ના મૂંઝવણ, ના દંભ કરવો , ના શરમ , ના કશું છૂપાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
સખી, કદી સંકોચ ન રાખતી,
મનમાં જે આવે તે કહેજે,
હું તારી ઈચ્છાનું ખુલ્લું ઘર,
મારામાં મન ફાવે તેમ રહેજે,
જેવા છીએ તેવા એકબીજાને મળીએ, ન કદી ઉછીનું લાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
હસવાનું, રડવાનું, મળવાનું,
આપણા તો કેટલીય ભાતના નાતા,
કોઈનો સાવ શ્વેત સ્વાર્થ,
કોઈ પ્રેમમાં રત ગુલાબી રાતા,
બીજે ભલે ગમે તેવું હો, આપણું સગપણ સાવ નોખું નવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
મારું જે કંઈ ઉત્તમ તે આપું,
લાગણી વિના બીજું ન માગું,
મારું સુખ પાથરી સૂતી રહે,
તારી કવિતા ગાતો હું જાગું,
મારી ઈચ્છા બસ એટલી, સખી, કે તારે કદી ના દુ:ખી થવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
આપણા સંબંધને નામ ન દઈએ,
મળીએ ત્યારે સાચ્ચેસાચ્ચાં મળીએ,
કદી લાગણી ન બાંધી રાખવી,
એ જેમ ઢળે તે ઢળીએ,
જે ગમે તે કરી લેવું, ન ગમે તે નહિ, બીજું કશું ન વચ્ચે લાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
મારો ઈરાદો આ રહ્યો :
મારે તને અપરંપાર ગમવું છે,
જ્યાં સુધી તને ચાહી શકું,
તારી આંખોમાં રમવું છે,
તું કાયમ મજાનો બગીચો થા એવું એક સુખ તારામાં વાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું;
મારો કદી ન ભાર રાખીશ,
તું ચાહે તેને પ્રેમ કરજે,
બસ, તું હસતી રમતી
મારી સુખ નામની નદીમાં તરજે,
આપણું સાથે હોવું એટલે, સખી, એકબીજામાં અનહદ ફાવવું,
આપણા સંબંધમાં એવી હો મોકળાશ કે જ્યાં જવાય ત્યાં જવું.
જુલાઈ ૧૩, ર૦૦૯.
Leave a Reply