ગોડ ઈઝ ઈન લવ

ભારતીય સંસ્કૃતિની એક મહત્ત્વની લાક્ષણિકતા એટલે સહજનો સ્વીકાર. જીવનમાં સહજની સ્વીકૃતિ દ્વારા વિલસવું આવકાર્ય છે એટલે જ ‘સહજાનંદ’ સંજ્ઞા સાધ્ય મનાઈ છે. આ સહજને ઊર્ધ્વગામી કરી સમષ્ટિ સુધી પહોંચાડવામાં જીવનનું સાર્થક્ય છે. જીવનને એની તમામ વિવિધતા અને વિશિષ્ટતાઓ સાથે પામવા માટે જ પ્રાચીન કાળથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર આયામોને પ્રાપ્તવ્યના અર્થમાં ‘પુરુષાર્થ’ કહેલ છે. વિવિધતા, વ્યાપકતા અને સાર્વત્રિકતા ભારતીય સંસ્કૃતિની મૂળ ઓળખ છે, પરંતુ આપણી અત્યારની સ્થિતિ દયનીય છે. આપણે અન્ય દ્વારા અપાયેલી પારકી ઓળખને કારણે વૈયક્તિક વિવિધતાને બદલે સાર્વત્રિક એકતા સિદ્ધ કરવા માગીએ છીએ, વ્યાપકતાને બદલે સંકુચિતતાને અપનાવી રહ્યા છીએ. આને કારણે જ દંભ ભરપૂર પૂજાય છે અને સહજ વૈયક્તિકતા ઘોર તિરસ્કારનો ભોગ બને છે. આપણી આ માનસિકતા એમ. એફ. હુસેન સાથેના વ્યવહારમાં પ્રગટ થઈ. જગપ્રસિદ્ધ એ દિવંગત ચિત્રકાર વિવાદો સર્જતા રહેતા એ એની વૈયક્તિક વિશિષ્ટતા હતી, પણ આપણે એને માફ ન કરી શક્યા એ આપણી સંકુચિતતા છે. સર્જકતાથી છલકાતા આ કલાકાર ભારતની, માતૃભૂમિની ઝંખના કરતા કરતા વિદેશમાં મરણ પામ્યા. એણે ભારતીય પૂજ્ય દેવદેવીઓને નગ્નરૂપમાં ચિત્રિત કર્યાં ને આપણી ભાવનાને ઠેસ પહોંચાડી, પણ આપણે એની કલાકાર તરીકેની વૈયક્તિક વિશિષ્ટતાને કેમ માફ ન કરી શકયા? ‘ભારતીય સંસ્કૃતિ’ની ‘રક્ષા’ કરનારા ઠેકેદારો ભારતીય સંસ્કૃતિને એક અંશ જેટલી પણ જાણે છે ખરા?

છેલ્લી કેટલીય સદીઓથી આપણે ભારતીયતાને એકાંગી બનાવી દીધી છે. એટલે જ ગાંધીજી જેવા મહાપુરુષે પણ ખજુરાહોનાં શિલ્પને વિકૃત કરી દેવાની વાત કરી હતી. ભારતીયતાને સમગ્રતામાં જાણ્યા વિના આ પ્રકારની ચેષ્ટા કરવી એ તો ખુદ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવા સમાન છે. માત્ર નગ્નતા, કામુકતાને જ જો આપણે માપદંડ માનીશું તો આપણે જેને પરમ પવિત્ર ગ્રંથ કહીએ છીએ એવા ઋગ્વેદમાં યમ અને યમીના કામુક સંવાદ છે એનું શું સમાધાન શોધીશું? ઈન્દ્ર અને ઈન્દ્રાણીના અત્યંત કામુક સંવાદો છે તેનું શું? વેદાંતમાં આજના જમાના પ્રમાણે અશ્વમેધ યજ્ઞનો અત્યંત ‘વિકૃત’ લાગતો વિધિ છે તેનું શું? બ્રહ્મા પોતાની જ પુત્રીમાં આસક્ત થયા હતા ! શિવ ભીલડીમાં મોહિત થયા હતા ! વ્યાસજી ક્ષણિક કામાવેગનું સંતાન છે ! ઈન્દ્ર અહલ્યાને ભ્રષ્ટ કરી આખા શરીર પર યોનિ ફૂટી નીકળવાનો શાપ પામ્યો હતો ! પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર નિયોગપદ્ધતિ દ્વારા, એટલે કે અન્ય પુરુષ દ્વારા જનમ્યા હતા. પાંડવો પણ કુંતીના દેવો સાથેના નિયોગથી જન્મ પામ્યા હતા !

જો આપણે ‘કામુકતા’ કે ‘નગ્નતા’નો એક જ મુદ્દો લઈને જડ વલણ અપનાવીશું તો ભારતીય કલાકૃતિઓનો સાગમટે વિરોધ કરવાનો આવશે. કાલિદાસની ‘કુમારસંભવમ’ કૃતિ, જયદેવની ‘ગીતગોવિંદ’ કૃતિ, સુરદાસની ‘સુરસાગાર’ કૃતિ, નરસિંહનાં પદો, કૃષ્ણ વિશેનાં વિદ્યાપતિ, ચંડીદાસ, બિહારી અને અનેક કવિઓનાં પ્રેમલક્ષણાભક્તિનાં પદો, ‘શ્રીમદ ભાગવત’માંની ગોપીકૃષ્ણકેલિ ઈત્યાદિનું શું? આવી સાહિત્યકૃતિઓની સાથે સાથે ખજુરાહો, ભુવનેશ્વર, કોણાર્ક, મોઢેરા ઈત્યાદિનાં મંદિરો અને અજંતાથી માંડીને રાજપૂતકલાનાં લઘુચિત્રો ઈત્યાદિને આપણી એકાંગી અદાલતના પાંજરામાં ઊભાં કરી ગુનેગાર ઠેરવવાં પડશે. આ બધાંનો વિરોધ કરશો પછી ‘ભારતીય’પણાનો ગર્વ લઈ શકાશે ખરો?

દંભી, કૂપમંડુક અને કટ્ટરવાદી લોકોએ સમજી લેવાની જરૂર છે કે સહજના સૌંદર્યનું આપણે ત્યાં જેટલું મુક્ત રીતે આલેખન થયું છે તેવું તો વિશ્વમાં ક્યાંય થયું નથી. ‘ગીતા’ અધ્યાત્મની ટોચ પર છે, ‘અર્થશાસ્ત્ર’ રાજનીતિનું ભવ્યોજ્જ્વલ શિખર છે, ‘નાટ્યશાસ્ત્ર’ દૃશ્યક્લાનું ચરમ પદ છે, તેમ ‘કામસૂત્ર’ જીવનરસનું ઉન્નત સોપાન છે. આવા સર્વ આયામો વડે સંયુક્તરૂપે ‘ભારતીયતા’ રચાય છે, એક કે બે અંગોને આધારે નહિ જ. વર્તમાનમાં ભારતમાં ‘ભારતીયતા’ વિશે ન વિચારનારા કે ન જાણનારા લોકોની બોલબાલા છે એ પણ ભારતીયતાની કમનસીબી છે.

ભારતમાં એક આખો એવો વર્ગ ઊભો થયો છે જે એક જ આંખથી જોવા ટેવાયેલો છે. એમને બધું જ ધર્મમય, નીતિમય, પવિત્ર, વૈરાગી, રસહીન જ જોવું ગમે છે. એમનો ધર્મ અને સંસ્કૃતિ વિશેનો ખ્યાલ ભ્રામક, અધુરો અને ઉપરછલ્લો છે. કહેવાતા ધર્મપુરુષો પાસેથી એમણે આ બધું ઉછીનું લીધું છે. આવા ધર્મપુરુષો અત્યંત વામણા અને ગેરમાર્ગે દોરનારા છે. ભારતીય સંસ્કૃતિનો એમનો સર્વાંગી અભ્યાસ તો નથી હોતો પણ એકાંગી હોય તોય સારું, એમ કહેવાની સ્થિતિ પ્રવર્તે છે. આવા દંભી ‘ધર્મપુરુષો’ જ લોકોને ખૂબ પ્રભાવિત કરે છે અને મૂળ સંદર્ભોને વિકૃત રૂપે રજૂ કરે છે. એમનું ગજું જ નથી ભારતીયતાને સંપૂર્ણપણે સમજવાનું અને સમજાવવાનું. એટલે જ તેઓ પૂર્ણપુરુષોત્તમ ગણાયેલા કૃષ્ણની ‘ગીતા’નો તો સ્વીકાર કરે છે, પણ રાસલીલાનું આધ્યાત્મિક અર્થઘટન કરે છે !! અરે, મૂર્ખ માણસો ! કૃષ્ણના કૃષ્ણત્વના પાયામાં રસ અને રાસ છે. એ જો ન હોત તો તે માત્ર યોગી બનીને રહી જાત, પૂર્ણપુરુષોત્તમ ન જ બનત. એનું નૃત્ય, વાંસળી, નિરતિશય પ્રેમ, સખ્ય, પ્રકૃતિ સાથેની સંવાદિતા જેવાં અદભુતરસિક પાસાંઓનો દ્રોહ શા માટે કરો છો? ‘ગીતગોવિંદ’ કે ખજુરાહોનાં શિલ્પોમાં પ્રતીકાત્મકતા, રૂપકો ઇત્યાદિની શોધ ન કરો. ભારતીય જીવનની જેમ એ પણ સહજ, સ્વાભાવિક સૌંદર્યનાં રૂપો છે. માત્ર ‘નીતિમયતા’ની નજરથી જોનારા લોકોના આવા આધ્યામિક અર્થ કાઢવાના, પ્રતીકો શોધવાના તમામ ઉધામાઓ આરોપિત છે, બેહુદા છે અને ભારતીયતા સાથે જરાય સુસંગત નથી. આવી હનનપ્રવૃત્તિ જેટલા અંશે અટકે તેટલા અંશે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન થશે.

આ સમજના સંદર્ભે ઇશ્વરનાં રમ્યલલિત રૂપો જોવાં રસપ્રદ નીવડશે. જેને કામુકતા અને ‘ઉઘાડાપણા’ની આભડછેટ લાગતી હોય તેમના માટે ખાસ સૂચના : તમારા માટે આ વિષય અસ્પૃશ્ય છે, માટે તમારી આંખને અડકવા દેશો નહિ.

ભગવાન પ્રેમમય હોય તો પ્રેમરત શા માટે ન હોઈ શકે? જે સ્વયં પ્રેમ હોય તે જ અન્યને પ્રેમ આપી શકે. પોતાના ભક્તો માટે વારંવાર દોડી જતા, આશીર્વાદ આપતા ભગવાનને શુષ્ક યોગી માની લેવા એ ભૂલ છે. યોગી તો વૈરાગી હોય, રાગી ન હોય. જે રાગી હોય તેને જ બીજા માટે રાગ જન્મે, જેમાં મમતા હોય તેને જ ભક્તોમાં ‘મારાપણા’નો ભાવ જાગે. ભગવાનમાં ઐશ્વર્ય હોય છે. આ ઐશ્વર્ય એટલે જ જીવનરસની અધિકતા અને અસીમતા. ભગવાનના આ ઐશ્વર્યને પ્રગટ કરતા ગ્રંથો કે સાહિત્યકૃતિઓમાં એના અનેક આયામોની સાથે સાથે રસિકતાનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે, જે સહજ સ્વાભાવિક છે. સાહિત્યની પરિભાષામાં આવા નિરૂપણને આપણે શૃંગાર કહીએ છીએ. પછીથી ચિત્રકારો અને શિલ્પીઓએ શૃંગારને દૃશ્ય રૂપ પણ આપેલ છે. ઈશ્વરની સમગ્રતા કે ઐશ્વર્યને સમજવા માટે એમનું આ રાગીપણું પણ સમજવું પડશે. એને સહજ રૂપે જ જોવું રહ્યું, કોઈ બાહ્ય કે આરોપિત અન્ય ઉપકરણોથી એને ન જ પમાય. ધર્મગ્રંથો, સાહિત્યકૃતિઓ, કલાકૃતિઓમાં ઇશ્વરનું જે પ્રેમમય રૂપ પ્રગટે છે તે ભારતીય સંસ્કૃતિની સાર્વત્રિકતા અને સમ્યક્તા સૂચવે છે. રસિક અને સુજ્ઞ ભાવકોએ એને એની સમગ્રતામાં જ જોવાં જોઈએ.

કામ જીવનનું પરમ ચાલક બળ છે. તેનો સહજ સ્વીકાર કરીને જ જીવનના એક અંગભૂત પ્રાપ્તવ્ય તરીકે તેનું મહત્ત્વ કરવામાં આવ્યું છે. યાદ રહે કે ‘કામ’ દેવ છે, દાનવ નહિ. ‘ગીતા’માં કૃષ્ણ પણ કહે છે કે ‘ધર્મથી વિરુદ્ધ ન હોય તેવો કામ હું છું’ (7.11) અને ‘પ્રજા ઉત્પન્ન કરનાર કામદેવ હું છું’ (10.28).

આપણે જેને અત્યંત પવિત્ર કહીએ છીએ એવા વેદોમાં કે વૈદિક સાહિત્યમાં કામ વિશે કેવું મુક્ત અને સહજ વલણ હતું તેનાં થોડાંક દૃષ્ટાંતો જોવાં રસપ્રદ નિવડશે. ‘ઋગ્વેદ’ના દસમા મંડલના 86મા સૂક્તમાં ઈંદ્ર અને ઈંદ્રાણીના સંવાદમાં ઈંદ્રાણી કહે છે કે ‘હે ઈંદ્ર, એ પુરુષ સંભોગ કરવા સમર્થ નથી થઈ શકતો જેનું લિંગ બન્ને જંઘા વચ્ચે ઝૂકેલું રહે છે. એ જ સમર્થ થઈ શકે છે જેના બેસવાથી કેશાચ્છાદિત લિંગ તણાઈને ફેલાઈ જાય છે.’ એ જ પ્રમાણે દસમા મંડલમાં યમ અને યમી એ ભાઈબહેનનો સંવાદ આવે છે તેમાં યમી યમને પોતાની સાથે સંભોગ કરવાનું કહેતાં આ પ્રમાણે કહે છે : ‘એ કેવો ભાઈ છે, જેના હોવા છતાં બહેન પતિ વગરની અનાથ થઈ જાય અને એ બહેન શું કામની, જેના હોવા છતાં ભાઈ સાંસારિક સુખ વિના દુ:ખી થાય? હું સંભોગની ઈચ્છાથી મૂર્છિત થઈને આવી વાત કરી રહી છું એમ વિચારીને તું મારી સાથે સંભોગ કર’

ભારતીય સંસ્કૃતિમાં અશ્વમેધ યજ્ઞનું ખૂબ મહત્ત્વ છે. ‘શતપથબ્રાહ્મણ’ અને ‘શુક્લયજુર્વેદસંહિતા’માં તેનો અટપટો અને વિચિત્ર લાગે તેવો વિધિ નિરૂપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ‘શુક્લયજુર્વેદસંહિતા’માં યજમાન અશ્વનું અભિમંત્રણ કરતાં એમ કહે છે કે ‘એ અશ્વ, ઊંચી કરેલી સાથળવાળી આ મહિષી (રાજાની મુખ્ય રાણી)ની ગુદા ઉપરના ભાગ એવી યોનિમાં લિંગ સંચાર કરીને વીર્યનું આધાન કર, જે ગર્ભાધાન સ્ત્રીઓના જીવનરૂપ અને ભોજનરૂપ છે, એટલે કે તેનાથી સ્ત્રીઓ જીવે છે અને ભોગ ભોગવે છે.’

આ રીતે વેદો અને વેદાંતમાં ધર્મ અને અર્થ સાથે કામતત્ત્વનું મુક્તપણે નિરૂપણ થયું છે પણ વિસ્તારભયે એને અહીં મૂકતો નથી. કહેવાનો આશય એટલો જ છે કે આપણે આજે જેટલા સંકુચિત અને દંભી છીએ એટલી દાંભિકતા કે સંકુચિતતા ભારતીય સંસ્કૃતિમાં નથી જ. આટલી ભૂમિકા પછી ભગવાનના પ્રેમમય રૂપની અભિવ્યક્તિને માણવી ગમશે. ભગવાનના આ સહજ વિલાસને આ જ અર્થમાં ‘લીલા’ કહે છે.

‘શ્રીમદ ભાગવત’ના દસમા સ્કંધના 33મા અધ્યાયના 18મા શ્લોકમાં આ પ્રમાણેનું નિરૂપણ છે : ભગવાનના અંગોનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને ગોપીઓની ઈંદ્રિયો પ્રેમ અને આનંદથી વિહ્વળ બની ગઈ. એના કેશ વિખરાઈ ગયા, ફૂલોના હાર તુટી ગયા અને આભૂષણ અસ્તવ્યસ્ત થઈ ગયાં. તેઓ પોતાના કેશ, વસ્ત્ર અને કંચૂકીને પણ સંભાળવામાં અસમર્થ બની ગઈ.

જયદેવની ‘ગીતગોવિંદ’ કૃતિના બારમા સર્ગમાં રતિક્રીડા કર્યા પછી કૃષ્ણ અને રાધાનું મનોરમ ચિત્ર આ પ્રમાણે રજૂ થયું છે : પોતાના ચિત્તને પ્રફુલ્લિત કરનાર શ્રીકૃષ્ણની સાથે ક્રીડા કરતી, પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણના ગાલ અને અન્ય કોમલ અંગોને સ્પર્શતી, થિરકતી રાધા શ્રીકૃષ્ણને સંબોધીને બોલી ‘હે પ્રિયતમ યદુનંદન, ચંદનથી પણ મને અધિક શીતલ લાગતા તમારા હાથથી કામદેવના મંગલ કલશ બનેલ મારાં સ્તનો પર કસ્તુરીનો ચિત્રમય લેપ લગાવી આપો.’

શ્રીકૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ હોવાથી એની પ્રેમલીલા અનેક ભક્તોએ અને કવિઓએ મુક્ત રીતે ગાઈ છે. બિહારી, ચંડીદાસ, સૂરદાસ, વિદ્યાપતિ, કેશવદાસ જેવાં અનેક નામો આપી શકાય. આપણે જેને ‘ભક્ત નરસૈંયો’ કહીએ છીએ એ નરસિંહ મહેતાએ કેટલાંય શૃંગારિક પદો લખ્યાં છે. ઉદારણરૂપે કેટલાંક જોઈએ :

‘પ્રેમદા સાથે પ્રેમ-શું પિયુડો અતિ રંગે રમે,

અધર ડસી, કર કુચ ગ્રહી કૃષ્ણજી કંદર્પને દમે.’

 

‘હું હતી જોવન-સમે, કુચફળ પિયુડા જોગ,

કોમળ કર લઈ સોંપિયાં કરવાને રસભોગ;

અમૃતફળ લેઈ અરપિયું મેં પિયુના મુખ માંહે,

રસ પી રસિયો પાય મુજને, આનંદ પામી તાંહે;

કંઠ ઘાલી બાહોડી ચુંબન દિયે રે કપોલ,

સંગમનાં સુખ શાં કહું? કરતી હું કામકલ્લોલ.’

 

‘પેર પ્રીછી, પાતળિયા ! તારી નયણ કેરા ચાળે રે,

હું એકલડી મારગ માંહે, ઉર પર શું નિહાળે રે?

પીન પયોધર ગ્રહેતાં, વહાલા ! નારંગડે નખ લાગે રે,

નણદી મારી ખરી અદેખી, સાચો ઉત્તર માગે રે;

આલિંગન તો આપું, મારા વહાલા ! જો અમ-શું અંતર ટાળો રે,

નરસૈંના સ્વામી ! મારા ઉર પર નિશદિન આવી મહાલો રે.’

 

‘આલિંગન એણી પેરે દીજે, અસ્થિર યૌવનનો લાહો રે લીજે,

નયણ નયણ પર, અધર અધર પર, કુચ ઉપર કુચ દીજે;

ક્ષણ-અધક્ષણ એવો ભાવ ધરીજે, તો મારું મન રીઝે,

રસભરી સેજે પધાર્યા કામી, ભક્તવત્સલ મળ્યા નરસૈંચા સ્વામી.’

 

‘બળિયા ! બળ કાં કરીને રહ્યો રે? કુચફળ છે નાનાં રે,

અધર ડંક દીધા અતિ સબળા, તે ક્યમ રાખું છાના રે?’

 

‘આજ, સખી ! મારી સેજે સૂતા, સુરત તણાં સુખ દીધાં રે,

પિયુડે મારે પ્રેમ જણાવ્યો, નાના લાડ તે કીધાં રે;

ચોળી ઉતારીને ચીર છંડાવ્યાં, રુદયા ભીતર ભીડી રે,

અધર દશન-ડંક દેઈને વહાલે કઠિણ પયોધર પીડી રે;

રયણી જગાડયાં ને રંગે રમાડયાં, કોકકલા શિખાવ્યાં રે,

નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, નારીપણું ભલે પમાડયાં રે.’

 

કાલિદાસ ‘કુમારસંભવમ’માં આઠમા સર્ગમાં શિવ અને પાર્વતીની સુરતક્રીડાનું વર્ણન કરે છે. કાલિદાસ યોગીઓના પણ યોગી શિવનું સુંદર શબ્દચિત્ર આપે છે : તે ક્ષણે, ઊરુમૂલ પર પડેલા નખક્ષતની હારમાળાથી હરાયેલા નેત્રવાળા શંકરે ઢીલા પડેલા વસ્ત્રને બાંધતી પ્રિયતમા પાર્વતીને રોકી.

ભવભૂતિ ‘ઉત્તરરામચરિત’ના પ્રથમ અંકમાં રામના મુખમાં સીતા સાથેની પ્રણયચેષ્ટાને આ રીતે મૂકે છે : અત્યંત અનુરાગને કારણે પરસ્પર ગાલ પર ગાલ રાખીને, કોઈ પણ અર્થ વગરનું ધીમે ધીમે બોલતાં, એકબીજાના ગાઢ આલિંગનમાં બદ્ધ, વીતેલા કાળની ખબર વિના જ આપણી રાતો વીતી જતી હતી.

એ જ પ્રમાણે કાલિદાસ ‘રઘુવંશ’માં રામ અને સીતાના પ્રેમાસક્ત સંબંધને તેરમા સર્ગમાં કલાત્મક રીતે વર્ણવે છે. રામ સીતાને કહે છે : હે સુલોચને ! સમુદ્રતટનો વાયુ તારા મુખ પર કેવડાની પરાગરજ છાંટી રહ્યો છે. જાણે કે તે જાણી ગયો છે કે હું તારા હોઠને હમણાં જ ચુમવાનો છું અને હવે વધારે શૃંગારની રાહ જોવાનો નથી.

એ જ સર્ગમાં સીતાના વિરહમાં ત્રસ્ત રામની દશાને કાલિદાસ સુપેરે અભિવ્યક્ત કરે છે : તારા વિયોગમાં હું એટલો પાગલ થઈ ગયો હતો કે એક દિવસે સ્તન સમાન પુષ્પગુચ્છવાળી પાતળી અશોકલતાને મેં એમ માનીને આલિંગન આપવાનું વિચાર્યું કે એ તું જ છે. જેવો હું એને આલિંગન આપવા ગયો તો મારા આ પાગલપણાને જોનાર લક્ષ્મણે રોતાં રોતાં મને ત્યાંથી પાછો વાળ્યો.

ચૌદમા સર્ગમાં પણ રામ અને સીતાના અનુરાગને કાલિદાસ આ રીતે નિરૂપે છે : જ્યારે રામને પૂર્ણ ખાતરી થઈ કે સીતા ગર્ભવતી છે ત્યારે તે કોમલ અને શ્યામ સ્તનાગ્રવાળી શર્મીલી સીતાને એકાંતમાં પોતાના ખોળામાં બેસાડીને રામે પૂછયું કે મને કહે કે તારે શું શું જોઈએ છે?

બુદ્ધ ભગવાનને વજ્રયાન પ્રણાલિકા પ્રમાણે તેની શક્તિ સાથે પ્રેમરત હોય તે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. આ રીતે ભગવાનનું પરમ પ્રેમમય રૂપ આપણી સમક્ષ ઊભરી આવે છે. ભગવાનના આવા રસમય, પ્રેમમય રૂપને ચિત્રકારો અને શિલ્પીઓએ આલેખ્યું છે તે પણ માણવા જેવું છે. તેમાં ભગવાનની પ્રેમલીલાનાં અનેક દૃશ્યરૂપો વિલસી રહે છે. આ સર્વનો ઉદ્દેશ આટલો : ભારતીય સંસ્કૃતિને સમગ્રતામાં સમજતા થઈએ અને સંકુચિત કે એકાંગી ન થઈએ. જેટલું મહત્ત્વ ધર્મ, અર્થ અને મોક્ષનું કરીએ છીએ એટલું જ મહત્ત્વ સમ્યકપણે કામનું પણ કરીએ. કેમકે ભગવાન આનંદમય છે, સહજ છે અને રસરૂપ છે. ઉપનિષદ કહે છે કે પરમ તત્ત્વ રસમય છે : રસો વૈ સ:

 

નિસર્ગ આહીર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *