અડધા છૂટેલા શબ્દથી વેરાયું મૌન હવે આંગણામાં ઝાડ થઈ લહેરે
જે જે ચૂકી ગઈ કહેવાનું તે બધું સૂક્કાં પાંદડાંની સંગ કોઈ ખંખેરે
આંખમાં આવ્યાં તે આંસુ કહેવાય
મારે મન કોઈ ગેબી મંદિરની ફરફરતી ધજા
ભીની આંખે બોલ બધા ભૂંસી નાખે
તારા જેવી જ માસુમ હોય છે તારી સજા
ધીમે ધીમે તું આશાનાં મોતી પરોવે ને કારણ વગરનાં પાછાં વેરે
અડધા છૂટેલા શબ્દથી વેરાયું મૌન હવે આંગણામાં ઝાડ થઈ લહેરે
હોય શું મારી ઈચ્છાના વૈભવમાં
આરંભથી અંત સુધી ‘તું’ નામનાં ફૂલો
હવે તો આસપાસ કોઈ વેલ વળગી છે
કહે કાનમાં કે પ્રેમ એટલે સુગંધનો ઝૂલો
કદી સપન રૂપે કદી સ્મરણ રૂપે કદી કોઈ નામ વગર આ કાયા તને જ પહેરે
અડધા છૂટેલા શબ્દથી વેરાયું મૌન હવે આંગણામાં ઝાડ થઈ લહેરે
નિસર્ગ આહીર : મે રપ, ર૦૧૦
Leave a Reply