ચાલ સખી, શહેર છોડી કયાંક દરિયાકિનારે જઈએ,
બીજો બધો બોજો બાજુએ મૂકી મજાનાં મોજાં થઈએ.સંબંધના નામે છેતરે એવા લોકમાં
કોઈ પોતીકાની તલાશ છે,
હર ચહેરા પર મૃગજળના છાંટા
હવે થોડીક વર્ષાની આશ છે,
મોટા મહેલની માયા નહિ, એકબીજાની આંખમાં રહીએ,
ચાલ સખી, શહેર છોડી કયાંક દરિયાકિનારે જઈએ.હૈયું ખોલી કરીએ વાત
ઈચ્છાથીય અધિક સુખ આપીએ,
લેવાનું શું, દેવાનું શું?
લેણદેણથી સંબંધ નહિ માપીએ,
સમજવાનું સમજી લેશું સહજ, કારણ વગર ન કહીએ,
ચાલ સખી, શહેર છોડી કયાંક દરિયાકિનારે જઈએ.
નિસર્ગ આહીર : જુલાઈ ૧, ર૦૦૯.
Leave a Reply