ભાવકલક્ષી સજજતા

કલાપક્ષે જેટલું મહત્ત્વ સર્જનનું છે, તેટલું જ ભાવનનું પણ છે. સર્જન-ભાવન-વિવેચનની પ્રક્રિયા દ્વારા સર્જનનું વર્તુળ સંપૂર્ણ બને છે. સર્જક સર્જના માટે સજજ હોવો જ જોઈએ એવી અપેક્ષા રહે છે, તેમ ભાવક પણ ભાવન માટે સજજ હોવો જોઈએ એમ માનવામાં આવે છે. સર્જક અને વિવેચકની પણ પ્રાથમિક શરત એ છે કે તેઓ સારા ભાવક તો હોવા જ જોઈએ. ભાવકલક્ષી આવી સજજતાનું મહત્ત્વ ભારતીય પરંપરામાં ખૂબ થયું છે. રાજશેખર આ જ અર્થમાં ‘કારયિત્રી’ અને ‘ભાવયિત્રી’ પ્રતિભાને આગળ ધરે છે. ‘કારયિત્રી’ પ્રતિભા એટલે સર્જન કરી શકવાની ક્ષમતા અને ‘ભાવયિત્રી’ એટલે ભાવન કરવાની પ્રતિભા કે શક્તિ.

આપણે ત્યાં સર્જનપક્ષે અને ભાવનપક્ષે, ઉભય પક્ષે ભાવકને ખાસ્સો અગવણવામાં આવ્યો છે. સર્જકો સર્જના કર્યે જાય છે અને ભાવકો એનું યથામતિ ભાવન કરે છે અથવા તો નથી કરતા. આવી ખાઈ હોવાને કારણે સર્જન અને ભાવનનો સેતુ રચાતો નથી અને સર્જનનો જે હેતુ છે તે સંપૂર્ણતઃ સિદ્ધ થતો નથી. પરિણામ એ આવ્યું છે કે સરેરાશ ભાવક સાહિત્યિક કે કલાકીય ધોરણોથી, ઉત્તમ કલાસિદ્ધિથી દૂર ગયો છે. કોઈ પણ ઊચ્ચ કે ગંભીર કલાપ્રવૃત્તિથી એ એમ માનીને દૂર રહે છે કે એ બધું આપણા માટે નથી. ભાવનની કોઈ જ તાલીમ, પ્રશિક્ષણ કે માર્ગર્દિશકા ઉપલબ્ધ ન હોવાને કારણે સાંપ્રત સમયમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ ઈત્યાદિ કલાપ્રવૃત્તિથી એક મોટો સામાજિક વર્ગ ખાસ્સો દૂર થઈ ગયો છે. એમાંથી જ એક મિડિયોકર વર્ગ ઊભો થયો, જે પોપ્યુલર પ્રયાસોને કલાપ્રવૃત્તિ માનીને ચાલે છે. એમાંથી જ ‘લોકપ્રિય’ વિશેષણ બળવત્તર બનતું ગયું છે અને ઊચ્ચ કલાપ્રવૃત્તિને માઠું પરિણામ વેઠવાનું આવ્યું છે. સાંપ્રતનું આ સમગ્ર ચિત્ર આપણી સંસ્કૃતિ માટે વિઘાતક છે; એની ચિંતા કરવી જ રહી. લોકોનાં રસ અને રુચિ કેળવાય, વિકસાવાય એ જરૂરી છે. આ એક ગંભીર પ્રકારની સમસ્યા છે. એનો ઈલાજ નહિ વિચારવામાં આવે તો આવનારા દિવસોમાં સાંસ્કૃતિક કટોકટી ઊભી થશે જ. આ સૂક્ષ્મ પ્રકારનો રોગ છે અને એનાં માઠાં પરિણામો લાંબે ગાળે અનુભવાતાં હોય છે. ભલે ઝટ નજરે ન ચડે, કોઈ એના પર ધ્યાન ન આપે, પણ એની અસર ખૂબ જ તીવ્ર હોય છે અને ઘાતક હોય છે એ કોઈ પણ મૂલ્યગ્રાહી માણસને સમજાય તેવી ચિંતનીય બાબત છે.

ભાવનશક્તિ કેળવી શકાય છે. સાહિત્યના ભાવન માટે શું અનિવાર્ય છે કે શું ઈચ્છનીય છે તે વિશે થોડાંક ઈંગિતો રજૂ કરવાનો અત્રે નમ્ર પ્રયાસ છે. ભાવક પાસે કયાં કયાં પાસાંની અપેક્ષા રહે છે તેના વિશે સર્વગ્રાહી વાત કરવાની ઈચ્છા છે.

ભાવકની પહેલી શરત એ છે કે તેનું ભાવવિશ્વ વ્યાપક હોવું જોઈએ. ઉંમરની સાથે સાથે એની ભાવજગતની ત્રિજયા પણ વિકસેલી હોવી જોઈએ. બાહ્ય સૃષ્ટિના પરિચયની સાથે સાથે અનુભૂતિ, સંવેદના,  ઊર્મિ, આવેગો ઈત્યાદિથી સમૃદ્ધ થયેલી આંતરિક સૃષ્ટિ ભાવક માટે અનિવાર્ય છે. આમાંથી કેટલીક બાબતો કુદરતી છે, કેટલીક વિકસાવી શકાય છે. જો જીવન વિશેની સૂક્ષ્મ અને સંકુલ સૃષ્ટિનો પરિચય નહિ હોય તો સર્જનનું ગોપનીય સૌંદર્ય હાથ નહિ લાગે. પ્રત્યક્ષ અનુભવ દ્વારા, વાંચન દ્વારા કે જગતના અવલોકન દ્વારા આપણે આપણા આંતરિક જગતને સમૃદ્ધ કરી શકીએ છીએ. પ્રાથમિક શરત એ છે કે આપણે આપણી બહારના જગતને વધારેમાં વધારે સમજવા પ્રયત્ન કરીએ કે એને માણવા પ્રયત્ન કરીએ. આપણે આપણા માટે તેમજ બહારના જગત માટે જેમ બને તેમ સંવેદનશીલ રહીએ. બધા અનુભવો કરવા જેવા નથી હોતા, પણ સમાજમાં જે કંઈ સારુંનરસું બની રહ્યું હોય તેને સમજીને તેમાંથી નવનીત ગ્રહણ કરવું જોઈએ.

ભાવજગતને સમૃદ્ધ કરવાનો એક અગત્યનો ઉપાય એ છે કે અનેક કલાઓના પરિચયમાં આવવું, તેને માણવી, અધ્યયન કરવું, મનન કરવું. જેમ જેમ અધ્યયન અને મનન વધતું જશે તેમ તેમ અનેક નવી નવી બાબતોથી પરિચિત થવાશે અને જે વિવિધતા કે વ્યાપકતા છે એનો ખ્યાલ આવશે. સાહિત્યની બાબતમાં એમ કહી શકાય કે અનેક દેશની, અનેક ભાષાની, અનેક સ્વરૂપની અને સમયના પ્રાચીન-મધ્યકાલીન-અર્વાચીન-સાંપ્રત એવી વૈવિધ્યયુક્ત કૃતિઓનું સધન વાચન કરવું. વાંચનની વ્યાપકતામાંથી પણ ભાવવિશ્વ સમૃદ્ધ થતું રહેતું હોય છે. આપણી ચેતના એવી તો અદ્ભુત વસ્તુ છે કે આપોઆપ જ આપણા ચિત્તને સમૃદ્ધ કરતી રહે છે અને બુદ્ધિશક્તિ જાતે જ પોતાનાં ધોરણો રચીને સજજ થતી રહે છે. તો, સતત અને શ્રેષ્ઠ વાચન ભાવવિશ્વને સમૃદ્ધ કરે છે અને સાહિત્યની સમજ સૂક્ષ્મ બનાવે છે.

ભાવકે એક ગુણ એ કેળવવાનો છે કે એણે કોઈ પણ કૃતિ પાસે જવા પૂર્વે કોઈ જ અપેક્ષા કે પૂર્વગ્રહો રાખવાના નથી. અપેક્ષા હોય તો માત્ર એટલી જ કે કૃતિ માણવી ગમે. પણ વિષય, પાત્રો, રજૂઆત ઈત્યાદિના નાવીન્ય, વૈવિધ્ય, શૈલી પ્રત્યે મુક્ત રહેવું જોઈએ. પૂર્વગ્રહયુક્ત ભાવન વસ્તુતઃ ભાવન જ નથી. કૃતિનું વિવેચન થઈ શકે, પોતાના મન મુજબનું આરોપણ ન જ થઈ શકે.

સાહિત્યકૃતિની સૂક્ષ્મતા, વૈવિધ્ય કે રચનારીતિ સમજવા માટે કૃતિનું સઘન વાચન થવું જોઈએ. નિરાંતની પળોમાં, મનને એકાગ્ર કરીને વાંચીએ તો જ સૂક્ષ્મ રસકેન્દ્રો પામી શકાય કે કૃતિની સમગ્રતા માણી શકાય.

ભાવકે સાહિત્યની રચનાપ્રક્રિયા, સ્વરૂપ, સાહિત્યિક સંજ્ઞાઓ, સાંપ્રત ગતિવિધિ, રચનાપ્રવાહો વગેરેથી પરિચિત થવું જરૂરી છે. સાહિત્યની પ્રાથમિક સમજ માટે પરિભાષાની સમજ હોવી જરૂરી છે. એટલે કે સાહિત્યનું સ્વરૂપ, રચનાવિધાન, સંકલના, ભાષા, શૈલી, વર્ણન, છંદોલય, અલંકાર, રચનાપ્રયુક્તિઓ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, સંવાદ, ચરિત્રનિર્માણ ઈત્યાદિ જેવી સંજ્ઞાઓની પ્રાથમિક સમજ હશે તો સાહિત્યકૃતિનાં અનેક અંગોને સમજવામાં ખાસ મદદ મળશે. અહીં આવી પરિભાષાનાં મુખ્ય અંગો વિશે પ્રાથમિક સમજ આપવાનો નમ્ર પ્રયાસ કરું છું કે જેનાથી ભાવક સાહિત્યપદાર્થને વધારે સારી રીતે સમજી શકે :

‘સ્વરૂપ’ એટલે સાહિત્યકૃતિ જે આકારમાં જન્મ લે તે. નવલકથા, નાટક, ગીત ઈત્યાદિ સાહિત્યનાં સ્વરૂપો છે. સાહિત્યકાર પોતાના કથયિત્વ પ્રમાણે કોઈ એક સ્વરૂપને પસંદ કરી કૃતિ રચતો હોય છે. ‘વિષય’ એટલે કૃતિ દ્વારા રજૂ કરવામાં આવતી બાબત. જેના વિશે રચના થઈ હોય તેને કૃતિનો વિષય કહેવાય છે. ‘સંવિધાનકલા’ એટલે સર્જકે કહેવા ધારેલ વિષયની ગૂંથણી કે ભાત કે નિરૂપણની રીતિ. ‘પાત્ર’ એટલે જેના દ્વારા વિષય રજૂ થાય તે તમામ જીવસૃષ્ટિ. ‘ભાષાશૈલી’ એટલે સર્જકે પસંદ કરેલ ભાષા, શબ્દો, વાક્યરચના, કથનરીતિ ઈત્યાદિની વિશેષ રીત કે પદ્ધતિ. ‘વર્ણન’ એટલે વ્યક્તિ, પાત્ર, પ્રસંગ ઈત્યાદિની આપણને પ્રતીતિકર બને એવી ચિત્રાત્મક રજૂઆત. ‘છંદોલય’ એટલે કવિતામાં નિશ્ચિત માપ કે ભાવના આરોહ-અવરોહની ચોક્કસ પ્રકારની ગોઠવણી અને આવર્તનો. ‘અલંકાર’ એટલે શબ્દ અને અર્થના સૌંદર્યમાં વધારો કરવાની માવજત. ‘પ્રતીક’ એટલે હાજર વસ્તુ દ્વારા ગેરહાજર વસ્તુનું સૂચન કરનાર કોઈક શબ્દ કે શબ્દગુચ્છ. ‘કલ્પન’ એટલે આંખ, કાન જેવી ઈન્દ્રિયો દ્વારા નવીન રીતે પામી શકાય તેવી આકર્ષક કલ્પના. ‘પુરાકલ્પન’ એટલે પૌરાણિક કાળની કલ્પનાઓ કે માન્યતાઓને આધુનિક સંદર્ભમાં પ્રયોજવી તે. ‘રચનાપ્રયુક્તિ’ એટલે સર્જક દ્વારા પોતાના કથયિત્વને કલાત્મક રીતે અભિવ્યક્ત કરવા માટે પ્રયોજવામાં આવેલ સંન્નિધીકરણ, કૉલાજ જેવી પદ્ધતિઓ.

અહીં માત્ર મુખ્ય મુખ્ય સાહિત્યિક પારિભાષિક સંજ્ઞાઓનો પરિચય ખૂબ જ ટૂંકમાં આપવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત અનેક સંજ્ઞાઓ છે, જે સાહિત્ય સાથે સર્જન અને ભાવનથી સંકળાયેલા તમામ લોકોને જાણવી જરૂરી છે. જો સાહિત્યની આવી પરિભાષાની ઓળખ હશે તો જ સાહિત્યનાં અનેક પાસાંઓ કે સર્જકની માવજત, કૃતિનું સૌંદર્ય સમગ્રપણે માણી શકાય.

આ રીતે, ભાવકે રસ અને રુચિ કેળવવાં જોઈએ, કૃતિને સઘન રીતે માણવી જોઈએ, અનેકસ્તરીય સાહિત્યના પરિચયમાં રહેવું જોઈએ અને મુક્તતા કેળવવી જોઈએ. ભાવક આ રીતે પોતાની ક્ષમતા કેળવતો જાય એટલે આપોઆપ જ તેની સૂઝ અને સમજ સંમાર્જિત થતી જાય. તેનામાં નીરક્ષીરનો વિવેક જાગે, અત્યંત અઘરી લાગતી કૃતિનાં પણ સૂક્ષ્મ સૌંદર્યો હાથ લાગે અને રસાનુભવનું ક્ષેત્ર વિસ્તૃત બની જાય. ભાવક કોઈ કૃતિને દોષ દે તે પહેલાં એટલું ચોક્કસ તપાસી લે કે તેની સજજતામાં તો ખામી નથી ને ? જો જવાબ ‘હા’માં આવવાની શક્યતા હોય તો તેણે સજજ થવાની શરૂઆત કરી દેવી જોઈએ.

 

નિસર્ગ આહીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *