અભીપ્સા

તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ
આયખું ધરાઈ જાય એવું મળે મીઠું જરા જો જલ
મારી ઈચ્છા બસ એટલી જ
કોઈકને ભરપૂર ચાહી લઉં
ગમતા માણસનું મન મલકે
એથીય અઢળક સુખ દઉં
કરું આખોય જનમારો રંગીન રૂપાળો છલોછલ
તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ
મારે કહેવી છે વહાલભરી વાત
કોઈક તો મને જરા પૂછે
આંખોમાં થીજેલાં આંસુ
કોઈ સ્વજન આવીને લૂંછે
કોઈ જો ઝાકળ જેમ અડકે તો ફૂલ ખીલે દલેદલ
તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ
કોઈ પ્રેમલ પોતીકું ન હોય
તો આખુંય આયખું અધુરું
એક મનગમતા માનવીના ટેકે
મલકે હૈયું મધુરું મધુરું
એક મીઠી નજરના પ્રતાપે નદી ભરપૂર કલકલ
તરસ જીવલેણ હવે પીવું સાચું સગપણ પલ પલ

સપ્ટેમ્બર ૭, ર૦૦૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *