પ્રલાપ

કર્ણપ્રિય અવાજ પણ કાન પાસેથી જ પાછો ફરી જવાની આ ઘટના
ને પેલું પંખી ગાવા ખાતર ગાયા કરે ત્યાં દૂર-સુદૂર
આ બન્નેની વચ્ચેની અવસ્થામાં મને મૂકીને જતાં રહેવું તારું
હજી પણ રેતીની ડમરી જેમ ઘુમરાયા કરે
આવ, આવી જા આ કશા જ અહેસાસ વિનાની ક્ષણોમાં
પાનખરનાં પર્ણોની માફક સમય ખર્યા કરે છે
ને કોઈને કશી જ ગણતરી નથી
પાંદડાં જેવું જ લીલું હતું આયખું એ ઊડી ગયું પેલા પક્ષીની પાંખે
અથવા તો લક્કડખોદે એને કરકોલી નાખ્યું છે
માળા તો છે હજી પણ, તું છોડી ગઈ હતી એવા જ
એમાં ઈંડાંનું અકબંધ રહસ્ય નથી
પાંખો નીચે સંકેલાઈને પડેલું ભવિષ્ય નથી
દૃશ્યો જોતી આ આંખો છે કે પ્રસંગોને પસાર થવાનો રસ્તો?
મારો પ્રત્યેક ધ્વનિ તૂટી પડે અફળાઈને એવી દીવાલો કોણે ચણી દીધી છે ?
મને ઘણી વાર લાગે કે તને પ્રશ્ન ન પૂછું, ભરપૂર પ્રેમ કરું
પણ સામે પ્રશ્નાર્થોની, આશંકાઓની, અવિશ્વાસની અજસ્ર ધારાઓ જાઉં છું ને
મારી હયાતી પ્રશ્ન બનીને ભીંજાતી રહે એવી જ વ્યવસ્થા કોઈએ કરી છે એમ લાગ્યા કરે
આ પ્રતીતિ વગરનું જીવવું અને જીવ્યા વગર ઝૂરવું
એ જ કદાચ મારા ભાગે આવેલી નિયતિ છે
કદાચ તું પણ લાચાર હશે
હા, કદાચ…

નિસર્ગ આહીર : ૩૦.૧.ર૦૧ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *