ઋતુ ઋતુના ચાંદ જોયા પણ રાતે તું ઊગે એવું તો કોઈ નહિ,
તાજાં તાજાં ફૂલ પર સોહે એ ઝાકળ તારા વિના જોઈ નહિ;
તને દૂરથી આવતી જોઈ મારામાં બેપાંચ ચોમાસાં વાવું, સૈ, ધોધમાર ધારા અધવચ્ચ અટકે એવું તે કેવું તારું જાવું?
અભાવભીનું આભ ઝીંકાયું માથે તો ય આંખ આ રોઈ નહિ;
ઋતુ ઋતુના ચાંદ જોયા પણ રાતે તું ઊગે એવું તો કોઈ નહિ;
વહાલ આપ ગાલ આપ પણ વહાલી, વિકલ્પ આપ નહિ,
કોઈ પળ કોઈ કૂંપળ નથી તારા વિનાની, એને કાપ નહિ,
સમય તો બધું લઈ લે લૂંટી લે, મેં તને કદીય ખોઈ નહિ;
ઋતુ ઋતુના ચાંદ જોયા પણ રાતે તું ઊગે એવું તો કોઈ નહિ.
નિસર્ગ આહીર : 1.7.2011
Leave a Reply