કવિ અને કવિતા

કલા માનવસંસ્કૃતિનું ઉચ્ચતમ અંગ છે. જીવનમાં સૌંદર્ય અને આનંદની રમણીયતા લાવનાર તત્ત્વ છે કલા અને સાહિત્યકલા એમાં સર્વોત્તમ છે. ‘શબ્દ અને અર્થનું સાયુજય એટલે સાહિત્ય’ એમ કહેવાયું છે, પણ વસ્તુતઃ સાહિત્ય એટલે શબ્દાર્થનો અનુપમ અન્વય. સાહિત્ય ગદ્ય અને પદ્યમાં અભિવ્યક્ત થાય છે. ગીત, ગઝલ, ખંડકાવ્ય, નવલકથા, નવલિકા નાટક ઈત્યાદિ એના પ્રસિદ્ધ પ્રકારો છે. સાહિત્યપ્રકારો એટલે સાહિત્યને વ્યકત થવા માટેનો ચોક્કસ આકાર કે સર્જનપિંડ.

કવિતા એટલે પદ્ય, પણ દરેક પદ્ય એટલે કવિતા નહીં. સર્જક હોવા માટેની ત્રણ પ્રાથમિક શરતો છે એમ મમ્મટ ‘કાવ્યપ્રકાશ’માં કહે છે. આ ત્રણ શરતો એટલે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ. કવિ જન્મતા હોય છે, બનતા નથી હોતા એમ પણ કહેવાયું છે. પ્રતિભાની, સતત અભ્યાસની, કાવ્યનાં તમામ અંગોની જાણકારીની, છંદોલયની, અવનવીન પ્રયોગો કરવાની કવિ પસે અપેક્ષા રહે છે. કવિ માટેની સૌ પ્રથમ  જરૂરી છે સંવેદનશીલતાની અને પોતાના કથનને વધારે ને વધારે સુંદરતાથી વ્યક્ત કરવાની. જે સારો ભાવક નથી, સારો માણસ નથી, અન્ય પ્રત્યે ઋજુ નથી, સૌંદર્યનો ચાહક નથી, દૂરનું જોઈ શકતો નથી, જેની પાસે નિહિત સત્ય પામવાની શક્તિ નથી, વસ્તુપદાર્થને અનેક રીતે જોવા-મૂલવવાની સૂઝ નથી તે કવિ જ નથી.

કવિતા માટે કલા અને કસબ બન્નેની જરૂર છે. કલા એટલે સ્થૂળ-સૂક્ષ્મ જગતની આનંદ અને રસમય અભિવ્યક્તિ. આ અભિવ્યક્તિ માટે કસબની જરૂર પડે છે. કાવ્યસ્વરૂપનું જ્ઞાન અને છંદોલયની સમજ સાથે ચોક્કસ આકારમાં કવિતાને બાંધી આપવી તે કસબ કહેવાય. આ રીતે અનુભૂતિને આકારબદ્ધ કરવામાં બન્નેનું સાહચર્ય હોય છે.

કાવ્યનો આત્મા શું છે તેની શોધ અર્થે ભારતીય પરંપરામાં અનેક ધારાઓ વિકસી છે. કાવ્યના આત્મા તરીકે અલંકાર, રસ, ધ્વનિ, ઔચિત્ય, રમણીયતા, વક્રોક્તિ એવા અનેક મતો સ્થપાયા. સમગ્ર રીતે જોઈએ તો નીચે પ્રમાણેનાં અંગો કાવ્યસર્જન માટે જરૂરી છે, કેટલાંક અનિવાર્ય છે :

  • કવિનું ભાવજગત અને અનુભૂતિજગત વ્યાપક અને તીવ્ર હોય તો જ ઉત્તમ કાવ્ય બને. નિરીક્ષણશક્તિ પણ તીવ્ર હોવી જોઈએ. કવિતાના વિષય તરીકે તો અમાપ શક્યતાઓ રહેલી હોય છે, પણ દરેક વસ્તુપદાર્થ કે અનુભૂતિને કાવ્યવિષય બનાવે કવિનું નિજી સંવેદન અને કર્તૃત્વ.
  • છંદોલય કવિતાની પ્રમુખ શરત છે. લય સૌંદર્યની પ્રાથમિક જરૂર છે અને કવિતામાં તે અનિવાર્ય છે. કવિતા છંદમુક્ત હોય તો પણ તેમાં લયનાં અનેક સ્તરો જળવાવાં જ જોઈએ. એટલે છંદનું પાક્કું જ્ઞાન, લયની સમજ અને પ્રાસની જાણકારી હોવી જ જોઈએ. લય માટે કાન સરવા હોવા જોઈએ. યાદ રહે કે કવિતા વાંચવાની વસ્તુ નથી, એ તો કાનની કલા છે. એક અર્થમાં રસઘન, લયયુક્ત, મધુર, ટૂંકી અને મર્માળી ઉક્તિ એટલે જ કવિતા.
  • ઉક્તિનું સૌંદર્ય કવિતા માટે અનિવાર્ય છે. જે કંઈ પણ વ્યક્ત કરવાનું હોય તે સુંદર રીતે, સુંદર શબ્દોમાં અને સુંદર પદાવલિમાં, રસિક રીતે, ભાવ અને શબ્દને લાડ લડાવીને કહેવાનું હોય છે. ભાવ તો રમણીય હોવો જ જોઈએ, ઉક્તિ પણ રળિયામણી હોવી જોઈએ.
  • કવિ બે પ્રકારે પોતાનું કથયિત્વ વ્યક્ત કરે છે : નિજની અંગત અનુભૂતિરૂપે અને બાહ્ય પદાર્થના સંયોગે નિજી દર્શનરૂપે. આને અનુક્રમે ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ કાવ્ય કહે છે.
  • યોગ્ય અલંકારો સાથે, યોગ્ય પ્રતીકો કે કલ્પનો સાથે, અને નવીન પદાવલિના રૂપે પંક્તિ આવવી જોઈએ. આ બધાં કાવ્યને ઉપકારક અંગો છે, તે સહજ અને એકરૂપ થઈને આવવાં જોઈએ. યાદ રહે કે અલંકાર, પ્રતીક, કલ્પનનો ખડકલો એ કવિતા નથી જ. એ આગંતુક કે કૃતક લાગવાં જોઈએ નહિ. ઉપકારક જ નહિ, અનિવાર્ય સામગ્રી જ કવિતાનું સૌંદર્ય બને છે.
  • લાઘવ, ટૂંકાણ એ કવિતાનું પાયાનું અંગ છે. થોડામાં ઘણું કહેવું, ગાગરમાં સાગર સમાવવી કવિતામાં અનિવાર્ય છે. કવિતા બધું જ મુખર થઈને, બોલકી બનીને કહે નહિ. એમાં તો સંકેતો હોય, છૂપા રસને પામવાના ઈશારા હોય. જેટલી સૂક્ષ્મતા એટલું કાવ્ય વધારે રમણીય. બધું જ કહી દેવાનો મોહ ન રાખવો, અડધું કહીને છોડી દેવાની પણ કવિતામાં મજા હોય છે. આ પ્રકારની સૂક્ષ્મતા, સંકેતાત્મકતાને આપણી પરંપરાએ ‘ધ્વનિ’ના નામે આવકારી છે.
  • કવિતાની પંક્તિ શિથિલ નહીં, પણ સઘન હોવી જોઈએ. કોઈ પણ અનુભૂતિ, દર્શન, આવેગ, ર્ઊિમ, સંવેદન ઈત્યાદિનું જો રસરૂપ અને રસઘન ઉક્તિમાં પરિણમન ન થાય તો તે કવિતા બનતી નથી.
  • પદાવલિ, પદાન્વય કે શબ્દોની ગોઠવણી અને પસંદગી ખૂબ જ જરૂરી હોય છે. શબ્દો, એના પર્યાયો કે સાંર્દિભક વિશેષણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવો અને સીધી-સપાટ ઉક્તિને બદલે તેનો પદક્રમ બદલાવીને કાવ્યબાનીને નિખારવાની હોય છે.
  • પ્રાસાદિકતા કવિતાનો આગવો ગુણ છે. કવિતા વાંચતાં, પાઠ કરતાં રમણીયતાનો, આહ્લાદનો અનુભવ થાય, સાથે સાથે એમાંની કમનીય રસિક એવી સમગ્ર લલિત સંવાદિતાનો અનુભવ પણ થાય એ ઈચ્છનીય છે. યાદ રહે કે કવિતા આનંદલક્ષી છે, રસલક્ષી છે. તેના પર જ્ઞાન, વિચાર ઈત્યાદિનાં ભારેખમ ભારણ ન જ લાદવાં જોઈએ. વિચાર ગંભીર હોય તો પણ રમણીય રીતે વ્યક્ત થવો જોઈએ.
  • રજૂઆતનું નાવીન્ય અનિવાર્ય છે. એકના એક વિષય પર હજારો કવિતા મળે છે પણ દરેકમાં જો કથનનું નાવીન્ય ન હોય તો કવિતાનો શો અર્થ ? એટલે, કોઈ પણ કવિએ પોતાના કથયિતવ્યને આગળપાછળ, ઉપરનીચે, દૂર અને નજીક જઈને અનેક રીતે જોવું જોઈએ, તપાસવું જોઈએ, અનેક રીતે એને મૂકીને જે અનેક અર્થચ્છાયાઓ મળે તેમાંથી ઉત્તમ હોય તેને જ આખરી ઓપ આપવો જોઈએ. કવિતાને તરત જ ઉતારીને છપાવી દેવાનો મોહ નહીં રાખવો જોઈએ. કથયિતવ્યને ઘાટ આપ્યા પછી થોડું દૂર જઈને, સમયનું પણ અંતર રાખીને એને જોવી જોઈએ અને અનેક સંદર્ભમાં મૂકીને પછી જ સુધારાવધારા સાથેનો આખરી ઓપ આપવો જોઈએ. કવિતા સ્વાન્તઃ સુખાય, પોતાના આનંદ માટે છે એ સાચું છે, પણ જયારે એને અન્ય સમક્ષ પ્રસ્તુત કરીએ ત્યારે તે અન્યની મૂડી પણ બને છે. અન્યને કલાનુભવ તો જ થાય જો તેમાં કલાગત તમામ પ્રયુક્તિઓ અને માવજત થયેલાં હોય. કવિતાની પ્રસ્તુતિ એક ગંભીર બાબત છે. કાવ્યરચનાને રમત તરીકે, ‘હું તો મારા માટે લખું છું’ એવી બડાઈ સાથે વહેતી ન જ મૂકવી. જો કોઈની આવી માન્યતા હોય તો તેણે એને પ્રગટ-પ્રકાશિત ન જ કરવી જોઈએ. કાવ્યાનંદ અંગત વસ્તુ છે પણ એને ઢોલશરણાઈ સાથે રમતી મૂકવી એ તો જવાબદારીભર્યું કામ છે.

