કાલડંખ

આવા જ કોઈ તડકીલા દિવસે આંગણામાં ઢોળાયું હતું પડછાયાનું મૌન
એમ જ ઊગી આવ્યું હતું અંધારું
પણ એવી નાની નાની કેટલી ઘટનાની તું સાક્ષી છે ?
આમે ય તું કયાં સાક્ષી હોય છે મારા એકે ય અગત્યના અવસરની ?
નગર આખું કોઈ મોટા પ્રસંગની તડામાર તૈયારી કરતું હોય છે
ત્યારે હું નાની નાની શકયતા મનમાં
રમાડયા કરું.
સંબંધનું સઘળું સુંદર રૂપ હું મારા જ દૃષ્ટિકોણથી ગોઠવી રહું
કોઈ હોય ના આંગણે તોય વમળાતા મૌનને ઊલટથી વાત કહું
આખરે થાકી જવાય છે આવા એકધારા, એકલા અખતરાઓથી
શાંત કરો એને તો પણ પોકારી ઊઠે કે કશું જ અહીં તારું નથી
ઊઠવાની ઈચ્છા થતી નથી ને ઊઠયા પછી ઊંઘ આવતી નથી
શું પીવું ? શાને પીવું ? મનગમતી જે ચીજ તે પણ ભાવતી નથી.
પ્રકાશ એનું પોત ખોઈ બેઠો છે, અંધારાનો પ્રભાવ પણ ઘટેલો છે
તને યાદ છે, આપણે હાથમાં હાથ મૂકી સમયને કેટલો ઘૂંટેલો ?
દિશાઓને સંકેલીને મૂકી દીધી છે, સમયને દૂર ફેંકી દીધો છે
જીવનરસનો હતો જે છેલ્લો ઘૂંટ તે પણ પી લીધો છે
તું હોય ના હોય હવે કોઈ ફરક પડતો નથી મને
કદાચ મારી છેલ્લી અવદશાના સમાચાર મળે તો દુ:ખ ન થવું જોઈએ તને

નિસર્ગ આહીર : ૩૦ નવેમ્બર, ર૦૦૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *