તને પૂછું, સખી ?

સૌથી સવાયા સ્વજનની ઝંખના જાગી’તી તે તું છે, સખી ?
પલપલ પરમ પ્રેમની પાયલ વાગી’તી તે તું છે, સખી ?
કોઈએ સહાય માગી, કોઈએ સુખ માગ્યું, કોઈએ શ્વાસ,
કોઈ એકે મને ગમતી મમતાને માગી’તી તે તું છે, સખી ?
મારાં કંઈ કેટલાંય વાદળ અમથેઅમથાં દરિયે વહી ગયાં,
એક અલબેલી નદી સાવ અલગ ભાગી’તી તે તું છે, સખી ?
ફૂલો, પર્વત, દરિયો, ઝરણાં, ચાંદ… કેટલું બધું જોયું,
કાયમી કોઈ કામણની લગની લાગી’તી તે તું છે, સખી ?
મોજાં માફક સમય સાથે સઘળું વહી ગયું ને કશું યાદ નથી,
બસ, એક જ પલને તળ સુધી તાગી’તી તે તું છે, સખી ?
સંબંધો હતા અનેક પણ પાનખરના પર્ણ-શા ખરતા રહ્યા,
આશની ડાળે એક સાચી સગાઈ ટાંગી’તી તે તું છે, સખી ?

નિસર્ગ આહીર : જુલાઈ ૧૧, ર૦૦૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *