ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવટબમાં હોડી તરે, બધાં ચોમાસાં બકેટમાં ડૂલ
સાવ સાંકડું ઘર ને ઊંચી ઊંચી ફાલી છે સ્કૂલ
ક્રિકેટનું મેદાન તો ચોકીદારની આંખ જેવડું
ડોસાનો કાયમી કકળાટ કે છોકરાંવ ઘેર જાવ
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવપેલા મોનુની બાઈક પર સોનુનું સપનું જાગે
મન મારું અધરાતે આઈ-પેડ, આઈ-ફોન માગે
મારી ભૂખમાં ઊગ્યા મૅકડોનલ્સ ને ડામિનોઝ
દાદી કહે કે દીકુ મારા, જુવારનો રોટલો ખાવ
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવતમારી દેશ-દુનિયાની ચર્ચામાં કયાંય હું છું ?
ચોપડીમાં નથી એવા એવા સવાલો કોને પૂછું ?
કદીક તો ટી.વી. ઓફ કરી મને ઓન કરો
કોઈને દેખાય નહિ એવા એવા પજવે છે ઘાવ
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવમામ, તું દેખાડે એ ચાંદો તો માંદો ને ઝાંખો
ડૅડ, સમજા ને ? મારી આંખોને પોતાની પાંખો
તમારી બારીએ પડદો પડે ને સવાલો જાગે
મને કોણ આપે ઉત્તર, મારે કોને કરવી રાવ ?
ક્યાં કરું મુકામ ? મારી સમજણનો પહેલો પડાવ
કાયા પરથી આજ ઊતારી દીધો બચપણનો દાવ
નિસર્ગ આહીર : ફેબ્રુઆરી ર૪, ર૦૧૩
Leave a Reply