આકાશની લગોલગ મારું ઘર તોય ચાંદથી જોજન જાણે દૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂરઆવ તું, હવે એકાંતઘેરા કોઈ તળાવના કાંઠા પર મળીએ
આપણે જ આપણા દિવસનાં રાજવી પછી રાત થઈ ઢળીએ
તું હોઠ પર મૂક થોડાં ગીત ને હું શ્વાસમાં ભરી લઉં સૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂરજલના તરંગે તરંગે જો કે ઇચ્છાનાં કમળ બસ ખીલતાં રહે
ફૂલ બીજાં ફૂલને આપણા જ સંબંધમાં ઊગેલી વાત કહે
હાથ તારો મારા હાથમાં હોય તો આખું તળાવ ચકચૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂરત્યાં પેલા ઝાડ પર જો, આપણા જ શબ્દોનાં પાંદડાં ઝૂલે
એકેએક મર્મરમાં કદી નહિ બોલાયેલી બધી વાતો ખૂલે
આપણે તો અહીંથી ઊભાં થઈશું પણ નીતરતું રહેશે નૂર
સખી, કોઈ ઈચ્છા ન બાકી તું ચાંદની-શી વરસે ભરપૂર
નિસર્ગ આહીર : ડીસેમ્બર ૧૦, ર૦૦૮
Leave a Reply