા એવા કૃતક રોમેન્ટિક ભાવ-લપેડા હોય છે અને ગઝલોમાં માત્ર ચાતુરીપૂર્વકનાં, ચબરાકિયાં વિધાન જ હોય છે. એમાં ક્યાંય રસ, ધ્વનિ ઈત્યાદિનાં ધોરણો અનુભવાતાં નથી. સમગ્ર રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે અત્યારની કવિતા એટલે આકર્ષક લાગતી શબ્દરમત અને રૂપકડી ભભક. કોઈને કવિ થવું હોય તો શું જરૂરી છે ? અત્યારની સ્થિતિને આધારે ઉત્તરો આ પ્રમાણે આપી શકાય : ૧. માત્રામેળ છંદો શીખી લેવા. ર. પ્રાસની સમજ હોવી જોઈએ. ૩. શબ્દોનો અન્વય નવી રીતે ગોઠવતાં આવડવો જોઈએ, એટલે પદક્રમ ઊલટાવતાં આવડવો જોઈએ, જેમકે ‘તારી આંખમાં આંસુ છલકે એ મીઠાં લાગે’ એમ નહિ, પણ ‘આંસુ છલકે તારી આંખમાં એ મીઠાં લાગે.’ પછી એમાં ‘દીઠાં લાગે’, ‘મજીઠાં લાગે’ ઈત્યાદિ રદીફ-કાફિયાથી કામ ચાલે. ૪. સીધેસીધું કથન કવિતામાં ખપતું નથી, એમાં ચાલાકી કે ચબરાકિયાપણું, વિશિષ્ટતા હોવી જોઈખે. જેમકે, ‘તું મારામાં પ્રેમરૂપે આવી’ એમ નહિ પણ ‘તું તો મારામાં ફૂટી નીકળેલ પ્રેમ નામની ડાળખી’ એમ લખો એટલે કવિતા થઈ કહેવાય. પ. વિષય ન મળે, અનુભવ ન હોય તો પણ ચિંતા નહીં. રસ્તા, વસંત, તડકો, દરિયો, બારણું, યાદ, તું, ઝરૂખો… બસ, આમાંથી કોઈને રદીફ તરીકે લઈ લો, ચાતુરીપૂર્વક કાફિયા મૂકી દો, એને છંદમાં ઢાળી દો એટલે તમે કવિ. બોલો, શી મોટી વાત છે કવિ થવામાં ? કોઈને કવિ થવું હોય તો મેં આ સરળ રસ્તા બતાવ્યા છે.
લખાણના પ્રસ્તારને કારણે હવે હું લાંબી યાદી આપવાનું ટાળું છું. તો, આવી સ્થિતિને કારણે આપણી કવિતાએ, સમગ્ર સાહિત્યે ખૂબ જ સહન કરવું પડ્યું છે. ઉપાય શું કાવ્યને જીવાડવાનો ? જરા એ વિશે પણ વિચાર કરીએ. તો, સૌ પ્રથમ તો આપણે શબ્દનું મહત્ત્વ સમજીએ. શબ્દ બ્રહ્મ છે, નાદ પણ બ્રહ્મ છે. આપણી પરંપરામાં બ્રહ્મથી મોટી કોઈ જ સંજ્ઞા નથી. જરા વિચારો, શબ્દને આટલું મહત્ત્વ આપવામાં આવેલું છે, પણ આપણે તો એને સાવ તુચ્છ કરી નાખ્યો છે. શબ્દ એક સાધના પણ છે, જીભના ટેરવે કે આંગળીના ટેરવે તરત જ વહેતું ધ્વનિરૂપ તો એ નથી જ નથી. અનુભૂત, પુરસ્કૃત, જયોતિર્રૂપ, ઉઘાડરૂપ એમ શબ્દને જયારે માનીશું અને એની તમામ અર્થવત્તા સાથે પ્રયોજીશું ત્યારે જ એ એના મૂળરૂપમાં પમાશે એ બધાએ સમજી લેવાની જરૂર છે. કવિમિત્રો, આપણે એ ખાસ સમજી લેવું જોઈએ કે સ્વરૂપજ્ઞાન, વિષયની માવજત, છંદ-અલંકાર પરનું પ્રભુત્વ, કલ્પનપ્રતીક