આરત

હસતો તારો ચહેરો જોઈ હૈયું બસ એક જ વાત કહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે
એક અનોખું વાદળ આવી
જાણે ધોધમાર વરસી ગયું
સપને સપને ઝાકળ હતી
હવે સુખનું સરવર થયું
છલોછલ વહેતી નદી જોઈ થાય કે તું જ કલકલ વહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે
કદીક કોયલ લાવે ટહુકો
કદીક આખી વસંત લાવે
લીલાંછમ પાંદડાં પહેરાવી
રોમેરોમ ફૂલોને વાવે
આસપાસ અમળાતો નટખટ પવન તારી સુગંધ ચહે
અંગેઅંગ તવ છલકે દરિયો આનંદનો એ કાયમ રહે.

જૂન ૩૦, ર૦૦૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *