હું છું અંધારાનું અંજન…

હું નાની હતી ને રડતી ત્યારે
મમ્મી ચપટી વગાડતી
પિતા ડોળા કાઢતા
દાદીમા ઘૂઘરો ખખડાવતાં
હવે હું રડું છું ત્યારે
સમાજ ચપટી વગાડે છે
જિંદગી ડોળા કાઢે છે અને
સમય ઘૂઘરો ખખડાવે છે
કહો, કઈ દિશાએથી આવ્યાં મારાં પગલાં
ને કોને આંગણ હું અટકી ?
એવું તો મેં કર્યું શું કે
કોઈ પણ કારણ વગર હું તમને ખટકી ?
આંખ સામે જ હતું આકાશ… ભૂરું, સ્વપ્નિલ, આયખાને ઈજન આપતું,
લલચામણું અને ઊંડો ઉન્માદ પ્રેરતું…
પણ કદી ન આપી ઊડવા બે નાનકડી પાંખો
હતાં શમણાં, નહોતી રંગીન આંખો…
હા, હતી આંખો અને છે જ હજુ પણ
રડતી, વારંવાર ઘેરા વાદળ શી ઘેરાતી
બધું જ ધૂંધળું જોતી, છેતરતી, છટકી જતી,
આછેરા રંગથી પણ તરત જ તૂટી જતી, દૃશ્યની સાથે જ ફૂટી જતી,
મને જ વિલોપી નાખતી, વેરી નાખતી, કશાય કારણ વગર વિસ્તરી જતી,
આને તમે કહો છો આંખો ?
કે
આયખાને દૂર ફંગોળી અદૃશ્ય કરનાર કોઈ ખંડેરનો દીવડો ઝાંખો ?
એમણે કોઈ પણ કારણ વગર મને જન્મ આપ્યો
ને કોઈ પણ કારણ વગરની હું મોટી થઈ ગઈ !!!
એણે વાવ્યા છોડ, મેં ઇચ્છાને વાવી,
એણે થોડું પાણી પાયું, મેં આશાને ઉછેરી,
એણે ચૂંટયાં ફૂલ ને મને સમજાઈ મારા હોવાની ભૂલ
પવન આવે છે અને પાંદડાં ખેરતો રહે છે
કેટલાં ખર્યાં ? ખબર નથી
કેટલાં રહ્યાં ? ખબર નથી
બસ, એને મજા આવે છે અને હું મજાક બનતી રહું છું
કારણ વગર…
કારણ કે કોઈનાંય કારણ હું કદીય જાણી શકી નથી
આમ જ બનતું રહ્યું છે આરંભથી
શું આમ જ બનતું રહેશે અંત સુધી ?
કચરો વાળી, પોતાં કરી, કપડાં ધોઈ, રસોઈ કરી, વાસણ કરી, લેસન કરી,
મમ્મીના માથામાં તેલ નાખી
હું ઝરૂખામાં ઊભી હોઉં જરાક
ને એ આવે, ના પાડું તોય આવે, નફ્ફટ થઈને આવે
લટ રમાડે, દુપટ્ટો ઊલાળે, હળવુંક સ્પર્શી લે, સહેજ વહાલ કરી લે,
ભીંસી નાખે, ગૂંગળાવી દે,
લલચાવે, લજ્જાવે, લયલીન કરી દે, બોલાવે,
કદીક બેફામ બને, મને આવકારે, ‘આવી જ જા અહીં’ એમ કહે……
ને હું અનાયાસ આકર્ષાઈ જાઉં પેલા ખુલ્લા આકાશના માદક પવનથી
સાવ એમ જ હું ચડું ઊંચી આકાશમાં સહેજ અધ્ધર
અને મારી પાંખોને કાપી નાખે અધવચ્ચ
બે ખાલી ધારદાર કરવત-શી આંખો
આ જ રોજનો ક્રમ બની ગયો છે પછી તો
અનિચ્છાએ કોઈ અધ્ધર ઊડાડે
અનિચ્છાએ કોઈ અધવચ્ચથી કાપે
ઊગવું-આથમવું, વધવું-વેરાવું, ખીલવું-ખરવું, વિસ્તરવું-વિખરાવું…
શું આ જ છે જીવનનો ક્રમ ?
માડીનો મેઘ કયાં વરસે રે લોલ ?
દાદાનો દેશ કયાં ડૂબી ગયો રે લોલ ?
અમે કેવી તે ઊડણવનની ચરકલડી કે ચકરાવાનો આવે ન અંત કયાંય ?
કયાં છે સાહ્યબો ગુલાબનો ગોટો ?
કયાં છે પારણામાં પોઢનાર મારું પંડ ?
હું જમું છું થોડુંક અન્ન અને થોડુંક જીવતર ખંખેરી નાખું છું
હું પહેરું છું વસ્ત્ર અને આશાને જીર્ણ કરી નાખું છું
હું ચાલું છું થોડાંક પગલાં અને થોડી થોડી મને ભૂંસતી જાઉં છું
હું થોડુંક હસું છું અને જાજેરી મને વહાવી દઉં છું
જયારે જયારે જમીન ખોતરું છું ત્યારે ત્યારે ઈચ્છાઓને દફનાવતી જાઉં છું
મને ગમે છે સજધજ
હું ય કરું છું ને શણગાર
આંખ આંજુ છું હું ય
પણ હું છું એક ન ગમતી દીકરી
જે આંખો આંજી આંજીને અંધારાને જ વધારે ઘટ્ટ કર્યા કરે છે !
ન રંગીન સ્વપ્નનો રસ્તો
ખુદનો જ પડછાયો મને ડસતો
કોનું મનરંજન ?
હું છું અંધારાનું અંજન…
હું છું અંધારાનું અંજન…!!!

નિસર્ગ આહીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *