આવ, આ અવસરનો શણગાર થા,
મને લઈ તું ખુશીના શિખર સુધી જા.
મને ગમે જે વરસાદી આભ
એનો ટૂકડો આ વૈશાખે આપું
ચોમેર લૂનો આ રાસ એમાં
ભીનાં ભીનાં પગલાંની કાયા સ્થાપું
તને જે રસ્તાની માયા છે એ તો
સાવ ખોબામાં સમાય તેટલો
ઘૂઘવતા દરિયામાં પગ બોળીને
હોવાનો હિસાબ માગીશ તું કેટલો
આવ આ હિંચકે બેસી થોડાં થોડાં
આભ ને ધરતી હલાવીએ
આપણી હયાતીમાં એક જ બારી
થોડા પવન થોડાક પ્રકાશથી ચલાવીએ
પૂછે જો દોસ્ત સૂતા સંબંધ વિશે
એને આવનારાં સપનનો રસ્તો બતાવીએ
સાવ સીધી સાદી લાગતી આ શેરીને
તારાં નટખટ પગલાંથી સતાવીએ
હોય છે શું આપણા સગપણને અંતે ?
દુ:ખી ઘરનાં તૂટેલાં નળિયાં
જાણે ઝાઝા અવસર વચ્ચે ઘેરાયેલ
સદી જૂનાં અવાવરુ ફળિયાં
એ વાતો કરે તો પથ્થર કે પરવાળાંની
કયાંય એમાં હોય ના પાણીનું પોત
જીવતરને ગણી લીધું રેતીની ચણ
ચણતું રહે બસ ભૂખ્યું કપોત
આવે જો આસપાસ પંખી થોડાં ઊડતાં
એમાં પૂરાયેલો ડર તારા નામનો
પતંગિયાની પાસ એક માળો બાંધ
મુઠ્ઠીમાં બંધ અભરખો શો કામનો?
આવે તો કોઈ રોકી શકે ના
એવાં એવાં સુખનાં બારણાં રાખો
ઈચ્છાઓ દૂર સુધી દેખાય નહિ
તો કદી ન જોયેલી બારીને ચાખો
Leave a Reply