કવિતા જીવનનું સૌંદર્ય છે. અનેકના અનુભવો, લાગણીઓ, ઊર્મિઓ, તરંગો, કલ્પનાઓ, ઈચ્છાઓ, આશાઓ, સૌંદર્યો, અપેક્ષાઓને લઈને; એ સર્વનું સાધારણીકરણ કરીને કવિતા જન્મે છે. કવિતામાં આપણા વતી કોઈક વાત કરી રહ્યું છે એમ સતત લાગ્યા કરે છે. એટલે કવિના ભાવ એના અંગત ન રહેતાં ભાવકના બની જાય છે, બિનઅંગત બની જાય છે. જગતનું સ્થૂળ-સૂક્ષ્મ નિહિત કે ગોપિત સૌંદર્યને હૃદયગામી કરવાનું, રસભોગ્ય કરવાનું કામ કવિ કરતો હોવાથી એને સર્જક, દ્રષ્ટા કે ઋષિ જેવાં વિશેષણોથી વિભૂષિત કરવામાં આવેલ છે. સૂતેલા ભાવને જાગૃત કરીને ચિત્તને રસપ્લાવિત કરનાર કે ભાવવિરેચન કરનાર કવિ અને કવિતાની સૃષ્ટિ જેટલી સન્માનનીય છે તેટલી જ જવાબદારીપૂર્ણ પણ છે. કવિ કાવ્યપદાર્થને સર્વાંગ સાક્ષાત કરે, પૂરી સજજતાથી કાવ્યરચના કરે એ જ કલાસૃષ્ટિ માટે અભિપ્રેત છે.

નિસર્ગ આહીર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *