કદાચ તને

અને આ આકાશના નવા જ રંગ તને આપી શકાયા હોત કદાચ
પહેરાવી શકાઈ હોત તને ઝાકળની ઓઢણી
સૂર્યના આગમને કેવી ઝળકી રહેત તું સાવ જ પારદર્શક,
આખા ને આખા વનનો વૈભવ તારી અંદર રોપ્યો તો ય તને તો માંડ ફૂટી એક કૂંપળ
નિરાંતનો એક ખંડ રચ્યો છે મેં મારી અંદર કેવળ તને પ્રેમ કરવા
અને તું શૂન્યતા ભરીને ચાલી જાય છે કોઈને મળવા
બારીમાંથી જોતો રહું છું કેવળ યાદો
નથી જ લેવું કશું જ તારી પાસેથી મારે
આપવો છે કેવળ અઢળક પ્રેમ પણ
તારી તો કશી લેવાની ય પાત્રતા નથી
કદાચ તને ગમતું હશે સોનાનું પાંજરું
કદાચ તને આપી શકાયું હોત પાંખો વિનાનું ઉડ્ડયન

નિસર્ગ આહીર : મે રપ, ર૦૦૮.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *