એક છોકરો છોકરીને કહે, વહાલી, વાદળ ભરીને તને વહાલ કરું
હું એમ કદી નહિ કહું, સખી, સાવ નોખી છે મારી ચાહવાની રીત
હું નામના પવનમાં તું નામની ગંધ જો છે તો છે, એનો સરવાળો શું?
એટલું જ કહું કે મારી તો માછલી જેવી જાત અને પાણી એ જ પ્રીતતપતો સૂરજ પણ પારિજાત લાગે એવી એવી રાતો, જા, તને આપી
કોયલને વાવજે ,ચાંદાને લાવજે પછી ઢોલિયે મખમલી અહેસાસ ઢાળજે
સપન રોળે, સુખ ઢોળે કે કોઈ અમથું સતાવે એમ પણ બને, સખી
એને ઈશારે ઊડતી નહિ લગીર, તું જ તારા પોતીકા મોરલાને પાળજે
આપણે તો આપણા નામનું કુંડાળું દોરવું સાવ ચાંદાની લગોલગ
હાંફીને હોડમાં ઊતર્યા એને પૂછ કે પ્રેમમાં તો શેની હોય હાર કે જીત ?
એક છોકરો છોકરીને કહે, વહાલી, વાદળ ભરીને તને વહાલ કરું
હું એમ કદી નહિ કહું, સખી, સાવ નોખી છે મારી ચાહવાની રીતઉજાગરો એમ ઝરૂખે લહેરાવતી નહિ, સંકેલીને સિલકમાં રાખજે
એકલતા કુંવારી કેદ નથી પણ ગીતોનો ગઢ એવું પછી તને લાગશે
ચાંચમાં ચાંચ પરોવી બેસી ન રહે હંસલાની જોડ પણ ઊડે મલક પાર
તું તારી જાતને આરતી થઈ ગા પછી પળેપળ ઝાલર જેવું કંઈક વાગશે
કોઈનું ઉતારેલું અંધારું પહેરીને આપણે સપનાં જોવાં નથી એ સમજ
એણે ચુંબનમાં ચોમાસું જોયું તો જોયું પણ મને ગમી ઝીણી ઝાકળની રીત
એક છોકરો છોકરીને કહે, વહાલી, વાદળ ભરીને તને વહાલ કરું
હું એમ કદી નહિ કહું, સખી, સાવ નોખી છે મારી ચાહવાની રીત
નિસર્ગ આહીર : ૧૪.૧૦.ર૦૧૧
Leave a Reply