તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ,
ઊંચી દીવાલો જ્યાં ડારતી, હવે જોઉં તો ફૂલોની કેડી થઈ;માંડમાંડ મહોરે થોડાં ફૂલ
લોકો આપણી જ ફોરમને ચૂંટે,
ચારેકોર ચાહત છલકાતી હોય
ને ભીતર તો કંઈ કેટલુંય ખૂટે,
તારી નજરનો નેહ નીતયર્યો પછી મારામાં નદીઓ વહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ;આવી છે તો પૂરેપૂરી આવ,
હુંય મારી જાતને ખાલી કરું,
વાદળની જેમ વિસ્તરી જા,
તને આયખામાં આખેઆખી ભરું,
તું છો જ મારા માટે એમ વાયરાએ વાદળાંએ વાત કહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ;મારું હોવું એટલે શું ? બસ,
આઠે પહોર તારી આંખને ગમવું,
પુષ્પપથારી જેવી જિંદગી,
તારું રુમઝુમ ઝાકળ જેમ ઝમવું,
મેં કહ્યું ‘બહુ વાર થઈ, હવે જા’ ને તોય તું તો રહી,
તેં કહ્યું કે ‘હું છું’ ને સખી, અહીં આખી વસંત વરસી ગઈ.
નિસર્ગ આહીર : જુલાઈ ૯, ર૦૦૯
Leave a Reply