જેવી રચનાપ્રયુક્તિઓ એ તમામ તો શબ્દનાં સહાયકો છે, પણ કવિતાનો પ્રાણ તો છે સંઘટ્ટિત ને સંયોજિત શબ્દ. જો એ શબ્દ આપણને એની સમગ્રતામાં ઝળહળ ન કરે તો બીજાંને એ પ્રફુલ્લિત કરે એમ માની લેવું ભૂલભરેલું છે. અને જે આપણે ન પામી શકીએ, માની ન શકીએ, પ્રતીત ન કરી શકીએ, આંનદી ન શકીએ એ શબ્દ કવિતા દ્વારા અન્યને પ્રભાવિત કરશે એમ કેમ માની લેવામાં આવે છે ? શબ્દપ્રાગટ્ય આપણી જરૂરિયાત છે કે પછી આપણે વિવિધ ઓજારો લઈને કવિતાને ઘડવા બેસીએ છીએ ? જો આ બન્ને વચ્ચેનો તફાવત સમજાય તો પણ બસ છે. મીરાં, નરસિંહ, તુલસી, કબીર કે આપણા સંતકવિઓ માટે શબ્દ તો સાધના હતી અને પોતાની સહજ અભિવ્યક્તિ હતી. તેઓ કોઈ કવિપદના વાંચ્છું નહોતા, મોહતાજ નહોતા જ. લોકોએ એને કવિ માન્યા છે. તે તો છે ‘ભક્ત નરસૈયો’ કે ‘દાસી મીરાં’.
શબ્દનું સત્ત્વ જો ઓળખાય, એનાં તમામ પાસાં, એની સમગ્રતા સાથે અવતરે તો જ કવિતા સ્પર્શે. શબ્દનું સૌંદર્ય પણ હોય છે, પણ આ સૌંદર્યની સાધના કરવી પડે છે. સતત શબ્દમય રહે એને જ એનું સૌંદર્ય મળે છે. જે સાધક નથી એને શબ્દસૌંદર્યનાં દર્શન જરૂર થાય છે, અનુભૂતિ થતી નથી. જે રીતે આપણે મંદિરમાં જઈએ અને મૂર્તિનાં દર્શન જરૂર થાય, પણ એની પ્રતીતિ તો કોઈ નૈષ્ઠિક ભક્તને જ થાય એના જેવી જ આ બાબત છે.
કહેવાનું તાત્પર્ય એ જ છે કે શબ્દનો મહિમા કરીએ. એ જ બોલીએ જે બોલવું જ પડે, એ જ કહીએ જે કહ્યા વિના ચાલે જ નહિ, એ જ લખીએ જે માંહ્યલો લખાવે. નહિતર કવિસંમેલનો થશે, કાવ્યો પ્રગટ થશે, સંગ્રહો છપાશે, પુરસ્કારો મળશે, નામ થશે, વાહ વાહ થશે પણ શબ્દ નિર્જીવ થઈ ક્યાંક પડયો રહેશે. આપણે એનું સત્ત્વ અને સૌદર્ય પામીશું નહિ તો શબ્દ જીવંત નહિ રહે, સચેત નહિ રહે અને પરિણામે કોઈને ય સ્પર્શશે નહિ. એ એક આયાસ બની રહેશે, અનુભૂતિ નહિ રહે. ‘લોકોને સાહિત્યમાં રસ જ નથી’ એમ ફરિયાદ કરવાને બદલે એમ સ્વીકારીએ કે સાહિત્યકારો જ શબ્દોના દલાલ બની ગયા છે, ભક્ત કે આરાધક નહિ. લોકો કવિતાથી દૂર ગયા છે એ સત્ય છે, પણ એથી ય મોટું સત્ય એ છે કે શબ્દનું સત્ય અને સૌંદર્ય સમગ્ર રીતે અવતરિત થશે ત્યારે શબ્દ સાથેની નિસબત પાછી સ્થપાશે. આપણે એવા દિવસોની પ્રતીક્ષા નહિ, પૂર્વતૈયારી કરીએ એ જ અભિપ્રેત છે.
નિસર્ગ આહીર
ગવર્નમેન્ટ આર્ટ્સ કૉલેજ
શ્રી કે. કા. શાસ્ત્રી શૈક્ષણિક સંકુલ
મણિનગર, અમદાવાદ
Leave a Reply